ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા દલિતોએ આખું શહેર બંધ કર્યું

અસામાજિક તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નાખી હતી. જેનાથી દલિત સમાજ રોષે ભરાયો હતો અને આખું શહેર બંધ કરી દીધું હતું.
ludhiana-bandh

ડૉ.આંબેડકર બહુજન સમાજ માટે સૌથી સન્માનનિય વ્યક્તિ ગણાય છે, ત્યારે જાતિવાદી તત્વો દ્વારા વારંવાર તેમની પ્રતિમાનું અપમાન કરીને દલિતોને ઉશ્કેરવામાં આવે છે. આવી જ એક ઘટના પંજાબમાં બની છે. અહીંના લુધિયાણા શહેરમાં જાતિવાદી અસામાજિક તત્વો દ્વારા બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા સાથે ચેડાં કરી અપમાન કર્યું હતું.

આ જાતિવાદી કાવતરાના સમાચાર વાયરલ થતાં જ સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બંધારણ નિર્માતા અને બહુજન નાયકના અપમાનના વિરોધમાં દલિત સમાજે એકજૂથ થઈને સમગ્ર લુધિયાણા શહેરમાં સવારે 10:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી સજ્જડ બંધનું એલાન આપ્યું છે. આ બનાવના વિરોધમાં દલિત આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને જાલંધર બાયપાસ ચોક ખાતે દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવેને સંપૂર્ણપણે જામ કરી દીધો છે, જેના કારણે દિલ્હી, અંબાલા, પાનીપત, પટિયાલા અને અમૃતસર તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે.

દલિત સમાજે પ્રતિમાને ધોઈને ફરી સન્માન આપ્યું

જાતિવાદી માનસિકતા ધરાવતા ગુનેગારોની આ હરકત સામે બુધવારે સવારે દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકરોએ એકઠા થઈને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ કરી હતી. બહુજન સમાજના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, ડો. બાબાસાહેબ આંબેડકર એ માત્ર દલિત સમાજના નહીં પણ આખા દેશના ગૌરવ અને બંધારણના પ્રતીક છે. તેમના આત્મસન્માન અને પ્રતિમા પર કરાયેલો આ હુમલો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પોલીસ તંત્ર અને સરકાર આ જાતિવાદી ગુનેગારોને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ન ધકેલે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં માનવ અધિકાર આયોગનું ઓપન હિયરિંગ યોજાશે

હાઈવે ચક્કાજામ અને તંત્ર સામે નારેબાજી

મંગળવારની ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ગુનેગારો સામે કડક કાર્યવાહી ન થતાં દલિત સમાજના વિરોધ પ્રદર્શને વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું હતું. શરૂઆતમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવેની સર્વિસ લેન પર ધરણાં આપ્યા હતા, પરંતુ પોલીસના નિષ્ક્રિય વલણથી નારાજ થઈને થોડી જ વારમાં સમગ્ર હાઈવેનો મુખ્ય માર્ગ રોકી લીધો હતો. આ ચક્કાજામના કારણે હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સમાજના આગેવાનોએ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પણ આ સામાજિક આક્રોશમાં સહભાગી બની ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવાની અપીલ કરી હતી. સાથોસાથ, શાંતિપૂર્ણ પ્રદર્શન જાળવી રાખીને જરૂરી અને કટોકટીની સેવાઓને મુક્ત રાખવા યુવાનોને સૂચના આપવામાં આવી છે.

પરિસરની સુરક્ષા વધારવા અને CCTV કેમેરા લગાવવા માંગ

દલિત સમાજના આગેવાનોએ પ્રશાસન પાસે માંગ કરી છે કે ભવિષ્યમાં આવી અસામાજિક કે જાતિવાદી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સમગ્ર પરિસરમાં કાયમી પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવે અને હાઈ-રિઝોલ્યુશનવાળા નવા CCTV કેમેરા લગાવીને સતત નાઈટ વિઝન મોનિટરિંગ કરવામાં આવે. બીજી તરફ, સ્થાનિક પોલીસ પ્રશાસને બનાવ અંગે એફઆઈઆર દર્જ કરી છે અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની ફૂટેજ ચકાસીને શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને ખુરશી પર બેસતા અટકાવાયા

જાલંધરમાં પણ કલેક્ટર કચેરી બહાર ધામા: રાજ્યવ્યાપી આંદોલનના એંધાણ

લુધિયાણાની આ ઘટનાના પડઘા સમગ્ર પંજાબમાં પડી રહ્યા છે. જાલંધરમાં પણ ભારતીય મૂળનિવાસી મુક્તિ મોરચાના બેનર હેઠળ દલિત સમાજના અગ્રણીઓ અને યુવાનો કલેક્ટર (DC) કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવા પહોંચેલા પ્રતિનિધિ મંડળને ડેપ્યુટી કમિશનર દ્વારા મળવાનો સમય ન અપાતાં સમાજના લોકો કચેરીના મુખ્ય ગેટ બહાર જ રોડ પર ધરણાં પર બેસી ગયા હતા અને સરકાર તથા પોલીસ પ્રશાસન વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. બહુજન નેતાઓએ ચેતવણી આપી છે કે જો પ્રશાસન દલિત સમાજનો અવાજ સાંભળવામાં નિષ્ફળ જશે, તો સમગ્ર પંજાબ રાજ્યમાં રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

આ પણ વાંચો: ગાંધીનગર સચિવાલયમાં એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કરાયા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x