‘ગુજરાત દીપોત્સવી અંક’માંથી અઝીઝ ટંકારવીની કવિતા કેમ હટાવાઈ?

દલિત સમાચાર- ગુજરાત દીપોત્સવી અંક

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત થતો અને સાહિત્યિક જગતમાં પ્રતિષ્ઠિત ગણાતો ‘ગુજરાત દીપોત્સવી અંક’ આ વર્ષે એક ગંભીર અને શરમજનક વિવાદના ઘેરાવામાં આવી ગયો છે. જાણીતા કવિ અને વરિષ્ઠ પત્રકાર અઝીઝ ટંકારવી દ્વારા રચિત એક કવિતા સામે કટ્ટરવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ત્વરિત આદેશ જારી કરીને આ અંકનું વિતરણ અને વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે. રાજ્યભરની સરકારી કચેરીઓ, જિલ્લા પુસ્તકાલયો અને વાચકો સુધી મોકલાયેલી આ અંકની તમામ નકલો પાછી ખેંચી લેવાની આદેશી સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શું હવે ગુજરાતમાં સર્જનાત્મક અભિવ્યક્તિ, કળા અને સાહિત્યિક સ્વતંત્રતા પર કોઈ બાહ્ય સાંપ્રદાયિક સંગઠનો કાપ મૂકશે અને સરકાર તેમના ઈશારે નાચશે?

કવિતાનો વિષય અને આક્ષેપોની વાસ્તવિકતા

આ વર્ષના 450 થી વધુ પાનાં ધરાવતા આ વિશાળ અને વૈવિધ્યસભર અંકમાં વિવિધ કવિતાઓ, પ્રેરણાદાયી નિબંધો, ઐતિહાસિક ફોટોગ્રાફ્સ અને હાસ્યલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવાદનું કેન્દ્ર બનેલી અઝીઝ ટંકારવીની ‘પ્રેમમાં ના હોય કંઈ એવી શરત’ શીર્ષકવાળી કવિતા અંકના પાનાં નંબર 389 પર પ્રકાશિત કરવામાં આવી હતી. આ કવિતાનો મૂળ ભાવ પ્રેમની નિઃસ્વાર્થતા અને તેની સીમાઓથી પર હોવાની ભાવનાને વ્યક્ત કરવાનો છે. કવિતાની કેટલીક પંક્તિઓ જેમ કે “રામ ના આવે હવે જલદી પરત, એટલે મૂકે છે પાદુકા ભરત” તેમજ “શેખ, મીરાના મદરેસે લઈ દરસ, થઈ શકે તો તારી અંદર થા તું રત” ને લઈને VHP દ્વારા ધાર્મિક લાગણી દુભાતી હોવાનો પાયાવિહોણો આક્ષેપ કરાયો છે. સાહિત્યિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પંક્તિઓમાં પ્રેમ, ભક્તિ, માનવતા અને આધ્યાત્મિક સમન્વયની વાત છે, પરંતુ સંગઠન દ્વારા તેને સંકુચિત અને રાજકીય નજરે જોઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.

સરકારની શરણાગતિ અને ગંભીર સવાલો

સૌથી મોટો, વ્યાજબી અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે શું હવે ગુજરાત સરકારના અધિકૃત મેગેઝિનમાં કઈ કવિતા છપાશે અને કઈ નહીં તે નક્કી કરવાનો અદ્રશ્ય અને ગેરકાયદેસર અધિકાર વિશ્વ હિન્દુ પરિષદ જેવા ગેરબંધારણીય સંગઠનોને આપી દેવામાં આવ્યો છે? ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વિહિપ જેવા કોમવાદી અને કટ્ટરવાદી સંગઠનોની ધમકીઓ સામે ઘૂંટણ ટેકવી દેવાની આ નીતિ અત્યંત શરમજનક અને લોકશાહી વિરોધી છે. સરકાર પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાથી ચાલતા માહિતી વિભાગના માધ્યમથી સાહિત્યિક અંકો પ્રકાશિત કરે છે, પરંતુ જ્યારે આવા સાંપ્રદાયિક સંગઠનો પોતાની સંકુચિત માનસિકતાના આધારે ડિક્ટેટરશિપ ચલાવે છે, ત્યારે સરકાર ચૂપચાપ તેમની શરતો સ્વીકારીને લોકશાહી મૂલ્યોની જાહેરમાં હત્યા કરે છે. વિહિપની વાહિયાત માગણીને સ્વીકારીને આખો અંક પાછો મંગાવવો અને જવાબદાર વરિષ્ઠ અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ બેસાડવી એ સરકારની કાયરતા અને તેમની વિચારધારાની નાદારી દર્શાવે છે.

સાહિત્યિક સ્વતંત્રતા પર તરાપ અને સોશિયલ મીડિયા પ્રતિભાવો

આ સમગ્ર પ્રકરણને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ—જેવા કે X, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ભારે ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ લખ્યું હતું કે, “આખી રચના પ્રેમને એક સાધના તરીકે જુએ છે. તેમાં રામ-ભરત જેવો ત્યાગ, ભાગ્ય સામે ધીરજ, અહંકાર વગરનો ભાવ, બીજાના દર્દની અનુભૂતિ અને છેલ્લે ભીતરની શોધ છે.”

તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે, “શું હવે કવિતા, ગઝલ, વાર્તા કે નવલકથા જેવું સાહિત્ય વિશ્વ હિન્દુ પરિષદ મંજૂર કરે એ પછી જ ગુજરાત સરકારના દીપોત્સવી અંકમાં છાપી શકાશે? ધર્મ આધારિત સંકુચિતતા આપણને ક્યાં લઈ જાય છે તેનું આ ઉદાહરણ છે.”
જાણીતાં પત્રકાર શીલા ભટ્ટે પણ તેમના ફેસબુક પર લખ્યું છે કે હું રમેશ સવાણીની વાતનું સમર્થન કરું છું. તેમણે લખ્યું હતું કે, “અઝીઝભાઈએ સાચું કહ્યું છે. પ્રેમમાં કોઈ શરત હોતી નથી. બહુ સરસ…”

અમેરિકાસ્થિત જાણીતા ગુજરાતી સાહિત્યકાર બાબુ સુથારે પણ આ કવિતાના વિવાદ વિશે લખ્યું છે. બાબુ સુથાર લખે છે કે, “કોઈ પણ વિચારધારા સાથે સંમત થવું કે અસંમત થવું એનો પ્રશ્ન જુદો છે. પરંતુ કોઈ પણ વિચારધારાને જ્યારે તેના કેટલાક અનુયાયીઓ ચરમસીમાએ લઈ જાય છે, ત્યારે એક તબક્કે એ વિચારધારા મટીને ઉન્માદમાં ફેરવાઈ શકે છે. વિચારધારા અને ઉન્માદ વચ્ચેનો આ ભેદ સમજવો જરૂરી છે. આ ઘટનાને માત્ર એક કવિતાના વિરોધ તરીકે જોવી પૂરતી નથી. અહીં એક સાથે અનેક પ્રશ્નો ઊભા થાય છે : ધાર્મિક લાગણી અને સાહિત્યિક અભિવ્યક્તિ વચ્ચેનો સંબંધ શું છે? કોઈ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીક પર કોઈ એક સમુદાયનો એકાધિકાર હોઈ શકે? કોઈ સંગઠનના વિરોધને કારણે સરકારી પ્રકાશનમાંથી કવિતા દૂર કરવામાં આવે, ત્યારે સરકારની સાંસ્કૃતિક અને સંપાદકીય જવાબદારીનું શું થાય? એ સવાલ વિશે પણ વિચારવું રહ્યું કે વિચારધારા ક્યારે ઉન્માદ બની જાય છે?”

એક તરફ જ્યાં કટ્ટરવાદી સંગઠનો અને તેમના સમર્થકો કવિતાને હટાવવા અને કવિ વિરુદ્ધ કડક પગલાં લેવાની ગંદી માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યના પ્રગતિશીલ લેખકો, બુદ્ધિજીવીઓ, સાહિત્યકારો અને સામાન્ય વાચકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સાહિત્યને કલાત્મક અને કાવ્યાત્મક દ્રષ્ટિએ જોવું જોઈએ, તેને કોઈ રાજકીય કે ધાર્મિક બદલાની ભાવનાનું હથિયાર ન બનાવવું જોઈએ. 1 મે, 1960ના રોજ રાજ્યની સ્થાપના સાથે શરૂ થયેલું ‘ગુજરાત’ પાક્ષિક હંમેશાં લોકઉપયોગી માહિતી અને સમૃદ્ધ સાહિત્યનો સુમેળભર્યો સમન્વય રહ્યું છે, પરંતુ સરકારના આ પ્રકારના ગુલામગીરીયુક્ત હસ્તક્ષેપથી તેની ગરિમાને ઠેસ પહોંચી છે. જો સરકાર આવા સાંપ્રદાયિક દબાણો આગળ નમતી રહેશે, તો ગુજરાતમાંથી સર્જનાત્મક સ્વતંત્રતાનો દીવો હંમેશ માટે ઓલવાઈ જશે અને લોકશાહીનું ગળું ઘોંટાતું રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x