Adivasi News: ભાજપના નેતાઓ જાહેરમાં દલિતો, આદિવાસીઓના હામી હોવાની વાતો કરે છે પરંતુ તેમની કથની અને કરણીમાં આભ-જમીનનો ફરક હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે. ભાજપના કરજણ બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલ(Karjan MLA Akshay Patel)ના પુત્ર અને તેના સાગરીતો દ્વારા તેમને ત્યાં જ કામ કરતા આદિવાસી ડમ્પર ચાલક પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામની નવીનગરીમાં રહેતા ડ્રાઇવર નટવરભાઈ વસાવાને ડીઝલ ચોરીના આક્ષેપસર ધારાસભ્યના પુત્રે ઓફિસે બોલાવી, લોખંડની પાઈપો વડે ફટકારી, દોરડાથી ઊંધા માથે લટકાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પીડિતની ફરિયાદના આધારે વલણ પોલીસે કરજણના ધારાસભ્યના પુત્ર રૂષી પટેલ(Rishi Patel) સહિત પાંચ લોકો સામે Atrocity act અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઑફિસે બોલાવી પાઇપો વડે ઘાતકી હુમલો
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, પીડિત નટવરભાઈ વસાવા છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય અક્ષય પટેલ(MLA Akshay Patel)ના પુત્ર રૂષી પટેલ(Rishi Patel) ના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 15 મેના રોજ નટવરભાઈ અન્ય એક ડ્રાઈવર સાથે જંબુસર ખાતેથી રેતી ખાલી કરીને પરત ફર્યા હતા, ત્યારે તેમને તાત્કાલિક બકાપુર સ્થિત ઑફિસે બોલાવવામાં આવ્યા હતા. ઓફિસ પહોંચતા જ રૂષી પટેલે તેમને એક વાહનનો ફોટો બતાવી ડીઝલ ચોરીનો આક્ષેપ કર્યો હતો. ડ્રાઈવરે આ આરોપનો ઇનકાર કરતા જ રૂષી પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડની પાઈપ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ત્યાં હાજર અન્ય ચાર સાગરીતોએ પણ વારાફરતી પ્લાસ્ટિકની પાઈપોથી આડેધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
ઊંધા માથે લટકાવી ઢોર માર માર્યો, જાતિવિષયક અપમાન કર્યું
હુમલાખોરોએ ક્રૂરતાની હદ વટાવી નટવરભાઈના બંને પગ દોરડાથી બાંધી તેમને ઓફિસમાં ઊંધા માથે લટકાવી દીધા હતા. આ સ્થિતિમાં તેમને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહી ગડદા-પાટુનો અને પાઈપોનો ભારે માર મારવામાં આવ્યો હતો. સતત અને ગંભીર મારના કારણે પીડિત ડ્રાઈવર ઓફિસમાં જ બેભાન જેવા થઈ જતાં તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઓફિસના અન્ય કર્મચારીઓએ નટવરભાઈને બંધનમાંથી મુક્ત કરી મોટરસાઈકલ પર કહોણા હોડી ઘાટ સુધી પહોંચાડ્યા હતા, જ્યાંથી તેમનો પુત્ર તેમને ઘરે લાવ્યો હતો. પીડિતની ગંભીર હાલતને જોતા 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આદિવાસી સમાજમાં ભારે આક્રોશ, કડક કાર્યવાહીની માંગ
સત્તાધારી પક્ષના ધારાસભ્યના પુત્ર દ્વારા આદિવાસી ડ્રાઈવર પર કરાયેલા આ અત્યાચારને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમાજના અગ્રણીઓ અને કાયદાકીય સલાહકારો પીડિત પરિવારના સમર્થનમાં આવ્યા છે. એડવોકેટ મિનેશ પરમારે જણાવ્યું હતું કે, ડ્રાઇવરને અતિશય ગંભીર શારીરિક ઇજાઓ પહોંચી હોવાથી તેઓ આગામી 2 થી 3 મહિના સુધી કોઈ કામ કરી શકે તેમ નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાણ હેઠળ વલણ પોલીસે હજુ સુધી એફઆઈઆરમાં BNSની ગંભીર કલમો 109 અને 118(2) ઉમેરી નથી. આ બાબતે આગામી સમયમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આદિવાસી ભાઈએ કબર ખોદીને બહેનનું હાડપિંજર બેંકમાં બતાવવું પડ્યું

રાજકીય દબાણ વગર તપાસની માંગ, આરોપીઓ ફરાર
પીડિત પરિવારે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણ વગર કેસની તટસ્થ તપાસ થાય, તમામ પુરાવાઓ સુરક્ષિત જળવાઈ રહે અને ગુનેગારોની સત્વરે ધરપકડ થાય તેવી માંગ કરી છે. હાલમાં વલણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર રૂષી પટેલ અને તેના 4 સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી દેવાયો છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ ‘આદિવાસી થઈને અમારી સાથે જમે છે?’ કહી સરપંચે યુવકને ફટકાર્યો











