કલોલના સીટી મોલમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા એક વ્યાજખોર ફાયનાન્સર દ્વારા દાદાગીરી અને મારામારીનો એક બનાવ સામે આવ્યો છે. કલોલના આરસોડીયા વિસ્તારમાં પરિવાર સાથે રહીને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સંજયભાઈ રમેશભાઈ પરમાર વિરુદ્ધ કલોલ સીટી મોલમાં ધિરાણની ઓફિસ ધરાવતા અર્જુન લુહારે આશરે 8 માસ અગાઉ કલોલ કોર્ટમાં તેમજ પોતાના એક મિત્ર મારફતે બનાસકાંઠાની લાખણી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદો નોંધાવી હતી. આ બંને કેસોમાં કાનૂની ગૂંચવણ ઉકેલાય અને યોગ્ય સમાધાન થાય તેવા હેતુથી સંજયભાઈએ 20 જુલાઈના રોજ અર્જુન લુહારનો સંપર્ક કર્યો હતો.
ફાયનાન્સર અર્જુન લુહારે તેમને રુબરૂ ઓફિસે વાતચીત માટે આવવા જણાવતા, સાંજના સમયે સંજયભાઈ પોતાની પત્ની રેખાબેન, માતા કમળાબેન, સાળા વિપુલ અને સોનલબેન સાથે કલોલ સીટી મોલ સ્થિત ઓફિસે પહોંચ્યા હતા.

જાતિવિષયક અપશબ્દો બોલી પત્નીને લાફો માર્યો
ઓફિસમાં પહોંચ્યા બાદ સંજયભાઈએ શાંતિથી પૂછપરછ કરી હતી કે, “તમે મારી પર ખોટી વધારાની રકમો લખીને કેમ ચેક રિટર્નના કેસ કર્યા છે?” આ સાંભળતાં જ અર્જુન લુહાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને આક્રમક બની ગયો હતો. તેણે સમગ્ર પરિવારની હાજરીમાં જ સંજયભાઈને ગાળો ભાંડી હતી અને જાતિવિષયક અપશબ્દો કહીને ભારે અપમાનિત કર્યા હતા. આ સાથે જ તેણે ઓફિસમાંથી તુરંત બહાર નીકળી જવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
આ ઘટના દરમિયાન સંજયભાઈની પત્ની રેખાબેને વ્યાજખોરને ગાળો બોલવાની ના પાડતાં જ અર્જુન લુહારનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેણે ઉશ્કેરાઈને રેખાબેનના મોં પર જોરથી લાફો મારી દીધો હતો અને આખા પરિવારને ધક્કા મારીને ઓફિસમાંથી બહાર ફેંકી દીધો હતો.
આવેશમાં આવી કાચ પર મુક્કો મારતાં ગંભીર ઈજા
જાહેર સ્થળે વ્યાજખોરના આ અપમાનજનક વર્તન, સામાજિક અપમાન અને પત્ની પર થયેલા પ્રત્યક્ષ હુમલાથી સંજયભાઈ માનસિક રીતે ભારે આઘાતમાં સરી પડ્યા હતા. પત્ની પર થયેલા હુમલા અને જાતિવાચક અપશબ્દોથી મનોમન ભારે લાગી આવતાં સંજયભાઈએ આવેશમાં ને આવેશમાં ઓફિસના દરવાજા પાસે આવેલા કાચ પર પોતાના જમણા હાથનો જોરદાર મુક્કો મારી દીદો હતો.

આ પણ વાંચો: એન્જિનિયરીંગ, MBBS સહિત શિક્ષણ ફ્રી કરીશું: ચંદ્રશેખર આઝાદ
મુક્કો વાગતાં જ કાચના મોટા ટુકડા થઈ ગયા હતા અને કાચની તીક્ષ્ણ ધાર સંજયભાઈના કાંડાના ભાગે ઊંડે સુધી વાગી ગઈ હતી. તેના કારણે તેમના કાંડાની અંદરની નસો કપાઈ જતાં પુષ્કળ પ્રમાણમાં રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો.
અમદાવાદ સિવિલમાં પ્લાસ્ટિક સર્જરીની સલાહ અને એટ્રોસિટી હેઠળ ગુનો
સંજયભાઈને અત્યંત લોહીલુહાણ હાલતમાં જોઈને પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી અને તુરંત જ તેમને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ ઈજાની ગંભીરતાને ધ્યાને રાખી તબીબોએ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ ઈમરજન્સી સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ સંજયભાઈના કાંડાના ભાગે તબીબોએ પ્લાસ્ટિક સર્જરી કરવાની સલાહ આપી છે.
બીજી તરફ, આ ગંભીર ઘટના અંગે કલોલ શહેર પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે આરોપી ફાયનાન્સર અર્જુન લુહાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, મારપીટ અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવાની તથા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા











