સરકાર કેમ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા જઈ રહી છે?

પ્લાસ્ટિકની નોટોથી રોકડ વ્યવહાર સુરક્ષિત બનશે કે ડિજિટલ ઈન્ડિયા સામે નવો પડકાર ઊભો થશે? જાણીએ આરબીઆઈના આ નિર્ણય પાછળનું સત્ય.
plastic notes

ચંદુ મહેરિયા

જો બધું સમસૂથરું પાર પડશે તો આગામી 2027-28 ના નાણાકીય વર્ષમાં આપણા ચલણમાં કાગળની સાથે પ્લાસ્ટિકની નોટ આવી ગઈ હશે! રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણના આધારે RBI એ કેન્દ્ર સરકારને પોલિમર બેન્ક નોટ (પ્લાસ્ટિકની નોટ) બહાર પાડવાની મંજૂરી માગતી દરખાસ્ત કરી હતી.

ભારત સરકારે તાજેતરમાં RBI ને રૂ. 10 અને રૂ. 20 ની 100-100 કરોડ એમ કુલ રૂ. 200 કરોડની પ્લાસ્ટિક નોટ છાપવાની મંજૂરી આપી છે. તેના અનુસંધાને RBI એ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. એટલે દસ અને વીસ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આગામી વર્ષે બજારમાં આવી જવાની શક્યતા છે.

પરદેશના રાષ્ટ્રપ્રમુખને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસ્તા પરની રેંકડીના ચા અને વડાપાઉં ખવડાવી બિલનું ડિજિટલ પેમેન્ટ કરાવ્યું તે ઠાલો દેખાડો નહોતો, પરંતુ ભારતમાં UPI અને ડિજિટલ પેમેન્ટ કેટલી હદે વિસ્તરી ચૂક્યું છે તેનો સંકેત હતો. ડિજિટલ ચૂકવણામાં ભારત વિશ્વના અગ્રણી દેશ તરીકે ઉભરી રહ્યું છે અને ભારતનું આર્થિક પરિદ્રશ્ય બદલાઈ રહ્યું છે તેવું નિશ્ચિતપણે લાગે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

પરંતુ કદાચ આ ઇન્ડિયાની વાસ્તવિકતા છે. ભારતનું વાસ્તવ જુદું છે. દેશના લાખો ગામડાઓમાં વસતા સામાન્ય લોકો, ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો, નાના દુકાનદારો, વિશાળ અસંગઠિત ક્ષેત્ર અને સ્થાનિક બજારોમાં આજેય નાણાકીય લેવડદેવડ રોકડ રૂપિયામાં જ થાય છે. ગામડાઓમાં સતત વીજળી મળતી નથી એટલે નિર્બાધ ઇન્ટરનેટ સેવા શક્ય ન હોવાથી ડિજિટલ પેમેન્ટ બાધિત થાય છે. વીજળીના અભાવે સર્વર ડાઉન હોય, ઇન્ટરનેટ ચાલતું ન હોય, મોબાઈલ ચાર્જ થયેલો ન હોય ત્યારે રોકડમાં વધુ વ્યવહાર થાય તે સહજ છે.

ભલે નાણાકીય વ્યવહાર ઓનલાઈન વધ્યો હોય પણ તે રોકડનો વિકલ્પ બની શક્યો નથી. બંને સાથે ચાલે છે એ હકીકત સ્વીકારીને પણ કહેવું પડે તેમ છે કે રોકડથી થતા નાણાના વ્યવહારો વધ્યા છે. 2025-26 માં રોકડ નાણાથી રૂ. 42.86 લાખ કરોડના વ્યવહારો થયા હતા. એ વર્ષે રોકડની માંગમાં 11.5 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે તેના ગયા વર્ષના 5.8 ટકાની સરખામણીએ લગભગ બમણી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે 2023-24 માં હાલ વ્યવહારમાં છે તે કાગળની નોટોનો છપામણી ખર્ચ રૂ. 5101.4 કરોડ હતો, જે 2024-25 માં વધીને રૂ. 6372.8 કરોડ થયો હતો. ખરાબ, રદ્દી, ગંદી, ફાટેલી અને ફરી ઉપયોગમાં લઈ ન શકાય તેવી થઈ ગયેલી 23.8 અબજ નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. રૂ. 10 અને રૂ. 20 ના સિક્કા કેન્દ્રીય બેન્કે બજારમાં મૂક્યા હતા પરંતુ તેની સ્વીકાર્યતા બહુ ઓછી છે.

આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?

વળી ડિજિટલની તુલનામાં પણ રોકડ નાણામાં લેવડદેવડ વધી છે એટલે RBI એ પાતળા પ્લાસ્ટિક કે પોલિપ્રોપિલિન નામક વિશેષ સિન્થેટિક પ્લાસ્ટિકમાંથી બનતી પ્લાસ્ટિકની નોટો બનાવવાનું મન બનાવી લીધું છે. હાલમાં નાના મૂલ્યની રૂ. 10 અને રૂ. 20 ની નોટો બહાર પડાશે. તેના અનુભવો પછી આગળ વિચારવામાં આવશે. જોકે સરકારે હાલના લોકસભાના વર્ષાસત્રમાં જ ખાતરી આપી છે કે કાગળની નોટોને રદ કરવામાં નહીં આવે કે એના બદલે માત્ર પ્લાસ્ટિક નોટ જ રહેશે એવું પણ કરવામાં નહીં આવે. બંને નોટો બજારમાં પ્રચલનમાં રહેશે.

હાલની કાગળની નોટોને વધુ સલામત, કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાનો પડકાર RBI સમક્ષ હતો, જેથી તેણે પ્લાસ્ટિક નોટનો વિકલ્પ પસંદ કર્યો છે. પોલિમર કે પ્લાસ્ટિક બેન્ક નોટની કેટલીક ખાસિયતો કે વિશેષતાઓ છે. તે કાગળની નોટના વિકલ્પે ફાયદાકારક છે. પ્લાસ્ટિકની નોટનો પ્રારંભિક છપામણી ખર્ચ ઘણો વધારે છે પરંતુ કાગળની નોટની સરખામણીએ આ નોટ પાંચથી સાત ગણી વધુ ટકાઉ છે. એટલે કાગળની નોટોનો દર વર્ષે થતો છપામણીનો ખર્ચ ઘટશે અને નાશ કરવાનું પ્રમાણ પણ ઓછું થતાં સરવાળે નાણાકીય ફાયદો થઈ શકે તેમ છે.

હાલની કાગળની નોટોની સામે ધૂમ નકલી નોટો બજારમાં ફરે છે. નકલી નોટો એક મોટી સમસ્યા છે. નકલી નોટો પર અંકુશ મૂકવા પ્લાસ્ટિકની નોટો પર સ્પેશિયલ સિક્યોરિટી ફીચર્સ જોડવાની વ્યવસ્થા છે. પારદર્શી વિન્ડો, ઉન્નત સલામતી થ્રેડ તથા એડવાન્સ હોલોગ્રાફિક ફીચર્સને કારણે પ્લાસ્ટિકની નોટોની નકલ કરવી લગભગ અશક્ય બનશે. તે સૌથી મોટો ફાયદો છે. પોલિમર નોટનો સ્પર્શ સામાન્ય નોટ જેવો જ છે પરંતુ તે પાણીમાં પલળવા છતાં ગળતી નથી, સહેલાઈથી ફાટતી નથી કે પાણી, ગંદકી, ભેજ અને ધૂળથી ખરાબ થઈ જતી નથી. એટલે દર વર્ષે અમુક નોટોનો નાશ કરવાનો સવાલ ઊભો થશે નહીં.

આ પણ વાંચો: શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?

પોલિમર બેન્ક નોટનો આ વિચાર કંઈ તાજેતરનો અને માત્ર આપણા જ દેશનો નથી. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, રોમાનિયા અને વિયેટનામ સહિતના 60 દેશોમાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે. કેટલાક દેશોમાં ત્રણ દાયકાથી તે બજારમાં છે અને માત્ર પ્લાસ્ટિકની નોટ જ ચલણમાં છે. આપણે સૌથી પહેલાં 2009 માં પ્લાસ્ટિકની નોટનો વિચાર કર્યો હતો. 2012 અને 2017 માં તે માટેની કેટલીક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેક હવે લગભગ દોઢ દાયકે તે વિચાર અમલમાં મુકાવાની સંભાવના ઊભી થઈ છે.

ભારત સરકારના નાણા મંત્રાલયની મંજૂરી અને ગ્લોબલ ટેન્ડર છતાં પ્લાસ્ટિકની નોટને બજારમાં મૂકવાના વિચારને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. ગ્લોબલ ટેન્ડર પ્લાસ્ટિક નોટના સંપૂર્ણ નિર્માણનું મગાવ્યું છે, પરંતુ હાલના નાણું છાપતા ચાર સરકારી પ્રેસ (નાસિક, દેવાસ, મૈસુર, સાલબોની) ને પણ પ્લાસ્ટિક નોટ છાપવા તકનીકી રીતે સજ્જ કરવાની આવશ્યકતા છે.

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

દેશના અલગ-અલગ ભૌગોલિક વાતાવરણમાં આ નોટોનું પરીક્ષણ થવું જોઈએ. બેન્કોના વર્તમાન ATM અને નોટો ગણવાના મશીનોને પ્લાસ્ટિક નોટો માટે અનુકૂળ બનાવવાની પણ જરૂર રહેશે. પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવે તે પહેલાં લોકજાગૃતિ માટે વ્યાપક પ્રચાર કરવો પડશે, જેથી લોકો તેના ઉપયોગ માટે સજ્જ બને. પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલાં તેને ચોક્કસ વિસ્તારોમાં મૂકવી જોઈએ. તે પૂર્વે તેની ગુણવત્તાની ચકાસણી અને નિર્માણ કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ.

ડિજિટલ નાણાકીય વ્યવહારો અને રોકડથી થતા વ્યવહારો બંને આજના ભારતની વાસ્તવિકતા છે. તેને એકબીજાના વિરોધી, સારા-નરસા કે ઉચ્ચ-નીચની નજરે જોવાની જરૂર નથી. કાગળની નોટને બદલે પ્લાસ્ટિકની નોટનું બજારમાં આવવું તે કોઈ સામાન્ય બદલાવ નથી. ભારતના ભાવી આર્થિક વિકાસ માટે તે મહત્વનું પગલું છે. દેશ માટે ન માત્ર આર્થિક દ્રષ્ટિએ પરંતુ નાણાની સલામતી અને ટકાઉપણાની રીતે પણ પ્લાસ્ટિક નોટ બહેતર સાબિત થઈ શકશે તેમ સરકાર અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો: જેણે ચોમાસા બે જોડી ભીનાં કપડાંમાં કાઢ્યાં હોય તેને પલળવું કેમ ગમે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x