મનુસ્મૃતિએ કેવી રીતે બ્રાહ્મણો સિવાયના તમામ વર્ણને અન્યાય કર્યો તેની વાત કરવી છે. કલ્પના કરો કે કોઈ દેશનું બંધારણ એવો વર્ગ લખે, જે પોતાને માટે ટેક્સમાફી, સજામાફી અને સર્વોચ્ચ દરજ્જો નક્કી કરે અને બાકીના બધાને ‘સેવક’ ઠેરવે. મનુસ્મૃતિએ સદીઓ પહેલાં બરાબર આ જ કર્યું હતું. લગભગ 200 BCE થી 200 CE વચ્ચે સંકલિત થયેલા આ ગ્રંથના રચયિતા બ્રાહ્મણ વિદ્વાનો હતા. અને ગ્રંથની શરૂઆતથી જ ઊંચા આસને બ્રાહ્મણ બિરાજમાન છે.
ઈશ્વરના નામે ઊંચ-નીચના ભેદભાવ
પ્રથમ અધ્યાયમાં કહેવાયું છે કે સર્જકના મુખમાંથી બ્રાહ્મણ, ભુજામાંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્ર જન્મ્યા. આ કોઈ સામાજિક વ્યવસ્થા નહોતી, આ ઈશ્વરના નામે લખાયેલી ‘જન્મસિદ્ધ’ શ્રેષ્ઠતા હતી. ગ્રંથ બ્રાહ્મણને જન્મથી જ સમગ્ર સૃષ્ટિનો સ્વામી ગણાવે છે. સામે શુદ્ર માટે એક જ ‘ધર્મ’ નક્કી થયો: ઉપલા ત્રણ વર્ણોની સેવા. સવાલ એ છે કે જે ઈશ્વરને કોઈએ જોયો નથી, તેનું નામ લઈને પોતાના માટે ગાદી અનામત રાખી લેવી, એને ધર્મ કહેવાય કે ચતુરાઈ?

ગુનો એક, બ્રાહ્મણો અને શુદ્રો માટે સજા જુદી જુદી
ગ્રંથની દંડવ્યવસ્થા સૌથી શરમજનક છે. અધ્યાય 8 મુજબ, નીચલા વર્ણનો માણસ ઊંચા વર્ણને ગાળ દે તો જીભ કાપવાનું વિધાન છે. નામ-જાતિ લઈને અપમાન કરે તો મોંમાં 10 આંગળ લાંબો ગરમ લોખંડી ખીલો ઘુસાડવાની વાત છે. શુદ્ર બ્રાહ્મણને ઉપદેશ આપવાની હિંમત કરે તો મોં અને કાનમાં ગરમ તેલ રેડવાનું લખાયું છે.
હવે ત્રાજવાનું બીજું પલ્લું જુઓ. બદનક્ષી કરનાર બ્રાહ્મણ માટે દંડ છે: ક્ષત્રિયને બદનામ કરે તો 50 પણ, વૈશ્યને કરે તો 25 પણ અને શુદ્રને કરે તો માત્ર 12 પણ. બ્રાહ્મણ ગમે તેવો ગંભીર ગુનો કરે, તેને મૃત્યુદંડ નહીં, ફક્ત દેશનિકાલ, અને તે પણ શરીર અને સંપત્તિ સલામત રાખીને. ગ્રંથમાં બ્રાહ્મણની હત્યાને સૌથી મોટું પાપ ગણાવાયું છે, જ્યારે શુદ્રની હત્યાનું પ્રાયશ્ચિત્ત બિલાડી કે દેડકાની હત્યા જેટલું ગણાવાયું છે. માણસની કિંમત જન્મથી નક્કી થતી હોય, ત્યાં ન્યાયની વાત જ હાસ્યાસ્પદ છે.
શુદ્ર સક્ષમ હોય તો પણ સંપત્તિ ભેગી ન કરી શકે
રાજાએ બ્રાહ્મણ પાસેથી કર ન લેવો, એવું ગ્રંથ કહે છે. સામે અધ્યાય 10માં શુદ્ર સક્ષમ હોય તો પણ સંપત્તિ ભેગી ન કરે, એવી સલાહ છે. અધ્યાય 8માં તો માલિક શુદ્રને મુક્ત કરે તો પણ તે સેવામાંથી મુક્ત ન ગણાય, એવો નિયમ છે. શિક્ષણ, જ્ઞાન અને વેદના દરવાજા શુદ્ર માટે બંધ રખાયા. એક તરફ શિક્ષણ અને પૂજાપાઠના એકાધિકાર સાથે દાન-દક્ષિણાની ખાતરી, બીજી તરફ ગરીબી અને અજ્ઞાનનું કાયમી ચક્ર. આ વ્યવસ્થા પોતાના ફાયદા માટે ઘડાયેલું ‘બિઝનેસ મોડલ’ નહીં તો બીજું શું?
હાંશિયામાં ધકેલાયેલા સમાજોને બહાર કરાયા
અધ્યાય 10માં મિશ્ર જાતિઓની યાદી છે, જેમાં ચંડાળ જેવા સમુદાયોને ગામની બહાર વસવા, મૃતદેહ સંબંધી કામ કરવા અને સ્પર્શથી દૂર રાખવાનું કહેવાયું છે. અસ્પૃશ્યતાને વૈચારિક ટેકો આપવામાં આ ગ્રંથની ભૂમિકા અંગે આંબેડકર સહિત અનેક વિદ્વાનોએ તીખી ટીકા કરી છે. જંગલોમાં વસતા આદિવાસીઓ માટે ‘નિષાદ’, ‘દસ્યુ’ અને બહારના લોકો માટે ‘મ્લેચ્છ’ જેવા તિરસ્કારસૂચક શબ્દો ચલણમાં આવ્યા. શૂદ્રો, અતિશૂદ્રો, આદિવાસીઓ અને બહારના સમાજો, બધાને એક જ સંદેશ મળ્યો: તમે બહાર છો, નીચે છો.
ઇતિહાસકારોમાં મતભેદ છે કે પ્રાચીન ભારતમાં આ ગ્રંથનો અમલ કેટલો થયો. પરંતુ 18મી સદીમાં બ્રિટિશ શાસને મનુસ્મૃતિ જેવા ધર્મશાસ્ત્રોને ‘હિંદુ લૉ’ તરીકે સ્થાન આપ્યું. એટલે જે ગ્રંથ કદાચ આદર્શ હતો, તે કાયદાનું સ્વરૂપ લઈ ગયો અને જાતિની દીવાલો વધુ કડક બની.

બાબાસાહેબે મનુસ્મૃતિ શા માટે સળગાવવી પડી?
25 ડિસેમ્બર 1927ના રોજ મહાડ સત્યાગ્રહ દરમિયાન ડૉ. બી. આર. આંબેડકરે મનુસ્મૃતિની પ્રતો જાહેરમાં સળગાવી. એ કોઈ ગ્રંથ સામેનો ગુસ્સો નહોતો, એ હજારો વર્ષના અપમાનનો જવાબ હતો. સ્વતંત્ર ભારતના બંધારણે અનુચ્છેદ 15 દ્વારા જાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂક્યો અને અનુચ્છેદ 17 દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરી. કાયદો બદલાયો, પણ માનસિકતા હજુ જેમની તેમ છે. દલિતો સામે અત્યાચારના કિસ્સા રોજ અખબારોમાં આવે છે. મનુસ્મૃતિ ભૂતકાળ છે, પણ તેની અસર આજે પણ જીવંત છે: જે વ્યવસ્થા પોતે જ ન્યાયાધીશ બની પોતાને નિર્દોષ ઠેરવે, તેને સમાજ ક્યાં સુધી ‘ધર્મ’ કહીને પૂજતો રહેશે?
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરે મનુસ્મૃતિને મહિલાઓ માટે ક્રૂર ગ્રંથ કેમ કહ્યો હતો?
આ પણ વાંચોઃ મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?











