સુરતમાં દુકાનદારે મફત નાસ્તો ન આપતા 5 પોલીસે ઢોર માર માર્યો

સુરતના લિંબાયતમાં મફતમાં નાસ્તો ન આપતાં ટી-સ્ટોલ સંચાલકને 5 પોલીસકર્મીઓએ ઢોરની જેમ ઢસડીને માર માર્યો, ન્યાય ન મળતા દુકાનદારે હાઈકોર્ટમાં અરજી કરી.
Five policemen beat up shopkeeper for not giving free breakfast AI Image
Five policemen beat up shopkeeper for not giving free breakfast AI Image

સુરત શહેરમાં પોલીસની દાદાગીરીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં ટી સ્ટોલ ચલાવતા મનોજ સરોજ નામના યુવકે પોલીસને મફતમાં નાસ્તો અને અન્ય સામાન આપવાની ના પાડતાં, 5 પોલીસકર્મીઓએ ઉશ્કેરાઈને તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, તેને વાળ ખેંચી જનાવરની જેમ ઢસડીને પોલીસ સ્ટેશને લઈ જઈ ઢોર માર માર્યો હતો. આ મામલે મનોજે પોલીસ કમિશનર કચેરીએ પુરાવાઓ અને વીડિયો રેકોર્ડિંગ સાથે અરજી કરી હતી. જોકે, એક મહિનાથી સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા મનોજે હાઈકોર્ટમાં પોલીસ કમિશનર, ડીસીપી, પીઆઇ, પીએસઆઇ અને ડી-સ્ટાફ સામે પિટિશન દાખલ કરી છે. હાઈકોર્ટમાં પિટિશન કરતા તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં પોલીસે યુવકને માર માર્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

મફત સામાન ન આપતાં પોલીસનો અહમ ઘવાયો

ઘટનાની વિગત મુજબ, 13 જુલાઈ 2026 ની રાત્રે સુરતના લિંબાયતમાં આવેલી ‘યાદવ ટી-સેન્ટર’ નામની દુકાને આ ઘટના ઘટી હતી. પીડિત યુવક મનોજ સરોજના જણાવ્યા અનુસાર, લિંબાયત પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓ તેની દુકાનેથી રોજ ₹700 થી ₹800 નો સામાન જેવાં કે ચા, પાણી, રેડબુલ, સિગરેટ અને માવો મફતમાં લઈ જતા હતા. સતત થતા આ આર્થિક નુકસાન સામે જ્યારે તેણે હિસાબ માંગી પૈસા માંગ્યા, ત્યારે કાયદાના રક્ષકોનો અહંકાર ઘવાયો હતો. તે જ રાત્રે દુકાન બંધ કરતી વખતે આવી પહોંચેલા પોલીસકર્મીઓએ મનોજને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા હતા અને બળજબરીથી અટકાયત કરી લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ દલિત મહિલાને PSIએ પોલીસ સ્ટેશનમાં 5 થપ્પડ મારી

CCTV માં કેદ થઈ પોલીસની બર્બરતા

આ સમગ્ર ઘટનાના રહસ્યનો પર્દાફાશ ઘટનાસ્થળના CCTV ફૂટેજથી થયો છે. રાત્રે 8:58 વાગ્યે મનોજ પોતાનો બચાવ કરવા ભાગે છે ત્યારે બે પોલીસકર્મીઓ તેની પાછળ દોડે છે. એક તેને પકડે છે જ્યારે બીજો હાથમાં દંડો લઈને તેના પર તૂટી પડે છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસકર્મીઓ મનોજના વાળ પકડીને ખેંચે છે અને ઢોરની જેમ ફટકારે છે. રાત્રે 9:50 વાગ્યે વધુ બે અને રાત્રે 10:45 વાગ્યે પાંચ પોલીસકર્મી ત્યાં પહોંચે છે. યુવક પોતાનો જીવ બચાવવા લોખંડની જાળી પકડી લે છે, પરંતુ આ 5 પોલીસકર્મીઓ તેને પગથી ખેંચીને, જમીન પર ઢસડીને લઈ જાય છે અને તેના ખભા પર પગ મૂકીને લાફા તથા દંડા ફટકારે છે.

પોલીસ સ્ટેશનમાં થર્ડ ડિગ્રી ટોર્ચર: 250 થી વધુ દંડા ફટકાર્યા

પોલીસની ક્રૂરતા અહીં જ અટકી નહોતી. પીડિત મનોજ સરોજે આપવીતી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેને લિંબાયત પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં ભોંયતળિયે ઊંધો સુવડાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ તેના પગ અને મોં દબાવી રાખી તળિયા અને શરીરના પાછળના ભાગે 250 થી વધુ દંડા ફટકારી દોઢ કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો હતો. મનોજ પાસે ગુમાસ્તા લાઈસન્સ અને ફૂડ લાઈસન્સ જેવાં તમામ કાયદેસરના પુરાવા હોવા છતાં તેને ગુનેગારની જેમ માર મારવામાં આવ્યો હતો.

આરોપી જ તપાસકર્તા બન્યા: કેસ દબાવવાનો પ્રયાસ

ઘટના બાદ વેપારીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પેનડ્રાઈવ અને CCTV વીડિયો સાથે લેખિત રજૂઆત કરી હતી. DCP ડૉ. કાનન દેસાઈએ તપાસના આદેશ આપ્યા હોવા છતાં, આ અરજી ઝોન-2 મારફતે ફરી એ જ લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી હતી. જ્યાં આરોપી પોલીસકર્મીઓ જ તપાસકર્તા બનીને કેસ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 1 મહિના સુધી સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં, આખરે મનોજે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

આ પણ વાંચોઃ સુરત પોલીસે ત્રણ દિવસ કસ્ટડીમાં રાખ્યો તે યુવકનું કોર્ટમાં મોત

હાઇકોર્ટ જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ

હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ હવે ખાખી વર્ધીધારીઓ પોતાની આબરુ બચાવવા માટે ગુંડાતત્વો જેવું વલણ અપનાવી રહ્યા છે. પીડિત યુવકને સતત જાનથી મારી નાખવાની અને કેસ પાછો ખેંચી લેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેના ભાઈને પણ ગાડીમાં બળજબરીથી બેસાડી ઉઠાવી જવાનો પ્રયાસ કરાયો હતો. હાલ પોલીસના ડરથી અંડરગ્રાઉન્ડ થયેલા મનોજે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો કે, “જો રક્ષક જ ભક્ષક બની જશે તો સામાન્ય નાગરિક ક્યાં જશે?”

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

ગુજરાતમાં નિર્દોષ નાગરિકો અને નાના વેપારીઓ પર પોલીસ દ્વારા ગુજારવામાં આવતી આવી બર્બરતાથી પરેશાન છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જઈ રહી છે અને પોલીસ નાના ગુનેગારોને પકડીને રિલ્સ બનાવવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે અને 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો મત વિસ્તાર છે. ત્યાં પોલીસ બેફામ બની દાદાગીરી કરી છે અને છતાં મંત્રીજી માત્ર નિવેદનો કરીને બેસી જાય છે. લિંબાયતની આ ઘટના સાબિત કરે છે કે, પોલીસ સામાન્ય માણસની રક્ષક નહીં પરંતુ ભક્ષક બનતી જઈ રહી છે. આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવીને દોષિત પોલીસકર્મીઓ સામે ગુનાહિત કાર્યવાહી કરવી જોઈએ, જેથી ગુજરાત પોલીસમાં ઘર કરી ગયેલી આ બર્બર માનસિકતાને ડામી શકાય.

આ પણ વાંચોઃ પાલનપુરના દલિત પોલીસકર્મીએ SP-PIના ત્રાસથી આપઘાત કર્યો?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x