દેશમાં દલિતોની સૌથી વધુ વસ્તી જે રાજ્યમાં છે પૈકીના એક પંજાબમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીંના મુક્તસર જિલ્લાના મલોટના ઝોરડ ગામમાં મોબાઈલ ચોરીની આશંકામાં બે દલિત યુવકોને કેટલાક જાતિવાદી તત્વો અને ગ્રામજનોએ પકડીને દોરડા વડે બાંધી, નગ્ન કરીને ગામમાં ફેરવ્યા હતા. એટલું જ નહીં આરોપીઓએ બંને યુવકોને ખેતરોમાં નિર્દયતાથી ઢસડ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસે બંને યુવકો પર પણ કાર્યવાહી કરી છે. જ્યારે 11 લોકો સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો છે.
ઘટનાની મળતી વિગતો મુજબ, નેપાળના સરલાહી જિલ્લાના વતની અને હાલ અહીં મજૂરી કામ કરતા વરિન્દર સાહનીએ પોલીસને જણાવ્યું કે, શનિવારે સવારે 10 વાગ્યે તે ખેતરમાં કામ કરતા સાથીઓ માટે ભાથું લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝોરડ-રામનગર રોડ પર બાઇક સવાર બે યુવકો કથિત રીતે તેનો મોબાઈલ છીનવીને ભાગી ગયા હતા. બૂમાબૂમ થતાં ખેતરમાં હાજર અવતાર સિંહે આ બંને યુવકોને ઓળખી લીધા હતા. ત્યારબાદ વરિન્દર તેના સાથી રામચંદર સાથે ઝોરડ ગામની ગ્રામ પંચાયતે પહોંચ્યો હતો ત્યારે બંને યુવકો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોબાઈલ ગુરવિન્દરપાલ સિંહના ઘરે હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યાં તપાસ કરતા મોબાઈલ મળ્યો નહોતો.

આ પણ વાંચોઃ દલિત યુવકને માથાભારે શખ્સે નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો
जातीय आतंक!
पंजाब के मुक्तसर में दलित युवकों को पेड़ से बांधकर जातिसूचक गालियां देते हुए बेरहमी से पीटा गया। पुलिस भी दोषियों पर कठोर कार्रवाई करने से बचती रही।
अब प्रदेश अनुसूचित जाति आयोग ने इस मामले का संज्ञान लिया है। हमलावरों पर कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए। pic.twitter.com/mTBHlVhJQb
— Ajay. Ambedkar (@ambedkarajay1) June 7, 2026
ત્યારબાદ બંને યુવકો ભાગીને ખેતરોમાં ઘૂસી ગયા હતા, જ્યાં ગ્રામજનોએ તેમનો પીછો કરીને પકડી લીધા હતા. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં યુવકોના કપડાં ફાટી ગયા હતા. બીજી તરફ, પીડિત ગુરવિન્દરપાલની માતા જસપાલ કૌરે આક્ષેપ કર્યો છે કે શનિવારે તે ઘરે સૂતો હતો ત્યારે 6 થી 7 લોકો તેને બળજબરીથી બાઇક પર બેસાડીને ઉપાડી ગયા હતા. આ જાતિવાદી તત્વોએ તેને ખેતરોમાં નિર્દયતાથી ઘસડ્યો, મારામારી કરી અને દોરડાંથી બાંધી નગ્ન હાલતમાં ગામમાં ફેરવ્યો હતો. પુત્રને બચાવવા ગયેલી માતા સાથે પણ મારપીટ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડે.કલેક્ટરની હેરાનગતિથી કંટાળી દલિત યુવકે કલેક્ટર કચેરીમાં ગળેફાંસો ખાધો!
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પંજાબ રાજ્ય એસસી કમિશનના ચેરમેન જસવીર સિંહ ગઢીએ સુઓમોટો સંજ્ઞાન લીધું છે. કમિશને એસએસપી મુક્તસર અને ડીએસપી (ડી) ને સત્તાવાર નોટિસ ફટકારીને 9 જૂન સુધીમાં આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. મલોટના ડીએસપી જસપાલ સિંહ ધાલીવાલે જણાવ્યું કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે.

ચોંકાવનારી વાત એ છે કે, પોલીસે વરિન્દર સાહનીના નિવેદનના આધારે મોબાઈલ લૂંટના આરોપમાં બંને યુવકો ગુરવિન્દરપાલ સિંહ અને સંદીપ સિંહ વિરુદ્ધ ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે. સાથોસાથ, ગુરવિન્દરપાલની માતાની ફરિયાદના આધારે બીજા પક્ષના 11 લોકો સામે એટ્રોસિટી એક્ટ (SC-ST Act), મારપીટ અને ઘરમાંથી અપહરણ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નામજોગ આરોપીઓમાં હરદીપ સિંહ, અવતાર સિંહ, રિમ્પા સિંહ અને મનપ્રીત સિંહ ઉર્ફે બિલ્લા સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ તમામ 11 આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
આ પણ વાંચોઃ દલિત યુવકના હાથ-પગ બાંધી ગામલોકોએ કૂવામાં ઊંધો લટકાવ્યો











