દલિત વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ-કોલેજોમાં કેવું વર્તન થાય છે તે કોઈથી અજાણ્યું નથી. જો કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઈશ્વર શરણ ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતી BA સેકન્ડ યરની દલિત વિદ્યાર્થિની સાથે બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. દલિત વિદ્યાર્થીનીને ત્રણ લુખ્ખા તત્વોએ કોલેજમાં કપડાં ફાડી વાળ પકડી જમીન પર ઢસડીને ઢોર માર માર્યો હતો. આ ઘટના બની ત્યારે કોઈ તેને બચાવવા નહોતું આવ્યું. કોલેજના પ્રોક્ટર અને પ્રોફેસરો પણ દૂર ઉભા રહીને તમાશો જોતા રહ્યા હતા. આ ઘટનાએ દેશમાં દલિત દીકરીઓની સલામતીને લઈને નવેસરથી સવાલો ઉભા કર્યા છે.
વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે કોલેજના ગેટ પાસે તેને જાતિસૂચક ગાળો આપવામાં આવી હતી. વિરોધ કરતાં એક વિદ્યાર્થીએ તેના વાળ પકડીને જમીન પર પછાડી માર માર્યો અને ખેંચીને કોલેજ કેમ્પસની અંદર લઈ ગયો હતો. આ દરમિયાન તેના કપડાં ફાડવાનો અને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

ઘટનાના 4 દિવસ બાદ પણ આરોપી વિદ્યાર્થીની ધરપકડ થઈ નથી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પરંતુ CCTV ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી પણ હજુ સુધી થઈ નથી. બીજી તરફ કોલેજે 3 શિક્ષકોની તપાસ સમિતિ બનાવી છે, જે ઘટનાની સાથે તે સમયે હાજર પ્રોક્ટર અને અન્ય શિક્ષકોની ભૂમિકાની પણ તપાસ કરશે.
મામલો શું હતો
વિદ્યાર્થિનીએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, ઘટના 23 નવેમ્બરના રોજ બપોરે આશરે 12 વાગ્યે બની હતી. તે પોતાના વિભાગમાં જઈ રહી હતી ત્યારે કોલેજના ગેટ પાસે પ્રોક્ટર અને કેટલાક પ્રોફેસરો હાજર હતા. ત્યાં અંકુર સિંહ, વિશાલ, લકી, હર્ષિત સહિત કેટલાક અન્ય લોકો પણ ઊભા હતા. તેને જોઈને અંકુર સિંહ અને તેના સાથીઓએ જાતિસૂચક ગાળો આપવાનું શરૂ કર્યું અને તેને પોતાની પાસે બોલાવી. તેણે ગાળો આપવાનો વિરોધ કર્યો તો તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થિનીએ ત્યાં હાજર પ્રોક્ટરને દરમિયાનગીરી કરીને તેમને રોકવા વિનંતી કરી હતી. જોકે, તેના આરોપ મુજબ પ્રોક્ટરે આરોપીઓને રોકવાને બદલે તેને જ ઠપકો આપ્યો હતો.
વાળ પકડીને માર માર્યો, કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો
વિદ્યાર્થિનીની ફરિયાદ અનુસાર, ત્યારબાદ અંકુર સિંહે તેનો હાથ પકડીને તેની સાથે અભદ્ર વર્તન અને છેડતી શરૂ કરી હતી. વિરોધ કરતાં તેના વાળ પકડીને જમીન પર પછાડી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ખેંચીને કોલેજ કેમ્પસની અંદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મારપીટ કરીને કપડાં ફાડવામાં આવ્યા હતા અને તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં તેની સહેલીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીના કબજામાંથી તેને છોડાવી હતી. ત્યારબાદ તે કર્નલગંજ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
4 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ નહીં
કર્નલગંજ પોલીસ દ્વારા વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે અંકુર સિંહ સામે FIR નોંધવામાં આવી છે. આરોપી પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી હોવાનું જણાવાયું છે. પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધ્યું છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ થઈ નથી. ઘટનાસ્થળે લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ કબજે લેવામાં આવ્યા નથી. વિદ્યાર્થિનીએ આ ફૂટેજ નષ્ટ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસના પ્રાથમિક તપાસમાં વોટ્સએપ ચેટને લઈને વિવાદ થયો હોવાની વાત પણ સામે આવી છે. જોકે, આ વિવાદ ઘટનામાં થયેલા જાતિવિષયક અપમાન, મારપીટ અને છેડતીના આરોપોને ન્યાયસંગત ઠેરવતો નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.

પ્રોક્ટર અને શિક્ષકોની ભૂમિકાની તપાસ
ઈશ્વર શરણ ડિગ્રી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આનંદ શંકર સિંહે વિદ્યાર્થિનીને બોલાવી તેનો પક્ષ સાંભળ્યો હતો. ત્યારબાદ તપાસ માટે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સમિતિમાં પ્રોક્ટર અને સિનિયર ફેકલ્ટી ધીરજ ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોક્ટર રૂચિ ગુપ્તા અને આસિસ્ટન્ટ પ્રોફેસર અમરજીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ ઘટનાની તપાસ ઉપરાંત તે સમયે હાજર પ્રોક્ટર અને અન્ય શિક્ષકોની ભૂમિકા પણ તપાસશે. વિદ્યાર્થિનીની ફરિયાદ પર તેમણે શું કાર્યવાહી કરી હતી અને ઘટનાસ્થળે તેઓ હાજર હતા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સમિતિનો અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કેમ્પસમાં સુરક્ષા અને જવાબદારીનો સવાલ
આ ઘટનામાં વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોક્ટર અને પ્રોફેસરોની હાજરીમાં હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો છે. જો ફરિયાદમાં જણાવ્યા મુજબ શિક્ષકોની હાજરી છતાં વિદ્યાર્થિનીને સુરક્ષા ન મળી હોય, તો કોલેજની જવાબદારી અને વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થાય છે. જાતિવિષયક અપમાન, છેડતી અને મારપીટના આરોપો વચ્ચે હવે પોલીસ તપાસ, CCTV ફૂટેજ અને કોલેજની તપાસ સમિતિના અહેવાલ પર નજર છે. વિદ્યાર્થિનીને ન્યાય મળે તથા કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે.
આ પણ વાંચોઃ દલિત યુવતી પર ચાલતી કારમાં 5 યુવકોનો ગેંગરેપ
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીનીએ સવાલ પૂછતા શિક્ષિકાએ કહ્યું, ‘તું ચમારી છે’











