મહેસાણામાં ફેમસ થવા મહિલાએ સફાઈકર્મીને લાફા માર્યા

મહેસાણામાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે એક મહિલાએ નિર્દોષ સફાઈકર્મીને જાહેરમાં લાફા મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.
Woman beats up sanitation worker to become famous in Mehsana

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર લાઇક્સ, ફોલોઅર્સ અને ફેમસ થવાની ઘેલછા લોકોના મગજ પર એ હદે હાવી થઈ રહી છે કે તેઓ સામાજિક મર્યાદા અને કાયદાનો ડર પણ ભૂલી રહ્યા છે. મહેસાણા શહેરમાંથી આવો જ એક શરમજનક અને માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં માત્ર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ વાઇરલ કરી ફેમસ થવા માટે એક મહિલાએ મહેસાણા મહાનગરપાલિકાના નિર્દોષ સફાઈ કર્મચારીને જાહેરમાં અપમાનિત કરી, ખોટા આક્ષેપો મૂકી માર માર્યો હતો. આટલેથી ન અટકતાં મહિલાએ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો, જેના કારણે વાલ્મિકી સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે.

નામ અને જાતિ પૂછીને કર્યા ખોટા આક્ષેપો

ઘટનાની વિગતો અનુસાર, મહેસાણા મનપામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ વાઘેલા ગત 5 ઓગસ્ટના રોજ મોઢેરા ચોકડી પાસે શાકભાજી ખરીદી રહ્યા હતા. તે સમયે ત્યાં સિક્યુરિટી તરીકે નોકરી કરતી રાની સિદ્ધુ નામની મહિલા તેમની પાસે પહોંચી હતી. મહિલાએ રાકેશભાઈ પાસે જઈને અચાનક તેમનું નામ અને જાતિ પૂછી હતી. રાકેશભાઈએ પોતે અનુસૂચિત જાતિના હોવાનું જણાવતા જ મહિલાએ રાકેશભાઈ પર ‘છેડતી કરે છે’ તેવા તદ્દન ખોટા અને પાયાવિહોણા આક્ષેપો મૂકીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ જાહેરમાં ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ દલિતને મર્યા પછી પણ જાતિ નડી, મનુવાદીઓ સ્મશાન આડે ઉભા રહ્યાં

લાઇક્સ મેળવવા વીડિયો વાઇરલ કર્યો

રાની સિદ્ધુએ આ સમગ્ર ઘટનાનું શૂટિંગ કર્યું હતું અને પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી (ranisidhu48283) પરથી આ વીડિયો વાઇરલ કર્યો હતો. વીડિયો અપલોડ કરીને સફાઈ કર્મચારી રાકેશભાઈને સમાજમાં બદનામ કરવાનો અને પોતાની પ્રોફાઈલ પર વ્યૂઝ મેળવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક તરફ સફાઈ કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરે છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાની ઘેલછામાં ધૂત મહિલાએ એક ગરીબ અને શ્રમજીવી યુવકની ગરિમા હણી નાખી હતી. જાતિવાદી આ મહિલાએ સોશિયલ મીડિયામાં પોતે કેટલી બહાદુર છે અને લોકોને જાહેરમાં માર મારતા પણ ખચકાતી નથી તેવી છાપ ઉભી કરી ફોલોઅર્સ વધારવા આ બધું કર્યું હોવાનું સામે આવ્યું હતું.

વાલ્મિકી સમાજમાં ભારે રોષ અને પોલીસ ફરિયાદ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ વાલ્મિકી સમાજ અને સ્થાનિક સફાઈ કર્મચારીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. દલિત સમાજના યુવક સાથે થયેલા આ અન્યાય સામે લોકો એકઠા થવા લાગ્યા હતા. મામલો ગંભીર બનતો જોઈ અને ચારેય તરફથી થૂ-થૂ થતાં મહિલાએ ગભરાઈને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી વીડિયો ડિલીટ કરી દીધો હતો. જોકે, ત્યાં સુધીમાં વીડિયો અનેક લોકો પાસે પહોંચી ચૂક્યો હતો.

બનાવ અંગે પીડિત યુવક રાકેશભાઈ વાઘેલા સમાજના અગ્રણીઓ સાથે મહેસાણા શહેર B-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે રાની સિદ્ધુ સામે જાતિ વિષયક અપશબ્દો બોલવા, મારપીટ કરવી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપામ હાથ ધરી છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો ડિલીટ થઈ ગયો હોવા છતાં પોલીસે ડિજિટલ એવિડન્સ (ડિજિટલ પુરાવા) એકત્ર કરવા માટે કામગીરી શરૂ કરી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મહેસાણા B-ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આરોપી મહિલા રાની સિદ્ધુની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વાયરલ વીડિયોના આધારે તપાસ અધિકારીઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઈ રહી છે. વાલ્મિકી સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે જો આરોપી સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી અટકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હાલ આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • આરોપો પાયાવિહોણા છે. GPSC ની કામગીરી પારદર્શક અને નિયમાનુસાર થઈ રહી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ કે વિવિધ વર્ગો દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • સુધારાની જરૂર છે. ભરતી પ્રક્રિયામાં વધુ સમાનતા અને પારદર્શિતા લાવવાની જરૂર છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • કંઈ કહી શકાય નહીં 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
Total Votes: 0
August 10, 2026 - August 10, 2026
Voting is closed
0
Would love your thoughts, please comment.x
()
x