લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીને આડે હજુ ઘણો સમય બાકી છે, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણો અત્યારથી જ ગરમાયા છે. ખાસ કરીને બહુજન સમાજ પાર્ટી (BSP) ના એકલા હાથે ચૂંટણી લડવાના મક્કમ નિર્ણય વચ્ચે અન્ય પક્ષો માયાવતીના મજબૂત પરંપરાગત વોટબેંકના સહારે વૈતરણી પાર કરવા આતુર બન્યા છે. આ કડીમાં હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા માયાવતીના પક્ષને ગઠબંધન કરીને સાથે ચૂંટણી લડવા માટે સત્તાવાર ખુલ્લી ઓફર આપવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકોના મતે, યુપીના રાજકારણમાં માયાવતી અને બીએસપીનું પલ્લું કેટલું ભારે છે, તે સાબિત કરવા માટે આ પ્રસ્તાવ પૂરતો છે.

આઈમીમ (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આગામી 14 જૂનના રોજ બહરાઈચમાં એક મોટી જનસભા કરવા જઈ રહ્યા છે. આ રેલી પૂર્વે પક્ષના પ્રદેશ પ્રમુખ શૌકત અલીએ એક મોટું નિવેદન જારી કરીને પોતે BSP સાથે જોડાણ કરવા ઉત્સુક હોવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. શૌકત અલીએ જણાવ્યું કે, જો ઉત્તર પ્રદેશમાં દલિત અને મુસ્લિમ મતદારો એક મંચ પર આવી જાય તો તે રાજ્યની સૌથી મોટી રાજકીય શક્તિ બની શકે છે. આ ગઠબંધન ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને માટે મોટો પડકાર ઉભો કરી શકે છે.
આ પણ વાંચો: રાજપૂત યુવકે કંકોત્રીમાંથી ડો.આંબેડકરનો ફોટો ફાડી પગ નીચે કચડ્યો
જો કે, આ સમગ્ર પ્રસ્તાવમાં ઓવૈસીની પાર્ટીનો મુખ્ય હેતુ બીએસપીના મજબૂત કેડર બેઝ વોટ મેળવીને રાજ્યમાં પોતાનું ખાતું ખોલાવવાનો કે બેઠકો મેળવવાનો દેખાઈ રહ્યો છે.
બીએસપીનો પ્રભાવ એટલો વ્યાપક છે કે ઓવૈસી પૂર્વે કોંગ્રેસ પક્ષ પણ માયાવતીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. ગત મહિને બારાબંકીના કોંગ્રેસ સાંસદ તનુજ પુનિયા અન્ય નેતાઓ સાથે માયાવતીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો કે, માયાવતીએ તેમને મુલાકાતનો સમય પણ આપ્યો ન હતો અને કોંગ્રેસના નેતાઓએ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસ દ્વારા કરાયેલા આ પ્રયાસ પાછળનો હેતુ સમાજવાદી પાર્ટી પર દબાણ લાવવાનો અને બીએસપીના પ્રભાવનો લાભ લેવાનો હતો, જે સ્પષ્ટ કરે છે કે યુપીની સત્તા મેળવવા માટે તમામ પક્ષો માટે માયાવતી અનિવાર્ય છે.

આ પણ વાંચો: BSP ને છેલ્લાં 19 વર્ષથી 20 હજારથી વધુનું દાન નથી મળ્યું!
બીજી તરફ, ગઠબંધનની રાજનીતિમાં અગાઉ થયેલા કડવા અનુભવોને કારણે બીએસપી પ્રમુખ માયાવતીનો સૂર અત્યંત કડક અને સ્પષ્ટ રહ્યો છે. માયાવતીએ અગાઉ જ જાહેર મંચ પરથી સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી આગામી ચૂંટણી પોતાના દમ પર જ લડશે અને કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે. પક્ષનું સ્પષ્ટ માનવું છે કે ગઠબંધન કરવાથી અન્ય નાના પક્ષો બીએસપીના મતોના જોરે પોતાની બેઠકો જીતી જાય છે, પરંતુ તેના બદલામાં બીએસપીને કોઈ અપેક્ષિત ફાયદો થતો નથી.
આથી અન્ય પક્ષોની વૈતરણી પાર કરાવવાને બદલે સંગઠનને સ્વાયત્ત રીતે મજબૂત કરવું એ જ શ્રેષ્ઠ વ્યૂહરચના છે. ઓવૈસીની પાર્ટીના આ પ્રસ્તાવ બાદ પણ બીએસપી પોતાના મક્કમ વલણ પર અડગ રહે તેવી પૂરી સંભાવના છે, કારણ કે રાજ્યમાં દલિત મતદારો પર માયાવતીની પકડ આજે પણ અકબંધ છે.
આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?











