બોટાદના જાળીલા ગામના તત્કાલીન ઉપસરપંચ અને દલિત સમાજના અગ્રણી મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા કેસમાં બોટાદની એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના તમામ 9 આરોપીઓને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. 2019માં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. હત્યા બાદ પરિવાર દ્વારા ન્યાયની માગણી, આરોપીઓની ધરપકડ અને લાંબી કાનૂની પ્રક્રિયા દરમિયાન મુખ્ય સાક્ષીની થયેલી હત્યા સહિતના અનેક વળાંકો આ કેસ સાથે જોડાયેલા રહ્યા છે.
19 જૂન, 2019ના રોજ જીવલેણ હુમલો થયો હતો
મળતી વિગતો મુજબ, 19 જૂન, 2019ના રોજ મનજીભાઈ સોલંકી પર બરવાળા-રાણપુર રોડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારની ફરિયાદ અને કેસની વિગતો મુજબ, હુમલાખોરોએ પહેલાં કારથી તેમને ટક્કર મારી હતી અને ત્યારબાદ લાકડીઓ તથા લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મનજીભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ જાળીલા ગામ સહિત દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. મનજીભાઈના પુત્રએ આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાની હત્યા રાજકીય અદાવતને કારણે કરવામાં આવી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ પણ તેમના પિતા પર 3થી 4 વખત જીવલેણ હુમલા થયા હતા અને તેમને વારંવાર ધમકીઓ મળતી હતી. આ અંગે મનજીભાઈએ પોલીસ અને સચિવાલય સુધી રજૂઆતો કરી હોવાનો પણ પુત્રએ આક્ષેપ કર્યો હતો. હુમલામાં મનજીભાઈનું મોત થતાં પરિવારે તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિવારની આ માગને પગલે પોલીસ પર આરોપીઓને ઝડપી લેવાનું દબાણ વધ્યું હતું.

મનજીભાઈના પુત્રએ હોસ્પિટલ લઈ જતી વખતે પિતાએ હુમલાની આપવીતી જણાવી હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન મોબાઈલના કેમેરામાં એક વીડિયો પણ રેકોર્ડ થયો હતો. આ વીડિયોમાં મનજીભાઈએ 5થી 6 હુમલાખોરો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભગી, કિશોર અને ભરતના પુત્ર સહિતના લોકોનાં નામ લીધાં હોવાનો પરિવારનો દાવો હતો. હુમલા બાદ આરોપીઓ વડોદરા તરફ ભાગી ગયાનું પણ તેમણે જણાવ્યું હોવાનું કહેવાયું હતું.
આ પણ વાંચોઃ બોટાદના જાળીલામાં દલિત સગીરની હત્યા, એક આરોપીની ધરપકડ
9 કાઠી દરબારો સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો
પરિવારની ફરિયાદના આધારે રાણપુર પોલીસ મથકમાં 9 વ્યક્તિઓ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી જીલુભા ખાચર સહિત તમામ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં જીલુભા ખાચર, અશોક ખાચર, પ્રતાપ ખાચર, ઋતુરાજ ખાચર, રવિરાજ ખાચર, હરદીપ ખાચર, કિશોર ખાચર, ભગીરથ ખાચર અને વનરાજ ખાચરનો સમાવેશ થાય છે.
પોલીસે તપાસ પૂર્ણ કર્યા બાદ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ બોટાદની કોર્ટમાં કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ હતી. લાંબી ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે કેસ આગળ વધ્યો હતો.
2023માં મુખ્ય સાક્ષી રાજેશ મકવાણાની પણ હત્યા કરાઈ હતી

મનજીભાઈ હત્યા કેસની કાનૂની લડાઈ દરમિયાન સપ્ટેમ્બર 2023માં વધુ એક ગંભીર ઘટના બની હતી. આ કેસના મુખ્ય પંચ સાક્ષી તરીકે ઓળખાતા રાજેશભાઈ મકવાણા પર બગડ ગામ નજીક હથિયારધારી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશભાઈનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઘટનાથી દલિત સમાજમાં ફરી રોષ ફેલાયો હતો. પરિવારજનોએ આ મામલે પણ ન્યાયની માગણી કરી હતી અને પોલીસ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજેશભાઈની હત્યાના કેસમાં પોલીસે અલગથી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ મનજીભાઈ હત્યા કેસની સાક્ષી સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયા અંગેના પ્રશ્નોને વધુ ગંભીર બનાવ્યા હતા.
તમામ 9 આરોપીઓને આજીવન કેદ
આખરે મનજીભાઈ સોલંકીની હત્યા કેસની ટ્રાયલ પૂર્ણ થયા બાદ બોટાદની એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે તમામ 9 આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા છે. કોર્ટે દરેક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસમાં અસરકારક રજૂઆત કરનાર સ્પેશિયલ સરકારી વકીલ ભૂપેન્દ્રભાઈ કલ્યાણીની પણ પરિવારે પ્રશંસા કરી છે. ન્યાય માટે સતત લડત આપનાર તુષાર સોલંકી, દીપક સોલંકી તેમજ પરિવારની પડખે ઊભા રહેનારા સમાજના આગેવાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. 2019માં થયેલી હત્યાથી શરૂ થયેલી આ કાનૂની લડત દરમિયાન પરિવારને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. હવે તમામ 9 આરોપીઓને આજીવન કેદની સજા થતાં પરિવારની લાંબી ન્યાયિક લડતનો એક મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે.
આ પણ વાંચોઃ બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે











