ડે.કલેક્ટરની હેરાનગતિથી કંટાળી દલિત યુવકે કલેક્ટર કચેરીમાં ગળેફાંસો ખાધો!

દલિત યુવકે પોતાની જમીન વેચવા માટે મંજૂરી માંગી હતી પરંતુ કલેક્ટરે મહિનાઓ સુધી ફાઈલ અટકાવી રાખતા યુવકે કંટાળીને કલેક્ટર કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો.
dalit news

દલિતોના મામલે આપણે તંત્ર કેટલું સંવેદનહીન અને નિષ્ઠુર બની ચૂક્યું છે તેની આ ઘટના સાબિતી છે. મામલો ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાનો છે, જ્યાં એક 26 વર્ષના દલિત યુવકે જમીન વેચવાની મંજૂરી ન મળવાના કારણે કલેક્ટર કચેરી પરિસરમાં જ લોખંડની રેલિંગ સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના વહીવટી તંત્ર, જમીન ટ્રાન્સફર પ્રક્રિયા અને જનસુનાવણી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકીય પક્ષો અને સ્થાનિક સંગઠનોએ આ મામલે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

દલિત યુવક 6 મહિનાથી કચેરીના ધક્કા ખાતો હતો

મળતી માહિતી મુજબ, નિકિરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના રાયતુંડી ગામનો રહેવાસી શ્રીચંદન મલ્લિક શુક્રવારે કલેક્ટર કચેરી પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવકના પરિવારજનોએ વહીવટી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે, શ્રીચંદન પોતાની માલિકીની જમીન વેચવા માટે છેલ્લા છ મહિનાથી સરકારી કચેરીઓના સતત ધક્કા ખાઈ રહ્યો હતો. તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા છતાં પણ તેને મંજૂરી આપવામાં આવતી નહોતી. લાંબા સમયના વિલંબ અને સરકારી હેરાનગતિના કારણે તે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડ્યો હતો, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.

આ પણ વાંચો: છેડતીના આરોપીના દબાણથી ધો.10ની દલિત વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

ઓડિશા લેન્ડ રિફોર્મ્સ એક્ટનો નિયમ નડ્યો

મૃતક યુવક અનુસૂચિત જાતિ (દલિત) સમાજમાંથી આવતો હતો. ઓડિશા ભૂમિ સુધારણા (OLR) અધિનિયમ, 1960ની કલમ-22 અનુસાર, અનુસૂચિત જાતિનો કોઈ પણ જમીનધારક મહેસૂલ અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના પોતાની જમીન કોઈ બિન-અનુસૂચિત જાતિ અથવા સામાન્ય વર્ગની વ્યક્તિને વેચી શકતો નથી. આ કાયદાકીય જોગવાઈ હેઠળ જ મંજૂરી મેળવવા માટે યુવકે અરજી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા તેની ફાઈલ લાંબા સમય સુધી લટકાવી રાખવામાં આવી હતી, જે તેની આત્મહત્યાનું મુખ્ય કારણ બની હોવાનો પરિવારે દાવો કર્યો છે.

કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

કલેક્ટર કચેરી જેવી સુરક્ષિત અને સંવેદનશીલ જગ્યાએ બનેલી આ ઘટનાથી વહીવટી વડાઓ આખરે એક્શનમાં આવ્યા છે. કેન્દ્રપાડાના કલેક્ટર રઘુરામ આર. અય્યરે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા આ દુઃખદ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો તપાસમાં કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી બેદરકારી, ભ્રષ્ટાચાર અથવા હેરાનગતિ માટે દોષિત સાબિત થશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી

બીજેડીએ ઉગ્ર વિરોધ સાથે વળતરની માંગ કરી

આ ઘટના બાદ ઓડિશામાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (BJD) એ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. બીજેડી જિલ્લા પ્રમુખ શિવ પ્રસાદ બાલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે શનિવારે કલેક્ટરની મુલાકાત લીધી હતી અને કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બીજેડી ધારાસભ્ય ગણેશ્વર બેહરાએ આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા અને રાજ્ય સ્તરે જનતાની ફરિયાદ નિવારણ પ્રણાલી સંપૂર્ણપણે પડી ભાંગી છે. સરકારી કચેરીઓમાં હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે અને લોકસુનાવણી માત્ર કાગળ પરની ઔપચારિકતા બની ગઈ છે. બીજેડીએ મૃતકના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે ગુનાહિત કેસ દાખલ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: એક એવું ગામ, જ્યાં 40 વર્ષથી 360 દલિત પરિવારો અંધારામાં જીવે છે

ભાજપ અને વકીલ મંડળે પણ લીધા આડેહાથ

માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના નેતા અને પૂર્વ જિલ્લા પરિષદ અધ્યક્ષ ગીતા સેઠીએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને યુવકના મોત માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

બીજી તરફ, જિલ્લા વકીલ મંડળે પણ આ મામલે વહીવટી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. વકીલ મંડળના પ્રમુખ રબી નારાયણ મોહંતીએ સીધો આક્ષેપ કર્યો છે કે, કેન્દ્રપાડાના ડેપ્યુટી કલેક્ટર અરુણ કુમાર નાયક દ્વારા મૃતક યુવકને વારંવાર હેરાન કરવામાં આવતો હતો.

વકીલોના પ્રતિનિધિમંડળે કલેક્ટરને મળીને જમીન ટ્રાન્સફરની મંજૂરીમાં ઈરાદાપૂર્વક વિલંબ કરવા બદલ ડેપ્યુટી કલેક્ટર સામે તાત્કાલિક શિસ્તભંગના પગલાં લેવા રજૂઆત કરી છે. હાલ સમગ્ર રાજ્યની નજર આ મામલે આવનારા તપાસ અહેવાલ અને તંત્રની કાર્યવાહી પર ટકેલી છે.

આ પણ વાંચો: દલિત મહિલાને પોલીસે 38 કલાક સુધી ગોંધી રાખી ટોર્ચર કરી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x