રાપર: વાગડ પંથકના રાપર શહેરમાં એક ઇલેક્ટ્રિકલ દુકાનમાંથી ખરીદેલું કુલર ગેરંટી પિરિયડમાં હોવા છતાં તેને બદલી આપવાનો ઇનકાર કરી દુકાનદારે દલિત મહિલા ગ્રાહક સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારપીટ કરી હતી. આ વિવાદ દરમિયાન દુકાનદારે મહિલા પ્રત્યે જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી જાહેરમાં અપમાનિત કરી હોવાનો ગંભીર મામલો પોલીસ ચોપડે નોંધાયો છે.
રાપર પોલીસ મથકે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આશાપુરા ઇલેક્ટ્રિકના પ્રોપ્રાઇટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, આ ચકચારી બનાવ ગત તારીખ 4 જુલાઈના રોજ સવારે આશરે 8 વાગ્યાના અરસામાં રાપર શહેરના મધ્યમાં આવેલા માલીચોક વિસ્તારમાં બન્યો હતો. ભોગ બનનાર મહિલા ગ્રાહક પોતાના ઘરેથી માલીચોકમાં આવેલી ‘આશાપુરા ઇલેક્ટ્રિક’ નામની દુકાને પહોંચ્યા હતા. તેમણે દુકાનના માલિક કિશોર માલીને મળીને પોતે ખરીદેલું કુલર યોગ્ય રીતે કામ કરતું ન હોવાની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!
મહિલાએ દુકાનદારને સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કુલર હજુ ગેરંટી સમયગાળામાં જ છે, તેથી કંપનીના નિયમોનુસાર તેને તાત્કાલિક બદલી આપવા માટે આગ્રહ કર્યો હતો.
સામે પક્ષે દુકાનદાર કિશોર માલીએ નવું કુલર બદલી આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મહિલાને જણાવ્યું હતું કે આ કુલર બદલી શકાય તેમ નથી, પરંતુ તે બે દિવસ પછી તેને રિપેર કરી આપશે. જોકે, ગ્રાહક તરીકે પોતાના અધિકાર માટે મહિલાએ રિપેરિંગના બદલે નવું કુલર જ બદલી આપવાનો આગ્રહ ચાલુ રાખતા જ દુકાનદાર કિશોર માલી અચાનક ભારે ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવીને દુકાનદારે મહિલા ગ્રાહક સાથે અસભ્ય વર્તન શરૂ કર્યું હતું અને મહિલાનું કાંડું પકડીને તેમને ધક્કો મારી દુકાનની બહાર કાઢી મૂક્યા હતા.

આ પણ વાંચો: “દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”
દુકાનદારના આ પ્રકારના શારીરિક દુર્વ્યવહાર અને ધક્કામુક્કીથી સ્વબચાવ અને આક્રોશમાં આવીને મહિલાએ દુકાનદારને એક થપ્પડ મારી દીધી હતી. ઉશ્કેરાયેલા દુકાનદાર કિશોર માલીએ મહિલા ગ્રાહક પર વળતો હુમલો કરી દીધો હતો અને તેમને ઉપરાઉપરી બે જોરદાર થપ્પડ મારી દીધી હતી.
દુકાનદાર દ્વારા કરવામાં આવેલા આ શારીરિક હુમલાને કારણે મહિલાને જમણા કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આટલેથી ન અટકતા, આરોપી કિશોર માલીએ બજાર વચ્ચે મહિલાની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક અને જાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા.
આ પણ વાંચો: 56 ગામના આદિવાસીઓએ કહ્યું, ‘પહેલા ગોળી મારી દો, પછી બંધ બનાવજો’
બજાર વચ્ચે ઘટેલી આ ઘટના બાદ ભયભીત અને ઈજાગ્રસ્ત બનેલી મહિલાએ તુરંત જ પોતાના સંબંધીઓને આ અંગે ફોન પર વિગતવાર જાણ કરી ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ત્યારબાદ તેમણે કાયદાકીય મદદ મેળવવા માટે સરકારી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને આ આખી ઘટનાથી વાકેફ કર્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાનમાંથી લોહી વહેતું હોવાને કારણે મહિલાને ત્વરિત સારવાર અર્થે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી.
સારવાર મેળવ્યા બાદ ભોગ બનનાર મહિલાએ રાપર પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે હાજર થઈને આશાપુરા ઇલેક્ટ્રિકના માલિક કિશોર માલી વિરુદ્ધ આઈ.પી.સી. અને ભારતીય ન્યાય સંહિતાની પ્રહાર તેમજ ધાકધમકીની કલમો સહિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારા અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) હેઠળ નામજોગ ફરિયાદ રજીસ્ટર કરાવી છે. પોલીસે ગુનાની ગંભીરતા અને મહિલા સુરક્ષાના મુદ્દાને પ્રાધાન્ય આપીને કાયદેસરની તપાસ હાથ ધરી ફરાર થઈ ગયેલા આરોપી દુકાનદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?











