‘તમે દલિત છો, અહીં તમારા લોકોને દાટવાની જગ્યા નથી..’

ગીર સોમનાથના ફાટસર ગામમાં જાતિવાદી તત્વોએ દલિત વૃદ્ધની અંતિમવિધિ રોકી. મૃતદેહ દાટવા કબર ન ખોદવા ધમકી આપતા વિવાદ.
ગીર સોમનાથના ફાટસર ગામમાં જાતિવાદી તત્વોએ દલિત વૃદ્ધની અંતિમવિધિ રોકી

દલિત સમાજ માટે આજે પણ સામાન્ય બાબતોમાં પણ હક માંગવો કેટલો અઘરો છે તેની આ વાત છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ફાટસર ગામમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. માણસના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કે દફનવિધિ સન્માનપૂર્વક થાય તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ ફાટસર ગામમાં આ માનવીય ગૌરવના ધજાગરા ઉડ્યા છે. ગામમાં દલિત સમાજના એક વૃદ્ધના અવસાન બાદ તેમની અંતિમવિધિ માટે કબર ખોદવાની ચાલી રહેલી કામગીરીમાં ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, ગુજરાતમાં જાતિવાદી તત્વોને કાયદાનો જરાય ડર નથી. ઉપરથી આ જ તત્વો એટ્રોસિટીના કાયદાના દુરૂપયોગની ખોટી વાતો ફેલાવતા રહે છે.

મામલો શું હતો

પ્રાપ્ત સત્તાવાર વિગતો અને નોંધાયેલી એફઆઈઆર મુજબ, ગત તા. 24 ઓક્ટોબર, 2026ના રોજ ફાટસર ગામના રહેવાસી કાળુભાઈ લખમણભાઈ સોંદરવાના કાકા હાજાભાઈ દાનાભાઈ સોંદરવાનું અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા જ્ઞાતિના પરંપરાગત રીતરિવાજ મુજબ મૃતદેહની દફનવિધિ માટે કબર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે ગામના ચતુરભાઈ મધુભાઈ પોસિયા ત્યાં આવી પહોંચ્યા હતા અને કબર ન ખોદવા માટે ધાકધમકી આપી હતી. આ બાબતે જ્યારે પરિવારજનોએ વિરોધ કર્યો અને સ્પષ્ટતા માંગી, ત્યારે આરોપીએ ફરિયાદી અને સાક્ષીઓને જાતિસૂચક અપમાનજનક શબ્દો કહી હડધૂત કર્યા હતા.

આ પણ વાંચોઃ સ્મશાનનો રસ્તો ન અપાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમવિધિ કરાઈ

આ ઘટના બાદ પીડિત પરિવાર દ્વારા ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ સત્તાવાર રીતે એફઆઈઆર નંબર નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એટ્રોસિટી એક્ટ અને બીએનએસની કલમ 301 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દલિતોને મર્યા પછી પણ જાતિ કેમ નડી રહી છે?

ભારતીય બંધારણે દરેક નાગરિકને સમાનતા, અસ્પૃશ્યતા નાબૂદી અને જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ આપ્યું છે. બંધારણની કલમ 14, કલમ 17 અને કલમ 21 અંતર્ગત દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જીવવાનો અને મરવાનો અધિકાર છે. ફાટસર ગામમાં બનેલી આ ઘટના સીધી રીતે આ બંધારણીય આદર્શો પર પ્રહાર કરે છે. સ્થાનિક સ્તરે દલિત પરિવારો માટે અંતિમવિધિ કરવા માટે કાયદેસર અને યોગ્ય જગ્યા ઉપલબ્ધ છે કે નહીં, જો છે તો તેનો ઉપયોગ કરવા દેવામાં કેમ વિવાદ ઊભો થાય છે, અને જો નથી તો વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી કેમ કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી તેવા અનેક સવાલો ઊભા થયા છે.

દલિતો માટે દફનવિધિની કાયમી વ્યવસ્થા કરવા માંગ

માનવ અધિકાર કાર્યકર્તાઓ અને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સમક્ષ કડક રજૂઆતો કરવામાં આવી રહી છે. ફાટસર ગામની આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય, પીડિત પરિવાર તથા સાક્ષીઓને પૂરતી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે, અને ગામમાં દલિતો માટે સ્મશાનભૂમિ કે દફનવિધિની કાયમી તથા અબાધિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં નહીં ભરવામાં આવે, તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલન થઈ શકે છે. મૃત્યુ પછી પણ જાતિના આધારે ભેદભાવ કરવો અને અંતિમ સંસ્કાર અટકાવવા એ અસભ્ય સમાજની નિશાની છે, જેને કોઈપણ સંજોગોમાં સાંખી શકાય નહીં.

આ પણ વાંચોઃ દલિતોએ અંતિમક્રિયા માટે સવર્ણોના પગ પકડી માફી માંગવી પડી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x