ભોપાલ: મધ્યપ્રદેશમાં આદિવાસીઓની વરસાગત જમીનોની ખરીદ-વેચાણમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) ના અધ્યક્ષ જીતુ પટવારીએ ભોપાલ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારના સંરક્ષણમાં સત્તાધારી પક્ષ ભાજપ (BJP) ના નેતાઓ, વગદાર લોકો અને તેમના સમર્થક ઉદ્યોગપતિઓએ મળીને આદિવાસીઓની આશરે 3 લાખ એકર (અંદાજે 1.26 લાખ હેક્ટર) જમીન ખરીદી લીધી છે.
આ વિવાદને પગલે કોંગ્રેસે સમગ્ર મામલે તટસ્થ તપાસ માટે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

ભાજપ માટે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયું
મધ્યપ્રદેશ દેશમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય છે, જ્યાં 1.50 કરોડથી વધુ આદિવાસીઓ વસવાટ કરે છે. બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર, આદિવાસીઓની આર્થિક સુરક્ષા માટે તેમની જમીન અન્ય કોઈ બિન-આદિવાસી વ્યક્તિ સીધી રીતે ખરીદી શકતું નથી. કોઈપણ સંજોગોમાં આદિવાસી ભૂમિનું હસ્તાંતરણ સક્ષમ સરકારી અધિકારીની પૂર્વ મંજૂરી વિના અશક્ય છે.
આ પણ વાંચો: દલિત યુવકને જાતિ પૂછી જોઈનિંગના બે કલાકમાં નોકરીમાંથી કાઢી મૂક્યો
આમ છતાં, જીતુ પટવારીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 8 વર્ષના શાસનકાળ દરમિયાન સરકારી તંત્રના આશીર્વાદથી આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને જમીનોના સોદા પાર પાડવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પ્રદેશના અનેક જિલ્લા કલેક્ટરો પણ આદિવાસીઓની જમીન વેચવાની ગેરકાયદેસર પરવાનગીઓ આપવા બદલ શંકાના દાયરામાં આવ્યા છે.
આદિવાસીઓનું પલાયન અને ખાણ પ્રોજેક્ટ્સનો વિવાદ
કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, મોટા પાયે થઈ રહેલા શિફ્ટિંગ ઉપરાંત વિવિધ ખાણ પ્રોજેક્ટ્સ (માઇનિંગ પ્રોજેક્ટ્સ) અને મોટી ખાનગી કંપનીઓને જમીન ફાળવણી કરવાના બહાને આદિવાસીઓને તેમની પરંપરાગત બાપ-દાદાની જમીનો પરથી બળપૂર્વક બેદખલ કરવામાં આવ્યા છે. આ પ્રકારની આર્થિક અને સામાજિક કનડગતને કારણે સ્થાનિક આદિવાસી પરિવારો પોતાના વતનમાંથી સામૂહિક પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર
આ ઉપરાંત, આદિવાસી બહુલતા ધરાવતા છિંદવાડા જિલ્લામાં પણ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દ્વારા અગાઉ આ જ પ્રકારે આદિવાસીઓની જમીનોની મોટા પાયે થઈ રહેલી ખરીદ-વેચાણ અંગેના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, જેને કારણે સ્થાનિક સ્તરે અનેક વિવાદો ચાલી રહ્યા છે.
સત્તા પર આવ્યે તપાસની જાહેરાત
જીતુ પટવારીએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે, આગામી સમયમાં જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે, તો આ તમામ શંકાસ્પદ જમીન સોદાઓની તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે. તપાસ દરમિયાન જે પણ જગ્યાએ અનિયમિતતા કે ગેરકાયદેસર જમીન હસ્તાંતરણ માલૂમ પડશે, ત્યાં દોષિત નેતાઓ અને અધિકારીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આદિવાસીઓની જમીન તેમને પરત અપાવવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પટવારીએ ભાજપ પર 500 કરોડ રૂપિયાનો બદલી ઉદ્યોગ (ટ્રાન્સફર રેકેટ) ચલાવવાનો પણ આક્ષેપ કર્યો હતો અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના વાયરલ વીડિયોને ભાજપનું મોર્ફ્ડ કાવતરું ગણાવ્યું હતું. હાલમાં, કોંગ્રેસે આ આખા કૌભાંડની ન્યાયિક તપાસ માટે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો: આદિવાસીની રૂ. 6.60 કરોડની જમીન અધિકારીઓએ માત્ર 6 લાખમાં પડાવી











