દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!

સુપ્રીમ કોર્ટે દેશમાં મેન્યુઅલ સ્કેવેજિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં તેનો અમલ થઈ રહ્યો નથી તેવું આંકડાઓ કહે છે. છેલ્લાં 3 મહિનામાં 36 સફાઈકર્મીઓ મોતને ભેટ્યાં.
36-sanitation-workers-die-in-3-months-due-to-manual-scavenging AI Image

દેશમાં મેન્યુઅલ સ્કેવેજિંગ(Manual Scavenging) એટલે કે હાથથી મેલું ઉપાડવાની અને સીવર-સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરવાની અમાનવીય પ્રથા આજે પણ કાળમુખું સત્ય બનીને ઉભી છે. તાજેતરમાં બહાર આવેલા આંકડા અનુસાર, છેલ્લા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં દેશના વિવિધ ભાગોમાં સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસ શ્વાસમાં જવાથી 36 સફાઈકર્મીઓ(sanitation workers)એ પોતાના જીવ ગુમાવ્યા(Sanitation Workers Deaths) છે. આ ભયાનક આંકડાઓએ સરકારી તંત્રની સુરક્ષા નીતિઓ અને કાયદાકીય અમલવારીની પોલ ખોલી નાખી છે. આ ગંભીર મુદ્દે દલિત આદિવાસી સફાઈ કામદાર મંચ (દાસામ) દ્વારા તીવ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સરકાર સમક્ષ આકરી માંગણીઓ મૂકવામાં આવી છે.

દાસામ મંચ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મોતોને માત્ર અકસ્માત ગણાવીને બંધ ન કરી શકાય, પરંતુ આ ઘટનાઓ વાસ્તવમાં એક ગંભીર સંરચનાત્મક જાતિગત હિંસા (Structural Caste Violence)નું સ્વરૂપ છે. સદીઓથી ચાલી આવતી જ્ઞાતિ વ્યવસ્થાના કારણે ચોક્કસ પછાત વર્ગના લોકોને જ આ જોખમી કામમાં ધકેલવામાં આવે છે. મંચે માંગ કરી છે કે આવા તમામ કિસ્સાઓમાં માત્ર મામૂલી વળતર આપીને સંતોષ માનવાને બદલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ સામે ગુનાહિત જવાબદારી નક્કી કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી ઉચ્ચ વહીવટી સ્તરે ગુનાહિત બેદરકારી બદલ જેલની સજાની જોગવાઈઓનો કડક અમલ નહીં થાય, ત્યાં સુધી આ સિલસિલો અટકશે નહીં.

આ પણ વાંચોઃ હોસ્પિટલની સેપ્ટિક ટેંક સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓના મોત

આ અમાનવીય પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે સંગઠન દ્વારા મુખ્યત્વે સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈનું સાર્વત્રિક મશીનીકરણ (Universal Mechanization) કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ મનુષ્યને આ નરકાગારમાં ઉતરવું ન પડે. આ ઉપરાંત, જ્યાં સુધી સંપૂર્ણ મશીનીકરણ ન થાય ત્યાં સુધી તમામ સુરક્ષા પ્રોટોકોલનું ફરજિયાત પાલન કરાવવું, અસરગ્રસ્ત પરિવારોને સમયબદ્ધ આર્થિક વળતર આપવું અને જોખમી કામ છોડનારા કર્મચારીઓ માટે કાયમી ધોરણે વૈકલ્પિક આજીવિકાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે.

દાસામ સંગઠને કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત ન્યાયતંત્ર અને નાગરિક સમાજ (Civil Society)ને આ ઝેરી અને જાનલેવા માહોલમાંથી સફાઈ કામદારોને મુક્ત કરાવવા માટે તાકીદે નક્કર અને અસરકારક પગલાં લેવા અપીલ કરી છે. લોકશાહી દેશમાં કોઈ પણ નાગરિકને માત્ર આજીવિકા કમાવવા માટે પોતાના જીવનું જોખમ ખેડવું પડે તે બંધારણીય અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન છે, તેથી આ પ્રથા પર કાયમી પ્રતિબંધ મૂકવો જ રહ્યો.

આ પણ વાંચોઃ ગટરની સફાઈ કરતા માતાપિતાની દીકરીએ જજ બનીને ઈતિહાસ રચ્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x