દલિત સમાજમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરને લઈને સતત જાગૃતિ વધતી જઈ રહી છે. હવે લોકો પોતાના લગ્નની કંકોત્રીમાં પણ બાબાસાહેબનો ફોટો લગાવતા થયા છે અને મનુવાદનો જાકારો આપી રહ્યાં છે. જો કે, જાતિવાદી તત્વોથી દલિતોની આ જાગૃતિ સહન નથી થઈ રહી અને તેઓ કંકોતરીમાં પણ ડો.આંબેડકરનો ફોટો સહન નથી કરી શકતા.
આવી જ એક ઘટના યુપીના અલીગઢ જિલ્લાના અકરાબાદના નગલા સરતાજ ગામમાં બની છે. અહીં બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના અપમાનની ગંભીર ઘટના બની છે. આ વિવાદ એક દલિત પરિવારની દીકરીના લગ્નની કંકોત્રીથી શરૂ થયો હતો. આગામી 29 એપ્રિલના રોજ યોજાનાર લગ્ન માટે પરિવારે કંકોત્રીઓ છપાવી હતી, જેમાં પરંપરાગત રીતે ડૉ. આંબેડકરની તસવીર છાપવામાં આવી હતી.

જ્યારે આ કંકોત્રી પરિચિતોમાં વહેંચવામાં આવી, ત્યારે ગામનો એક રજપૂત યુવક તે કંકોત્રી જોઈને ઉશ્કેરાઈ ગયો હતો. આરોપ છે કે, યુવકે જાહેરમાં ડૉ. આંબેડકરની તસવીરવાળો ભાગ કંકોત્રીમાંથી ફાડી નાખ્યો હતો અને ત્યારબાદ તેને જમીન પર ફેંકી પોતાના પગ નીચે કચડી નાખ્યો હતો.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો
રાજપૂત યુવક આટલેથી અટક્યો ન હતો, તેણે આ સમગ્ર કૃત્યનો વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં તે બાબા સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરતો પણ જોવા મળ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવતા જ દલિત સમાજમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. પોતાના આદર્શના આવા અપમાનને કારણે દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ કાર્યવાહીની માંગ
વિડીયો સામે આવ્યા બાદ રવિવારે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને યુવાનો અકરાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ફરિયાદ પક્ષે અવનેશ કુમાર, ગુલશન બાબુ, અંકિત ગૌતમ અને ઓમપ્રકાશ સહિતના ગ્રામજનોએ લેખિતમાં ફરિયાદ આપી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્યથી સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો
પીઆઈ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, “નગલા સરતાજ ગામમાં બાબા સાહેબની તસવીર સાથે છેડછાડ અને અભદ્ર વર્તન કરવાના સંબંધમાં ફરિયાદ મળી છે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.”
દલિત આગેવાનોની આંદોલનની ચીમકી
પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે. દલિત સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે જો આરોપી યુવક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હાલ પોલીસ વાયરલ વિડીયોના આધારે પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી











