જ્યારે દયા પવારને એક કાર્યકરે ટપાલમાં ‘નિરોધ’ મોકલ્યો!

કટોકટી સમયે દયા પવારને મળેલો ‘નિરોધ’ અને રોટી-આઝાદીનો સંઘર્ષ. શું વંચિતોએ આઝાદીને બદલે રોટી પસંદ કરી?
daya pawar

ચંદુ મહેરિયા

કટોકટીના એ ભયના, ડરના દિવસોમાં લેખક દયા પવાર પણ ખૂબ ડરી ગયેલા હતા. કટોકટીમાં પકડાવાની બીકે ભૂગર્ભમાં જતા રહેલા (ન.મો.ની જેમ) એક કાર્યકર્તાએ દયા પવારને ટપાલમાં ‘નિરોધ’ અને ટૂંકો પત્ર મોકલ્યો, જેમાં એ મતલબનું લખ્યું હતું કે, “તારા જેવી બીકણ કોમ ફરીથી પેદા ન થાય, એટલા માટે આ વ્યવસ્થા.” દયા લખે છે કે ભૂગર્ભમાંથી આ પત્ર મોકલનાર પણ બીકણ હશે, એટલે તેણે પત્રમાં ક્યાંય પોતાનું નામ લખ્યું નહોતું!

શું દલિતો અને દલિત સાહિત્યકારો કટોકટીની તરફેણમાં હતા? શું કટોકટીના વિરોધીઓ કટોકટીના તરફદાર દલિતોથી એટલા રોષે ભરાયેલા હતા કે તેઓને નિરોધ મોકલી તે પેદા જ ન થાય તેવું ઈચ્છતા હતા? આ પ્રસંગ પછીના તરતના પેરામાં દયા પવારે કટોકટીકાળનો એક બીજો પ્રસંગ વર્ણવ્યો છે. રાષ્ટ્રીય લેખક સંઘે દિલ્હીમાં સંમેલન યોજ્યું હતું.

વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ તેમાં હાજર રહી સંબોધન કરવાનાં હતાં. એટલે સમજાઈ જવું જોઈએ કે આ સંમેલન કટોકટીની તરફેણમાં હતું. દયા પવારને વિમાનની ટિકિટ અને ફાઈવસ્ટાર હોટલમાં ઉતારાની વ્યવસ્થા સાથેનું નિમંત્રણ હતું. પણ દયા પવારે આ નિમંત્રણ ઠુકરાવી દીધું. દયાએ લખ્યું છે, “ફરીથી એક વાર વિમાનમાંથી નીચેની દુનિયા જોવાની તક હાથમાંથી સરી જાય છે, પરંતુ મને તેનું જરાય દુઃખ નથી.”

આ પણ વાંચો: ‘RSS અને ભાજપ આજે પણ દલિતોને માણસ નથી ગણતા!’

દયા પવારના આ સ્મરણોની સાથે જ મને ગુજરાતનો એક પ્રસંગ પણ સાંભરે છે. ઝીણાભાઈ દરજીની પ્રેરણા અને આગ્રહથી રચાયેલા દલિત, આદિવાસી, બક્ષીપંચ કામદાર-કર્મચારી મંડળ (દઆબ)ના રાજકોટ અધિવેશનમાં કટોકટીની તરફેણ અને ઈન્દિરા ગાંધીનાં આ પગલાંનો બચાવ કરતો ઠરાવ થયો હતો.

આજે રજનીભાઈ લિખિત-સંપાદિત પુસ્તક ‘કટોકટી અને તેમાં ભૂમિપુત્ર-યજ્ઞ પ્રકાશનની ભૂમિકા, સરમુખત્યારી સામે લોકસંઘર્ષની ગાથા’ના પ્રકાશન વેળા મને દયા, દઆબ અને દલિતો એક સાથે યાદ આવે છે. સમગ્ર દલિત સમાજ નહીં તો દલિત, ગરીબ, વંચિત સમાજનો મોટો હિસ્સો કટોકટીની તરફેણમાં હતો. મારે એ પણ કહેવું જોઈએ કે ગુજરાતમાં જનતા મોરચાની રચના સાથે જોડાયેલા બિનરાજકીય સંસ્થા-સંગઠનોમાં દલિતોનું લડાયક સંગઠન ‘દલિત પેન્થર’ પણ હતું.

કટોકટી નાગરિક અધિકારો, મૂળભૂત અધિકારો અને બંધારણે બક્ષેલી તમામ અભિવ્યક્તિની આઝાદીને છીનવનારી ઘટના હતી. રોટી સાથે આઝાદી અને આઝાદી વિનાની રોટીનું દ્વંદ્વ સતત ચાલતું રહે છે. તો શું દલિતોએ ઈન્દિરાઈ કટોકટીકાળમાં આઝાદીને બદલે રોટી પસંદ કરી હશે? વંચિતોને, ગરીબોને રોટલો મળી રહે એટલે કાયમ મૂંગા મરવું પડે?

આ વલણ શું ઠીક ગણાય? એવો સવાલ મને કટોકટીની આ પચાસીએ થાય છે. આપણી દિલી ઈચ્છા તો રોટીગર્ભ આઝાદીની છે. જો એ બેઉ મળે તો ભયોભયો. ઘોષિત અને અઘોષિત તમામ કટોકટી આપણી સામે આ સવાલ ઉભો કરે છે કે શું ગરીબોને એકલો રોટલો જ બસ છે કે રોટલો અને આઝાદી બેઉ જોઈએ છે?

આ પણ વાંચો: ગુજરાતમાં વાલ્મિકી સિવાયના લોકો માથે ‘મેલું’ ઉપાડશે?

આ સંપાદનમાં રજનીભાઈએ આપણને કટોકટી સંદર્ભે લખાયેલા કેટલાક પુસ્તકોનો પરિચય કરાવ્યો છે. કટોકટીમાં જેમ ગાંધી-સર્વોદય અને સંઘ-જનસંઘના પકડાયેલા કાર્યકરોનો ઈતિહાસ છે તેમ નહીં પકડાયેલાઓનો પણ ઈતિહાસ છે. જેમના વિશે આપણને લાગે કે આ તો કટોકટીમાં જેલમાં હશે, પણ આવા પકડાવા જોઈતા અને છતાં ન પકડાયેલાઓ કે છૂટાઓનો પણ ઈતિહાસ છે, જે લખાવો અને તેના કારણો તપાસવાં બાકી છે. કટોકટીની પચાસીએ કરવા જેવા બાકી કામોની યાદીમાં એક આ પણ છે.

અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર અને સીપીઆઈ (એમ)ના આગેવાન દિનકર મહેતા કટોકટીમાં બહાર હતા. તેમણે સામ્યવાદી અને કિસાનસભાના કાર્યકર તરીકે દક્ષિણ ગુજરાતના જે ગામડાઓમાં કામ કર્યું હતું, તેમાં ફરી જવાનું કટોકટી દરમિયાન કર્યું હતું. ફલસ્વરૂપ લખાયેલું પુસ્તક તે ‘પલટાતાં ગામડાં’. દિનકર મહેતાને તેમણે કિસાનસભાના કાર્યકર તરીકે જે ગામડાઓમાં કામ કર્યું હતું, તે એમની આ રિવિઝિટમાં, ફેરમુલાકાતમાં પલટાતાં લાગ્યાં હતાં. આજે કરવાનું કામ આ છે: દિનકરભાઈને જે ગામડાઓમાં પરિવર્તન દેખાયું હતું તે કથિત વિકાસની રાજનીતિમાં ક્યાં ઊભું છે? તે વિકાસ પામ્યાં છે? વધુ સારાં બન્યાં છે? કે વિલોપન પામ્યાં છે? તે તપાસવાનું થવું જોઈએ.

ગુજરાતના એકના એક પુરુષોત્તમ માવળંકર અને ઉમાશંકર જોશીએ કટોકટીના વિરોધમાં સંસદમાં અને સંસદ બહાર પડઘો ગુંજતો રાખ્યો હતો. ઉમાશંકરે તેમના સામયિક ‘સંસ્કૃતિ’ને સેન્સરની તપાસમાંથી પસાર કરાવવાને બદલે તેનું પ્રકાશન બંધ રાખવાનું યોગ્ય માન્યું હતું. એટલે જેમ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’એ સામયિકોનું પ્રકાશન ચાલુ રાખી સેન્સરશીપને પડકારી હતી, તો બીજી તરફ ‘સંસ્કૃતિ’ જેવાં પણ સામયિકો હતાં જેણે પ્રકાશન થંભાવી દીધું હતું. તેમનો પણ ઈતિહાસ લખાવો જોઈશે.

આ પણ વાંચો: ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓનો પ્રોજેક્ટ 15 વર્ષ પછી પણ અધૂરો કેમ?

લોકસભામાં માવળંકરે અને રાજ્યસભામાં ઉમાશંકરે કટોકટીનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર બોલતાં ઉમાશંકરે જે ભાષણ કર્યું હતું તેનું શીર્ષક બહુ સરસ હતું: “આપણે સૌ ઉઘાડા પડ્યા છીએ” (તા. ૦૮.૦૧.૧૯૭૬). તો સાહેબો જરા વિચારીએ—૧૯૭૫ની ઘોષિત કે આજની ૨૦૨૬ની અઘોષિત એમ સઘળી કટોકટીમાં ના માત્ર રાજકીય પક્ષો પણ આપણે સૌ લોક, જન, જનતા, પ્રજા અને નાગરિક માત્ર ઉઘાડા પડી ગયા છીએ.

ઉમાશંકરે રાજ્યસભામાં આપેલા છેલ્લા ભાષણમાં તેમણે પ્રજાનો અંતરાત્મા તાળાકુંચીમાં હોવાનું કહ્યું હતું. તો આ તાળાની કુંચી ક્યાં છે? ખોવાઈ ગઈ છે? કેમ ઘોષિત-અઘોષિત કટોકટી છતાં આપણો અંતરાત્મા જાગતો નથી? તેના તાળાની કુંચી કોની પાસે છે? આ કુંચી કોઈ લઈ ગયું છે? શું આપણે આપણો અંતરાત્મા તાળાકુંચીમાં જ રહે તેમ કરવું છે? કે તાળું ખોલવું છે? તે વિશે પણ બીજી આઝાદીના એકાવનમા વરસે વિચારવાનું છે.

આ પણ વાંચો: CJI ચંદ્રચૂડ મોદી સરકાર સામે ‘નરમ’ કેમ હતા? કોનું દબાણ હતું?

રજનીભાઈએ પૂર્વે કિસાન આંદોલન, જમીનનો સવાલ કે કેન્સર જેવા વિષયો પર સરસ વિશેષાંકો અને પુસ્તકો કર્યાં છે. એટલે મને રજનીભાઈના કટોકટી વિશેના આજે પ્રકાશિત ગ્રંથની સામગ્રી અને ગુણવત્તા વિશે બહુ આશ્ચર્ય થતું નથી. રજનીભાઈ તો આમ જ કરે ને વળી! રજનીભાઈ, યજ્ઞ પ્રકાશન અને ભૂમિપુત્ર પરિવારને અભિનંદન અને આનંદ.

(તા. ૨૬મી જૂન ૨૦૨૬ના રોજ પુસ્તકના પ્રકાશન સમયે બોલાયેલું, થોડા ઉમેરણો સાથે)

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ન્યાયતંત્રમાં જાતિવાદ સામે લડનાર જસ્ટિસ કર્ણનનું નિધન

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x