ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઐતિહાસિક સ્મૃતિઓને ઉજાગર કરવા અને બહુજન સમાજના સંઘર્ષમય ઇતિહાસને સાચવવા અમદાવાદમાં એક નવો સંગ્રામ શરૂ થયો છે. તા. 28 જૂન 1931 ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે અમદાવાદની મુલાકાત દરમિયાન ખાનપુર વિસ્તારમાં આવેલી દલિત વિદ્યાર્થીઓની હોસ્ટેલની મુલાકાત લીધી હતી. ખાનપુર સ્થિત આ ઐતિહાસિક સ્થાનને માત્ર સામાન્ય મિલકત ગણવાને બદલે તેનું સત્તાવાર દસ્તાવેજીકરણ કરી ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર હેરિટેજ સ્મૃતિસ્થળ’ તરીકે વિકસાવવાની મજબૂત માંગ ઊભી થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત સરકાર પાસે જૂના રેકોર્ડ્સની નિષ્પક્ષ તપાસ કરી આ ભૂમિને કાયદેસરનું સંરક્ષણ આપવા અને બહુજન વિરાસત જાહેર કરવા બહુજન સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે.
સર્વે નં. 4141 અને 1,500 ચોરસ વાર જમીનની આકરી તપાસની માંગ
ખાનપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ નં. 6 ની મિલકત અને તેની આસપાસની જમીન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 1931 ની મુલાકાત સાથે સીધી સંકળાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. આ ઐતિહાસિક જોડાણની સત્યતા પ્રમાણિત કરવા માટે સર્વે નં. 4141 અને આશરે 1,500 ચોરસ વાર જમીનના તમામ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની રજૂઆત કરાઈ છે. આ માટે તંત્ર પાસે જૂના મ્યુનિસિપલ રેકોર્ડ, શાળાના પ્રવેશ અને હાજરી રજિસ્ટર, સિટી સર્વે રેકોર્ડ, મિલકત કાર્ડ અને તે સમયના જૂના સરકારી નકશાઓની સત્તાવાર તપાસની માંગણી મૂકવામાં આવી છે, જેથી સવર્ણવાદી તંત્ર દ્વારા દબાવી દેવાયેલા ઐતિહાસિક સત્યને બહાર લાવી શકાય અને કાયદેસરની વિરાસત નક્કી કરી શકાય.

માત્ર સ્મારક કે મૂર્તિ નહીં, શિક્ષણનું ધામ બનાવવાની દરખાસ્ત
આ માંગણી માત્ર એક પથ્થરની પ્રતિમા કે સ્મારક પૂરતી સીમિત નથી. જો તપાસમાં આ સ્થળ બાબાસાહેબની મુલાકાત સાથે જોડાયેલું પ્રમાણિત થાય, તો AMC ના બજેટ અને સરકારી ગ્રાન્ટમાંથી અહીં ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર હેરિટેજ ભવન’નું નિર્માણ કરવાની ક્રાંતિકારી દરખાસ્ત છે. આ ભવનને શિક્ષણ, સંશોધન, સામાજિક ન્યાય અને બહુજન યુવા વિકાસના એક જીવંત કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.
પ્રસ્તાવિત હેરિટેજ ભવનમાં બહુજન સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે વિશાળ લાઈબ્રેરી અને શાંત અભ્યાસ કેન્દ્રની સુવિધા ઊભી કરાશે. ડૉ. આંબેડકરની વિચારધારા, દલિત ચળવળ, સામાજિક ન્યાય અને ગુજરાતના સામાજિક-રાજકીય ઇતિહાસ પર ઊંડાણપૂર્વક સંશોધન કરવા માટે એક આધુનિક સંશોધન કેન્દ્ર પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

આ ઉપરાંત, બહુજન સમાજના યુવાનો આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનીને શાસન વ્યવસ્થામાં ભાગીદાર બની શકે તે હેતુથી UPSC, GPSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત માર્ગદર્શન અને તાલીમ આપતું કેન્દ્ર શરૂ કરાશે. બાબાસાહેબની 1931 ની ખાનપુર મુલાકાત, દલિત વિદ્યાર્થીઓના શિક્ષણનો ઇતિહાસ અને સામાજિક પરિવર્તનની સમગ્ર યાત્રાને દર્શાવતી એક ભવ્ય સ્મૃતિ ગેલેરી અને મ્યુઝિયમ પણ ઊભું કરવામાં આવશે. જૂના દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, નકશા અને અખબારી અહેવાલોનું આધુનિક ડિજિટલ આર્કાઇવ તૈયાર કરાશે. સાથોસાથ બંધારણ, માનવ અધિકાર અને સમાનતા જેવા મહત્વના વિષયો પર વ્યાખ્યાન અને જાહેર ચર્ચાઓ આયોજિત કરવા માટેનું એક જાગૃતિ કેન્દ્ર પણ અહીં સ્થાપવામાં આવશે.

બહુજન ઇતિહાસ સાચવવાની 10 મુખ્ય માંગણીઓ
આ સમગ્ર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર સામે 10 મુદ્દાનું સ્પષ્ટ અલ્ટિમેટમ રજૂ કરવામાં આવ્યું છે:
પ્રથમ, ખાનપુરના આ સંબંધિત સ્થળનું અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે.
બીજું, સર્વે નં. 4141 સહિતની તમામ જમીનની માલિકી અને તેના વાસ્તવિક કબજાની સંપૂર્ણ તપાસ થાય.
ત્રીજું, મ્યુનિસિપલ સ્કૂલ નં. 6 ના તમામ જૂના ઉપલબ્ધ રેકોર્ડની સત્તાવાર ચકાસણી કરવામાં આવે.
ચોથું, ડૉ. બાબાસાહેબ આંબેડકરની તા. 28 જૂન 1931 ની ખાનપુર મુલાકાત સાથે જોડાયેલા તમામ ઐતિહાસિક પુરાવાઓનું કાયદેસર દસ્તાવેજીકરણ કરાય.
પાંચમું, ઐતિહાસિક જોડાણ પ્રમાણિત થાય તો તેને સત્તાવાર ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર હેરિટેજ સ્મૃતિસ્થળ’ તરીકે માન્યતા આપવામાં આવે.
છઠ્ઠું, જો મૂળ ઐતિહાસિક માળખું હજુ પણ અસ્તિત્વમાં હોય તો તેનું તાત્કાલિક સંરક્ષણ કરવામાં આવે.
સાતમું, સ્થળની ઐતિહાસિક ઓળખ જાળવીને ભવ્ય ‘હેરિટેજ ભવન’નું નિર્માણ થાય.
આઠમું, AMC બજેટમાં આ માટે ખાસ નાણાકીય જોગવાઈ કરવામાં આવે અને જરૂર પડે તો રાજ્ય સરકાર પાસેથી વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે.
નવમું, સ્થળ પર આધુનિક મ્યુઝિયમ, લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્રનો વિકાસ કરવામાં આવે.
અને દસમું, સમગ્ર તપાસ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રાખીને તેનો અંતિમ અહેવાલ જાહેર સમક્ષ મૂકવામાં આવે.
આ પણ વાંચોઃ 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ
આ જમીનનો નહીં, ઇતિહાસ અને આત્મસન્માનનો પ્રશ્ન છે
ખાનપુરનું આ સ્થળ જો દસ્તાવેજી તપાસમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુલાકાત સાથે જોડાયેલું સાબિત થાય, તો તે માત્ર એક જમીનનો ટુકડો કે મિલકત નહીં રહે, પરંતુ તે દલિત અને બહુજન સમાજના આત્મસન્માન, શિક્ષણ, સામાજિક સમાનતા અને બંધારણીય મૂલ્યોના સંઘર્ષ સાથે જોડાયેલી એક અમૂલ્ય ઐતિહાસિક ધરોહર બની રહેશે. શાસક વર્ગ અને જાતિવાદી માનસિકતા ધરાવતું સરકારી તંત્ર બહુજન મહાનાયકોના સાચા ઇતિહાસને ભૂંસાવી ન દે તે માટે ખાનપુરની આ પવિત્ર ભૂમિને તાત્કાલિક ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ જાહેર કરીને કાયદેસર સંરક્ષણ આપવામાં આવે તે જ સમયની માંગ છે. બહુજન સમાજ હવે પોતાના ઇતિહાસ અને હક્કો માટે એકજૂથ થઈને આ લડાઈ લડવા સજ્જ બન્યો છે.
આ પણ વાંચોઃ
ડૉ.આંબેડકર જ્યાં આવ્યા હતા તે ખાનપુરની શાળા ક્યાં ગઈ?












