આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?
Dalit Chief Ministers

ચંદુ મહેરિયા

ગયા મહિને જ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ, અસમ અને પુડુચેરીમાં નવી વિધાનસભાઓની રચના થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સહિતના પ્રધાનમંડળોએ કાર્યભાર સંભાળી લીધો છે. પરંતુ આ પાંચમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ દલિતની પસંદગી થઈ નથી. આ રાજ્યોમાં દલિતોના વોટ નિર્ણાયક હતા અને પશ્ચિમ બંગાળમાં તો દલિતોની વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેમ છતાં કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. આઝાદીના પંચોતેર વરસો પછી દેશમાં માંડ આઠ જ દલિત રાજનેતાઓએ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી છે. તે પૈકી એકને છોડીને કોઈએ પાંચ વરસના કાર્યકાળ માટે તો મુખ્યમંત્રીનું પદ શોભાવ્યું નથી.

છેલ્લે પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની(જન્મ ૧૯૬૩)ને સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ના સમયગાળા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.એટલે છેલ્લા પાંચ વરસોથી દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી ૨૦.૧૪ કરોડ હતી. જે કુલ વસ્તીના ૧૬.૬ ટકા હતી. તે પછી વસ્તી ગણતરી થઈ નથી. પરંતુ ૨૦૧૧ પ્રમાણેના ૨૧ કરોડ દલિતોના આટલા મોટા સમૂહને પોણી સદીની સ્વતંત્રતા બાદ માત્ર આઠ જ દલિતો મુખ્યમંત્રી તરીકે મળ્યા હોય તે ચિંતાજનક અને શોચનીય છે.

આ પણ વાંચો: શું લોકશાહીનો સૌથી ‘પાવરફુલ’ 1 કલાક ખતરામાં છે?

રાજ્યના મુખ્યમંત્રીનું સર્વોચ્ચ પદ હાંસલ કરનાર પહેલા દલિત રાજનેતા દામોદરમ સંજીવૈયા(૧૯૨૧-૧૯૭૨) હતા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ના ગાળામાં અવિભાજિત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ સ્વતંત્રતા સેનાની અને વરિષ્ઠ કોંગ્રેસી હતા. આંધ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તો તેઓ હતા જ બે વાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા. ૧૯૫૭માં તેઓ આંધ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૩૦૧માંથી ૧૮૭ બેઠકો પર વિજ્ય મેળવ્યો હતો. પરંતુ મુખ્યમત્રી નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા.

જૂથવાદ અને કોંગ્રેસના ભાગલા પછી એ જ ટર્મમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ જાન્યુઆરી ૧૯૬૦ થી માર્ચ ૧૯૬૨ સુધી મુખ્યમંત્રી હતા. તેમણે વૃધ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી હતી. ૩૯ વરસની નાની વયે પહેલા દલિત મુખ્યમંત્રી બનેલા સંજીવૈયા ૫૧ વરસની ઉમરે અવસાન પામ્યા હતા.

દેશના પહેલા દલિત મહિલા મુખ્યમંત્રી બનવાનું માન માયાવતી (જન્મ ૧૯૫૬) ને જાય છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના નેત્રી માયાવતી ચાર વખત મુખ્યપ્રધાન બન્યા હતા. ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ ૨૦૦૭માં તેમણે એકલા હાથે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને પૂરા પાંચ વરસ(૨૦૦૭ થી ૨૦૧૨) યુ.પી. ના સી.એમ પદે વિરાજ્યા હતા. લગભગ ૨૧ ટકા દલિત વસ્તીના આ રાજ્યમાં પોતાની રાજવટ દરમિયાન માયાવતીએ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યા હતા. દલિત ઉત્થાન અને દલિત સ્મારકો માટે તેમના કાર્યકાળને યાદ કરાય છે. જોકે તે પછીના વરસોમાં તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યા નથી.

આ પણ વાંચો: બિનહરીફ ચૂંટણી: લોકશાહી સામેનો મોટો પડકાર

દલિત મુખ્યમંત્રીની બાબતમાં બિહારનો ઈતિહાસ સમૃધ્ધ પણ છે અને કલંકિત પણ છે. દેશના આઠ દલિત મુખ્યમંત્રીઓમાંથી ત્રણ તો બિહારના છે. ભોલા પાસવાન શાસ્ત્રી( ૧૯૧૪-૧૯૮૪) રામસુંદર દાસ( ૧૯૨૧- ૨૦૧૫) અને જીતનરામ માંઝી( જન્મ ૧૯૪૪) એ ત્રણ દલિત રાજનેતાઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. પણ એકેયને પૂરી પાંચ વરસની મુદત આપી નહોતી. સંજોગોએ તેમને મુખ્યમંત્રીની ગાદીએ બેસાડ્યા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી ૧૯૬૮ થી ૭૨ દરમિયાન ત્રણ વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. પહેલીવાર ૯૧ દિવસ , બીજીવાર ૧૩ દિવસ અને ત્રીજીવાર ૨૨૨ દિવસ તેઓ મુખ્યપ્રધાન રહ્યા હતા. બહુમતીનો અભાવ અને ગઠબંધન સરકારોએ તેમને લાંબો સમય ગાદીએ ટકવા દીધા નહોતા.

ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટમાં ભાગ લેવા કોલેજ છોડી જાહેરજીવનમાં આવેલા રામસુંદર દાસને કર્પુરી ઠાકુરે ઓબીસી અનામત લાગુ પાડતા પક્ષમાં સર્જાયેલ જૂથવાદ પછી ૧૯૭૯-૮૦માં સી.એમ.ની ગાદી મળી હતી. બિહારના છેલ્લા દલિત મુખ્યપ્રધાન જીતનરામ માંઝી છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ (યુ)ના ધબડકાની જવાબદારી સ્વીકારીને નીતિશ કુમારે મહાદલિત મુસહર જ્ઞાતિના માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.દસ મહિના પછી તેમને નીતિશ કુમાર માટે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવા કહેવામાં આવ્યું. તો માંઝી કહ્યાગરા મુખ્યમંત્રી બનવાને બદલે હોદ્દો છોડવા નામકર ગયા એટલે પક્ષે તેમને તગેડી મૂક્યા હતા. મીરા કુમાર અને રામવિલાસ પાસવાન ક્ષમતા છતાં સી.એમ. બની ન શક્યા. ભલે આજે ચિરાગ પાસવાન બિહારનું ભવિષ્ય કહેવાતા હોય પણ માંઝી પછી બિહારમાં દલિત મુખ્યમંત્રી વગરનો.એક દાયકો વીત્યો છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય

રાજસ્થાનના જગન્નાથ પહાડિયા(૧૯૩૨-૨૦૨૧) છેક નહેરુના વારાથી કોંગ્રેસમાં હતા. અને નહેરુ-ગાંધી પરિવારના નજદીકિ હતા. સંજય ગાંધીના ચહેતા તરીકે તેઓ જૂન-૧૯૮૦ થી જુલાઈ ૧૯૮૧ના ૧૩ મહિના માટે મુખ્યમંત્રી બન્યા હતા. પંતપ્રધાનકાળમાં દારુબંધી લાદવાની સિધ્ધિ તેમના નામે છે. મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે(જન્મ-૧૯૪૧) પણ કોંગ્રેસના જૂથવાદના ઉગાર તરીકે જાન્યુઆરી ૨૦૦૩ થી નવેમ્બર ૨૦૦૪ના બે એક વરસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન જ વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. કોંગ્રેસનો વિજય થયો પણ તેમને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નહોતા. પંજાબમાં ચન્નીને પણ રાજકીય વ્યૂહનીતિના ભાગરૂપે થોડા મહિના મુખ્યમંત્રી બનાવવાનું નાટક કોંગ્રેસે કર્યું હતું.

જે છ રાજ્યોમાં દલિતોને મુખ્યમંત્રી બનાવ્યા હતા તેમાં માયાવતીના અપવાદ સિવાય બધા ટૂંકા ગાળા માટે અને રાજનીતિના ભાગ તરીકે બનાવ્યા હતા. આ મુખ્યમંત્રીઓમાં ૧૯૧૪માં જન્મેલા ભોલા પાસવાન શાસ્ત્રી અને ૧૯૬૩માં જન્મેલા ચરણજીત ચન્ની છે. ૧૯૪૭ પૂર્વે જન્મેલા દલિત મુખ્યમંત્રીઓએ આઝાદી આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

તમામ આઠેય દલિત મુખ્યમંત્રીઓએ ડો.આંબેડકરનો શિક્ષિત બનોનો મંત્ર આત્મસાત કર્યો હતો. તમામ કોલેજ-યુનિવર્સિટી શિક્ષણ પામેલા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી તેમની વિદ્વતાને લીધે શાસ્ત્રી કહેવાતા હતા.તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃતમાં શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. એમ બી એ થયેલા ચન્ની મુખ્યમંત્રી બન્યા ત્યારે પીએચડી કરતા હતા. કેટલાક સીધા જ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા. પરંતુ સરકારી નોકરી કરતા હતા. એક પણ મુખ્યમંત્રી પાસે રાજકીય વારસો નહોતો. હવે કેટલાકે પોતાના સંતાનોને રાજકારણમાં ઉતાર્યા છે ખરા. દલિત મુખ્યમંત્રી થવાથી દલિતોને સામાજિક ન્યાય મળે છે અને રાજકીય સશક્તિકરણ થાય છે તેનો દાખલો માયાવતીનો કાર્યકાળ છે. જોકે તે રીપિટ થઈ શક્યો નથી.

આ પણ વાંચો:ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?

દલિત રાજનીતિની ગૂંજ અને દલિત વોટબેન્કની કાગારોળ વચ્ચે ૭૫ વરસોમાં અલ્પ દલિત મુખ્યમંત્રીઓ થવા તે દલિતો અને રાજકીય પક્ષો માટે પડકાર છે. દલિતોને મુખ્યમંત્રીના પદથી અળગા રાખવા તે લોકશાહીની સૌથી અનુત્તરિત ચેલેન્જ છે. ડી..સંજીવૈયા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મુખ્યમંત્રી થયા હતા.આજે મલ્લિકાર્જુન ખરગે માટે તે શક્ય નથી. કોંગ્રેસ પ્રમુખ ખરગે કર્ણાટકના મુખ્યમંત્રી બની શકતા નથી તે આજના ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે.

રાજકીય પક્ષો પ્રતીક રૂપે થોડા સમય માટે દલિત મુખ્યમંત્રીનો ખેલ પાડે તો કેવું પરિણામ આવી શકે તે કોંગ્રેસે પંજાબમાં જોયું છે. ૨૦૦૭ થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા ચન્ની સી.એમ. બનીને બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને બંને પરથી હાર્યા હતા.તે દર્શાવે છે કે પંજાબનો કથિત ઉજળિયાત જ નહીં દલિત મતદાર પણ આ નિર્ણયથી ખુશ નહોતો. દલિતોને સી.એમ. બનાવવામાં કાં તો ઉપેક્ષા થાય છે કાં તો ટોકન તરીકે બનાવાય છે તે સત્ય લોકો સમજી ગયા છે.

આ પણ વાંચો:  ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

ભારતમાં પંચાયત-પાલિકામાં ટોચના પદે અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનો ઉકેલ તેમાં અનામત દાખલ કરીને કાઢવામાં આવ્યો છે પરંતુ મુખ્યમંત્રી કે વડાપ્રધાન માટે આવી અનામત નથી.એટલે દલિતો મોભાદાર પણ સત્તા વગરના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પદ પામે છે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી થઈ શકતા નથી.

જો કોઈ મહાનગરનો મેયર દલિત બને અને દલિતના નળમાં પાણી ના આવે કે તેમના ઝૂંપડા પર બુલડોઝર ફરે તો તેના મેયર બનવાનો શો અર્થ? એમ શું દલિતના સી.એમ બનવાથી કશો ફેર પડે? રાજકીય સત્તા બધી સત્તાઓની જનની કહેવાતી હોય તો માયાવતીની જેમ પોતાના દમ પર પાંચ વરસના પૂર્ણ કાર્યકાળ માટે કામ કરી શકે તેવી બહુમતી મળે તો કદાચ દલિત મુખ્યમંત્રી દલિતોના દળદર ફેડી શકે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા પદ્મશ્રી દર્શન મોગુલૈયાને જમીન નથી મળી 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x