Dalit News: દેશ જ્યારે સામાજિક ન્યાયના પ્રણેતા અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ(Chitrakoot)માંથી ન્યાયતંત્ર પર સવાલો ઉભા કરતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની દલિત વિદ્યાર્થીની(Dalit minor gangrape victim) પર હોળીના તહેવાર દરમિયાન ગેંગરેપ(gangrape) થયો હતો.
સગીરા ન્યાયની આશાએ ન્યાયતંત્ર સામે જોઈ રહી, પરંતુ ત્યાંથી માત્ર આશ્વાસનો જ મળતા તેણે કંટાળીને ગળેફાંસો ખાઈ(hangs herself)ને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સામાજિક ન્યાયના પ્રણેતા ડો.આંબેડકરની જન્મ જયંતીના દિવસે જ આ ઘટના બનતા સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાએ પોલીસની ભૂમિકા અને પીડિતો પ્રત્યેના તેમના સંવેદનહીન વલણને ખુલ્લું પાડી દીધું છે.

મામલો શું હતો?
ઘટનાની વિગત મુજબ, ગત 4 માર્ચના રોજ જ્યારે સમગ્ર દેશ હોળીના પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે પહાડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી 11મા ધોરણની વિદ્યાર્થિની બપોરના સમયે ઘરની નજીક પાણી ભરવા ગઈ હતી. આ દરમિયાન ગામના જ ત્રણ શખ્સો—ભૂષણ પ્રજાપતિ, શીતલ પ્રજાપતિ અને બોધિ શુક્લા—એ તેની એકલતાનો લાભ ઉઠાવી તેનું અપહરણ કર્યું હતું. નરાધમો તેને નજીકના અડદના ખેતરમાં ખેંચી ગયા હતા, જ્યાં તેના મોઢામાં કપડું ઠુંસી સતત બે કલાક સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
જ્યારે દીકરી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરી, ત્યારે તેનો નાનો ભાઈ તેને શોધવા નીકળ્યો હતો. ખેતરમાં પહોંચતા જ તેણે તેની બહેનને અર્ધવસ્ત્ર અને લોહીલુહાણ હાલતમાં જોઈ હતી. ભાઈએ તુરંત પરિવારને જાણ કરી અને પીડિતાને ઘરે લાવવામાં આવી હતી.
પોલીસે ન્યાય અપાવવાને બદલે ધમકીઓ આપી
પીડિતાના માતાપિતાના જણાવ્યા અનુસાર, તેઓ ઘટનાના દિવસે જ પીડિતાને લઈને પહાડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પરંતુ, ન્યાય આપવાને બદલે પોલીસે પીડિત પરિવાર પર જ દબાણ લાવવાનું શરૂ કર્યું. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓએ તેમને એમ કહીને ડરાવ્યા હતા કે, “જો તમે ગેંગરેપની ફરિયાદ નોંધાવશો તો તમારી દીકરીના લગ્ન ક્યાંય નહીં થાય અને સમાજમાં તમારી બદનામી થશે.”

આ પણ વાંચો: ખાટલે બેસવા બદલ દલિત વૃદ્ધને જાતિવાદી તત્વોએ ઢોર માર માર્યો
પોલીસે આરોપીઓને માત્ર ઠપકો આપીને છોડી મૂક્યાં
પોલીસે ગુનાની ગંભીરતા ઘટાડવા માટે પરિવારને ‘બળજબરીથી રંગ લગાવવા’ની હળવી ફરિયાદ આપવા મજબૂર કર્યા હતા. એટલું જ નહીં, પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસે આરોપીઓ પાસેથી મોટી રકમની લાંચ લઈને તેમને માત્ર ઠપકો આપી છોડી દીધા હતા અને શરત રાખી હતી કે તેઓ 6 મહિના સુધી ગામમાં દેખાશે નહીં.
આરોપીઓ બેખૌફ રીતે ગામમાં ફરતા રહ્યાં
પોલીસના ભરોસે રહીને પરિવારે સમાધાનનો માર્ગ સ્વીકાર્યો હતો, પરંતુ થોડા જ દિવસોમાં આરોપીઓ ફરી ગામમાં બેખોફ ફરતા જોવા મળ્યા હતા. સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી જ્યારે પણ આ નરાધમોને પોતાની નજર સામે જોતી, ત્યારે તે અત્યંત આત્મગ્લાનિ અને ડર અનુભવતી હતી. ન્યાય ન મળવાની પીડા અને આરોપીઓની ખુલ્લેઆમ હાજરીએ તેને માનસિક રીતે તોડી નાખી હતી. બુધવારે જ્યારે પરિવારના સભ્યો ખેતરમાં કામ કરવા ગયા હતા, ત્યારે પીડિતાએ ઘરના મોભ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’
આપઘાત બાદ પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી
દીકરીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિ પારખી ગયેલી પોલીસે હવે ઉતાવળે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અરુણ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, અગાઉ પરિવારે લેખિતમાં જણાવ્યું હતું કે તેઓ માત્ર ઠપકો આપવા માંગે છે, જેથી દીકરીનું ભવિષ્ય ન બગડે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે જો પોલીસની કોઈ ભૂમિકા કે બેદરકારી જણાશે તો તેની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે.
દલિત દીકરીને ન્યાય ક્યારે?
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પછાત વર્ગ અને શોષિતો માટે ન્યાય મેળવવો હજુ પણ અઘરો છે. એક તરફ આપણે ડૉ. આંબેડકરની પ્રતિમાઓને હારતોરા કરી સામાજિક ન્યાયના ગુણગાન ગાઈએ છીએ, અને બીજી તરફ સિસ્ટમની મિલીભગતને કારણે એક નિર્દોષ દલિત દીકરીને મોતને વહાલું કરવું પડ્યું. શું આ જ ભારત છે જેનું સપનું બંધારણના ઘડવૈયાએ જોયું હતું? પીડિતાના પરિવારે હવે માત્ર એક જ માંગ કરી છે—તેમની દીકરીને ન્યાય મળે અને કસૂરવાર પોલીસકર્મીઓ સામે પણ કડક પગલાં લેવાય.
આ પણ વાંચો: ‘તું દલિત છે, તારી સાથે લગ્ન શક્ય નથી, મારો પરિવાર ના પાડે છે..”











