સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

વાવ-થરાદના સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકના રહસ્યમય મોતથી ચકચાર મચી છે. પોલીસ ટોર્ચરના કારણે આપઘાત કર્યાના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો.
suigam-dalit-youth-custodial-death-police-torture-allegation
suigam-dalit-youth-custodial-death-police-torture-allegation

વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશનમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલા સુઈગામના દલિત યુવક રતાભાઈ રૂપશીભાઈ પરમારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપ્યો છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈ ગયા હતા અને પોલીસની શંકાસ્પદ કામગીરી સામે ભારે હોબાળો મચાવ્યો હતો.

પોલીસના ટોર્ચર અને પક્ષપાતી માનસિકતાનો આક્ષેપ

બનાવની વિગત મુજબ, સુઈગામ તાલુકાના લીંબુણી ગામે ભાણેજને તેડવા-મેલવા બાબતના મનદુઃખમાં નોંધાયેલી અપહરણ અને મારામારીની એક ફરિયાદના સંદર્ભમાં પોલીસે રતાભાઈ પરમારની અટકાયત કરી હતી. આ ગુનામાં રતાભાઈ સહિત અન્ય 16 જેટલા લોકો સામે આક્ષેપો હતા. જોકે, પોલીસે જે રીતે કાર્યવાહી કરી તે વિવાદના ઘેરામાં આવી છે. મૃતકના પરિવારનો ખુલ્લો આક્ષેપ છે કે રતાભાઈને સામાન્ય કસ્ટડી લોકઅપમાં રાખવાને બદલે એક અલગ રૂમમાં પૂરીને તેમના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
છેલ્લા 2 દિવસથી પોલીસ મથકે રાખીને તેમને ભારે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એક દલિત યુવક પ્રત્યે પોલીસની જાતિવાદી અને પક્ષપાતી માનસિકતા આ ઘટનામાં સ્પષ્ટપણે છતી થાય છે. ટોર્ચરથી કંટાળીને આખરે રતાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવા મજબૂર બનવું પડ્યું હોવાનું તેમના પુત્ર અને પરિજનો જણાવી રહ્યા છે.

પોલીસનું લૂખો બચાવ, કામગીરી સામે સવાલો ઉઠ્યાં

બીજી તરફ, સુઈગામ પોલીસ પોતાની ખાખી વર્ધી પર લાગેલા ડાઘને છુપાવવા માટે આત્મહત્યાની વાર્તા આગળ ધરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રતાભાઈએ મોડી રાત્રિ દરમિયાન પોતાના માથે બાંધવાના ફાળીયા વડે છત પરના પંખાની પાઈપ સાથે ફાંસો ખાઈ લીધો હતો અને વહેલી સવારે 6 વાગ્યે પીએસઓને આ અંગે જાણ થઈ હતી.

આ પણ વાંચોઃ કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત

પરંતુ અહીં અનેક સવાલો ઉભા થાય છે. જેમ કે, 24 કલાક પહેરો ભરતી પોલીસની નજર સામે લોકઅપમાં કોઈ વ્યક્તિ ફાંસો ખાઈ લે ત્યાં સુધી પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યા હતા? શું કસ્ટડીમાં સુરક્ષાની કોઈ જવાબદારી જ નથી હોતી? પરિજનોના આક્ષેપ મુજબ, જો તેમને અલગ રૂમમાં રાખીને ટોર્ચર કરવામાં નહોતા આવ્યા, તો લોકઅપની સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી ચૂક કેમ થઈ? પોલીસ અધિકારીઓનો એવો દાવો છે કે પરિવારજનોનો કોઈ આક્ષેપ નથી, પરંતુ પોલીસ સ્ટેશન બહાર ભેગા થયેલા આક્રોશિત પરિજનોના દ્રશ્યો અને પુત્રની ન્યાયની માંગ પોલીસના આ દાવોની પોલ ખોલી નાખે છે.

ન્યાયિક તપાસ અને પેનલ પીએમનો આદેશ

કસ્ટોડિયલ ડેથની આ ગંભીર ઘટના બાદ પરિસ્થિતિ વણસતાં ડીવાયએસપી (DySP), એસઓજી (SOG) અને એલસીબી (LCB) સહિતનો કાફલો સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ DySP એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું હતું કે, કસ્ટોડિયલ ડેથ અંગે જિલ્લા પોલીસ વડા અને ન્યાયાધીશને જાણ કરવામાં આવી છે.
તટસ્થ તપાસ થાય તે માટે સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ ઈન્ક્વાયરી સોંપવામાં આવી છે. ન્યાયાધીશની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારીને ધારપુર હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર પીએમ પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરત પોલીસે ત્રણ દિવસ કસ્ટડીમાં રાખ્યો તે યુવકનું કોર્ટમાં મોત

પોલીસની કામગીરી અને આબરૂ સામે મોટો સવાલ

રતાભાઈ પરમાર સુઈગામમાં ભેંસોના તબેલા સાથે પશુપાલન અને લે-વેચના વ્યવસાયથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક સામાન્ય ગુનાની અટકાયતમાં લાવવામાં આવેલા યુવકનું કસ્ટડીમાં મોત થવું એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ખૂબ મોટા પ્રશ્નાર્થચિહ્નો ઉભા કરે છે. કાયદાનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે તે જ પોલીસ જ્યારે શંકાના ઘેરામાં આવે ત્યારે સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જાય? દલિત યુવકના આ રહસ્યમય કસ્ટોડિયલ ડેથના કેસમાં દોષિત પોલીસ કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય અને પરિવારને સાચો ન્યાય મળે તે જ અત્યારે સમયની માંગ છે.

આ પણ વાંચોઃ દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા 5 સાંસદો ધરણા પર બેઠાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x