બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબ્જાને મુક્ત કરાવવા માટે સત્તાવાળાઓ સમક્ષ કાયદેસરની અરજી કરનાર એક દલિત નાગરિકના ઘર પર અસામાજિક તત્વો દ્વારા સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન આરોપીઓએ પરિવારને જાનથી મારી નાખવાની તેમજ ટર્બો ટ્રક નીચે કચડી નાખવાની ભયાનક ધમકીઓ આપી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદના આધારે શિહોરી પોલીસ સ્ટેશનમાં કુલ 8 હુમલાખોરો વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કડક ધારાઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
મામલો શું હતો?
પોલીસના અને એફ.આઈ.આર.માંથી મળતી વિગતો અનુસાર, મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આંબલુણ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા હરગોવનભાઈ મફાભાઈ પરમારે શિહોરી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે કે તેમણે પોતાના વતન આંબલુણ ગામમાં આવેલી હસ્તકલા સહકારી મંડળીની માલિકીની જમીન તેમજ અન્ય સરકારી પડતર જમીનો પર થયેલા દબાણો દૂર કરવા અને જમીન ખુલ્લી કરાવવા માટે સંબંધિત વહીવટી તંત્રને લેખિત અરજી કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયાથી ઉશ્કેરાયેલા ગામના લુખ્ખા તત્વોએ અગાઉ પણ તેમને મંડળીની જમીન પર પ્રવેશ ન કરવા અને અરજીઓ પાછી ખેંચી લેવા માટે દબાણ કરી ધમકીઓ આપી હતી.

દલિત યુવકના ઘર પર પથ્થરમારો કરી આતંક મચાવ્યો
તારીખ 3 જુલાઈના રોજ સવારના સમયે જ્યારે હગોવનભાઈ પરમાર આંબલુણ ગામે આવેલા પોતાના નિવાસસ્થાને હાજર હતા, ત્યારે પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે બોલેરો અને બલેનો જેવી ગાડીઓના કાફલા સાથે સાતથી આઠ લોકોનું હિંસક ટોળું તેમના ઘરે ધસી આવ્યું હતું. આ હુમલાખોર ટોળાએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવાની સાથે જ હરગોવનભાઈના મકાન પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આરોપીઓએ ઘરની દિવાલો અને બારીઓ પર ઈંટો તેમજ પથ્થરોના ઘા ઝીંકી ભારે આતંક મચાવ્યો હતો અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
આ પણ વાંચોઃ ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’
8 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
શિહોરી પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, હુમલો કરનાર ટોળામાં સશસ્ત્ર શખ્સો સામેલ હતા. પોલીસે ભોગ બનનારની જુબાનીના આધારે મુખ્ય આઠ આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે, જેમાં ભાવસિંહ વણવીરસિંહ (ટોમી), રમેશજી શિવાજી (ધારીયું), હકાજી શિવાજી (ધારીયું), કનુ ચંદુજી (લાકડી), ધનસુખજી ચેનાજી (હોશી), કિરણજી વણવીરજી (લાકડી), અરવિંદ રમેશજી (ધોકો) અને પ્રહલાદ ચેનાજી (લાકડી) જેવા હથિયારો લઈને હુમલો કર્યો હતો.
ટ્રક નીચે કચડી નાખવાની ધમકી આપી
હુમલા દરમિયાન આરોપીઓએ જાતિસૂચક અપશબ્દો બોલી હરગોવનભાઈને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી હતી. આરોપીઓએ બૂમો પાડીને ધમકી આપી હતી કે, જો આગામી સમયમાં ફરી ક્યારેય સરકારી પડતર જમીન ખુલ્લી કરાવવા કે દબાણ હટાવવા બાબતે કોઈ પણ સરકારી કચેરીમાં અરજી કરવામાં આવશે, તો તેમને અને તેમના સમગ્ર પરિવારને રસ્તામાં આંતરીને ટર્બો ટ્રક નીચે કચડી નાખવામાં આવશે. આ ઉપરાંત, હસ્તકલા સહકારી મંડળીની જમીન પર જો ફરી ક્યારેય પગ મૂકશે તો તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભોગ બનનાર અરજદારે તાત્કાલિક શિહોરી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી તમામ આઠેય ઈસમો વિરૂદ્ધ આઈ.પી.સી. ની સંબંધિત કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો છે. શિહોરી પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ તમામ ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ એટ્રોસિટીનો આરોપી પણ છૂટી જશે, પોલીસે છટકબારી શોધી કાઢી!











