GPSC માં હવે ભાજપના ઝંડા લગાવનારા ઈન્ટરવ્યૂ લેશે!

GPSC ના ચેરમેન હસમુખ પટેલ સામે આંદોલન વચ્ચે RSS-BJPના કટ્ટર સમર્થક શિશિર ત્રિવેદીની સભ્ય પદે નિમણૂકથી મોટો વિવાદ સર્જાયો.
gpsc-shishir-trivedi-appointment-controversy
gpsc-shishir-trivedi-appointment-controversy

GPSC વધુ એક મોટા વિવાદમાં સપડાયું છે. એકબાજુ તેના ચેરમેન હસમુખ પટેલ સામે જાતિવાદ ચલાવવાના આક્ષેપ લાગ્યા છે અને તેમના રાજીનામાની માંગ સાથે ગાંધીનગરમાં 29 જેટલા સંગઠનો છેલ્લાં 18 દિવસથી આંદોલન પર બેઠાં છે. ત્યારે બીજી તરફ હવે ભાજપના ઝંડા લગાવતા RSS-BJPના કટ્ટર સમર્થક ભાવનગરના શિશિર ત્રિવેદીની GPSC ના સભ્ય પદે નિમણૂક હોબાળો મચી ગયો છે. ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, શિશિર ત્રિવેદીને સાચું ગુજરાતી પણ લખતા આવડતું નથી. આવી વ્યક્તિ ક્લાસ વન અધિકારી બનવા જઈ રહેલા ઉમેદવારોની નિમણૂક કરશે તે ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માં એકસાથે 7 નવા સભ્યોની નિમણૂક કરી છે, તેમાં ભાજપના સક્રિય સભ્ય અને RSS સાથે સીધા જોડાયેલા શિશિર ત્રિવેદીને સ્થાન અપાતાં ભારે વિવાદ અને કાનૂની તેમજ નૈતિક માપદંડો પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર જાતિવાદ ફેલાવવાનો અને ચોક્કસ માનસિકતાથી ભરતી પ્રક્રિયા ચલાવવાનો ગંભીર આક્ષેપ મૂકીને ગાંધીનગરમાં છેલ્લા 18 દિવસથી 29 જેટલાં સામાજિક સંગઠનો આંદોલન ચલાવી રહ્યાં છે.

ચેરમેન સામે આંદોલન વચ્ચે શિશિર ત્રિવેદીની નિમણૂકનો વિવાદ

હાલમાં જ GPSC ચોતરફથી વિવાદોના વંટોળમાં ઘેરાયેલું છે. એકતરફ ચેરમેન હસમુખ પટેલને હોદ્દા પરથી હટાવવા માટે વિવિધ વર્ગો, બહુજન સમાજ અને 29 જેટલાં સામાજિક સંગઠનોનું સંયુક્ત જોડાણ ગાંધીનગરમાં ધામા નાખીને બેઠું છે. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે આયોગમાં ચોક્કસ મનસ્વી નીતિઓ અને જાતિવાદી વલણના કારણે પછાત, દલિત અને વંચિત સમાજના તેજસ્વી ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ  LRD પરીક્ષામાં દોડના માર્ક કાઢી નખાતા SC-ST-OBC ને અન્યાય

આવા સળગતા માહોલ વચ્ચે જ ભાજપના ઝંડા ઊંચકનાર, પક્ષ માટે કટ્ટર પ્રચાર કરનાર શિશિર ત્રિવેદીને જીપીએસસીના સભ્ય બનાવી દેવાતાં કમિશનની સ્વાયત્તતા અને તટસ્થતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો છે. વિપક્ષ અને યુવા સંગઠનોનો આક્ષેપ છે કે બંધારણીય સંસ્થા પર પક્ષીય કબજો જમાવવા માટે જ આવી નિમણૂકો કરવામાં આવી રહી છે.

‘અંગ્રેજી-ગુજરાતી ન લખી શકતા વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેશે?’

આ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે સીધો મોરચો માંડ્યો હતો. તેમણે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે, શિશિર ત્રિવેદીના X (ટ્વિટર) હેન્ડલ પર આજે પણ ભાજપનો ખુલ્લેઆમ પ્રચાર અને પક્ષ પ્રત્યેની તેમની સક્રિયતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

દોશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, “શિશિર ત્રિવેદીની વિવિધ પોસ્ટ્સ જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ પોતે પણ ગુજરાતી કે અંગ્રેજી જેવી પ્રાથમિક ભાષાઓમાં સાચા શબ્દો લખી શકતા નથી. જે વ્યક્તિ યોગ્ય ભાષા લખી શકતી નથી, તે વ્યક્તિ વર્ગ 1 અને વર્ગ 2 ના આઈ.એ.એસ. અને ડી.એસ.પી. કક્ષાના ઉચ્ચ અધિકારીઓની પસંદગી માટે ઇન્ટરવ્યૂ બોર્ડમાં બેસીને ઉમેદવારોનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકે?”

આ પણ વાંચોઃ GPSCનો બૌદ્ધિક જાતિવાદ હવે નહીં ચલાવી લઈએ: SSD

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ કોઈ સ્વતંત્ર જાહેર સેવા આયોગ નથી રહ્યું પરંતુ ભાજપે તેને પોતાના મળતિયાઓ અને પક્ષના કાર્યકરોને ગોઠવવાનું ‘પાર્ટી સિલેક્શન કમિશન’ બનાવી દીધું છે. એક તરફ ચૂંટણીઓમાં કમિશનરો મૂકીને વોટ ચોરી થાય છે અને બીજી તરફ આવી ભરતી સંસ્થાઓ પર કબજો કરીને યુવાનોના ભવિષ્યની ‘નોકરી ચોરી’ કરવામાં આવી રહી છે.”

15,000 યુવાનો અટવાયા અને ‘ચિઠ્ઠીઓવાળી’ ગોઠણનો આક્ષેપ

બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે જવાબ માગ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના સાચા અને મહેનતુ ઉમેદવારોના ભોગે ભાજપ અને RSS ના કાર્યકરોને સરકારી તંત્રમાં ઘુસાડવાનું આ એક સુનિયોજિત ષડયંત્ર છે. લેખિત પરીક્ષામાં ખૂબ ઊંચા ગુણ મેળવનાર ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં સાવ ઓછા ગુણ આપીને નાપાસ કરવામાં આવે છે અને અગાઉથી આવેલી ‘ચિઠ્ઠીઓ’ અને ગોઠણબાજીના આધારે પોતાના ગમતા લોકોને પાસ કરી દેવામાં આવે છે. સરકાર જણાવે કે આ ચિઠ્ઠીઓ ક્યાંથી આવે છે?”

GPSC ની નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટના કારણે રાજ્યના હજારો યુવાનોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે. લાંબા સમય સુધી આયોગમાં સભ્યોની નિમણૂક જ કરવામાં આવી નહોતી, જેના પરિણામે વર્ગ 1 અને 2 ની મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરી ચૂકેલા 15,000 જેટલા તેજસ્વી ઉમેદવારોની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અટકી પડી હતી. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે 5 વર્ષ જેટલો લાંબો સમય સુધી રાહ જોવી પડી છે.

ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહેલા 29 સામાજિક સંગઠનો, યુવા અગ્રણીઓ અને વિપક્ષે એકસૂરે માગ કરી છે કે, ભાજપના સક્રિય કાર્યકર એવા શિશિર ત્રિવેદીની વિવાદિત નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, જાતિવાદના આક્ષેપોથી ઘેરાયેલા ચેરમેન હસમુખ પટેલને હટાવવામાં આવે અને GPSC ની પવિત્રતા તથા સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવામાં આવે.

ઉલ્લેખીય છે કે GPSC માં ગઈકાલે જ 7 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડૉ. શિશિર મનોહરભાઈ ત્રિવેદી દીપકકુમાર અશોકભાઈ રાઠોડ (નિવૃત્ત સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, કે.એસ.વસાવા, IAS (નિવૃત્ત), એચ.જે.પ્રજાપતિ, IAS, મયુર કે. મહેતા, IAS, કે.એલ.બચ્ચાની, IAS અને કે.સી.સંપટ, IASનો સમાવેશ થાય છે.

કોણ છે શિશિર ત્રિવેદી?

સોશિયલ મીડિયા પર મળતી માહિતી મુજબ શિશિર મનોહરભાઈ ત્રિવેદી ભાવનગરના ભાજપના કાર્યકર્તા છે. તેમણે હ્યુમન રાઇટ્સ અને ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉમાં PhD કર્યું છે. 2021-24માં ભાવનગર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન રહ્યા હતા. વકીલાત અને શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું છે. 28 સપ્ટેમ્બર 2026ના રોજ તેમની GPSCના સભ્ય તરીકે નિમણૂક થઈ છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેઓ ભાજપના ઝંડા લગાવતા દેખાય છે. ભાજપ અને આરએસએસના કાર્યક્રમોમાં તેમની સક્રિય હાજરી રહે છે. ગુજરાત ભાજપના નેતાઓ અને મંત્રીઓ સાથે તેમના ફોટા છે. જેના કારણે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, જે વ્યક્તિ ખૂલ્લેઆમ ભાજપનો પ્રચાર કરી રહી છે, તે GPSC જેવી સંસ્થામાં કેવી રીતે તટસ્થતાથી કામ કરશે?

આ પણ વાંચોઃ GPSC માં OBC ને અન્યાય કરનાર હસમુખ પટેલને હટાવો!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x