રામ મંદિરમાંથી લાખોનું દાન ચોરી બ્રાહ્મણ યુવકે ભાઈના લગ્ન કરાવ્યા

રામ મંદિરના દાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર અવિનાશ શુક્લાએ દાનના પૈસાથી ભાઈના લગ્ન કરાવ્યા અને મોંઘી SUV ખરીદી હોવાની કબૂલાત કરી છે.
Ayodhya Ram temple donation scam

અયોધ્યા: રામ મંદિરના નામે દેશ-વિદેશના કરોડો ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા ચઢાવા અને દાનના નાણાંમાં મોટી ઉચાપત કરનાર અવિનાશ શુક્લાની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી છે કે તેણે મંદિરમાં આવતા દાનના પૈસા ચોરીને પોતાના ભાઈના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા, મોંઘી લક્ઝરી એસયુવી (SUV) કાર ખરીદી હતી તેમજ સગા-સંબંધીઓ અને મિત્રો પર લાખો રૂપિયા પાણીની જેમ વાપર્યા હતા.

મામૂલી પગાર મેળવતા આ કર્મચારીના આલીશાન ખર્ચાઓ જોઈને તપાસ કરી રહેલી પોલીસ ટીમ પણ દંગ રહી ગઈ છે. હાલ પોલીસ તેના તમામ બેંક ખાતાઓ, જમીનની ખરીદી અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: “દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”

મીડિયા રિપોર્ટ મુજબ, અયોધ્યા રામ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરાતી દાનની રકમની ગણતરી કરવા માટે રાખવામાં આવેલા સ્ટાફમાં અવિનાશ શુક્લા સામેલ હતો. તેનો માસિક પગાર ઘણો ઓછો હતો, પરંતુ તેના મોજશોખ નવાબ જેવા હતા.

કસ્ટડી દરમિયાન પોલીસ સમક્ષ પોતે આચરેલા આર્થિક કૌભાંડની વિગતો આપતા અવિનાશ શુક્લાએ જણાવ્યું કે, તેણે ચોરી કરેલા નાણાંમાંથી અંદાજે 19 લાખ રૂપિયા માત્ર પોતાના પરિવારજનો અને અંગત મિત્રો પાછળ જ ખર્ચી નાખ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાના એક ભાઈના લગ્નનો તમામ ખર્ચ આ દાનની ચોરેલી રકમમાંથી ચૂકવ્યો હતો, જેમાં અંદાજે 6 લાખ રૂપિયા વપરાયા હતા. આ ઉપરાંત તેણે પોતાના બીજા ભાઈને પણ આશરે 6 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

આરોપીએ દાનચોરીના નાણાંમાંથી 35 લાખ રૂપિયાની કિંમતી એસયુવી કાર ખરીદી હતી. તાજેતરમાં જ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ટીમે આ નાણાંથી ખરીદાયેલી મારુતિ બ્રેઝા એસયુવી ગાડી જપ્ત કરી છે. કાયદાકીય પકડથી બચવા અને ગાડીના અસલી માલિકની ઓળખ છુપાવવા માટે અવિનાશ શુક્લાએ આ વૈભવી કાર પોતાના ભાઈ અભિષેક શુક્લાના નામે રજીસ્ટર કરાવી હતી. આ સિવાય, તેણે પોતાના એક ખાસ મિત્રના બેંક ખાતામાં અઢી લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને તેને એક અત્યંત મોંઘો સ્માર્ટફોન પણ ભેટમાં આપ્યો હતો.

આ પણ વાંચો: ભાજપને અન્ય તમામ પક્ષો કરતા 10 ગણું વધુ દાન મળ્યું!

પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તેણે મંદિરના ભંડોળમાંથી નાની-નાની રકમો અન્ય ઘણા પરિચિતોને પણ વહેંચી હતી.
આ કેસમાં કડક કાર્યવાહી કરી રહેલા પોલીસ અધિકારીઓ હવે એ તમામ શંકાસ્પદ બેંક ખાતાઓની સ્ક્રુટિની કરી રહ્યા છે જેમાંથી નાણાંની હેરફેર કરવામાં આવી હતી.

આ ઉપરાંત, વર્ષ 2024 માં અવિનાશના ભાઈ અભિષેકના નામે ખરીદવામાં આવેલી કિંમતી જમીનના દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરાઈ છે, જેથી આ કૌભાંડની વાસ્તવિક મિલકતો જપ્ત કરી શકાય. ઉલ્લેખનીય છે કે, ધરપકડ વખતે આરોપી અવિનાશ શુક્લાના ઘરેથી પોલીસે 20.39 લાખ રૂપિયાની રોકડ રકમ સ્થળ પરથી જ રિકવર કરી હતી. આ સિવાય તેના કબજામાંથી 1121 યુએસ ડોલર (અમેરિકન કરન્સી), સોના-ચાંદીના કિંમતી દાગીના અને અન્ય વૈભવી સામગ્રી સહિત SUV કાર મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટના ડિમોલિશનમાં પોલીસ-RMC ₹27.20 લાખનો ચા-નાસ્તો કરી ગયા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x