આપણા દેશમાં સામાન્ય માણસમાં પોલીસની છાપ કેટલી ખરાબ છે તે જગજાહેર છે. લોકો પોલીસને પોતાના રક્ષક નહીં પરંતુ નેતાઓ, માલેતુજારો, બુટલેગરો અને માથાભારે તત્વોના રક્ષક ગણે છે. જો કે, ઝારખંડમાં હઝારીબાગમાં બનેલી એક ઘટનાએ તો પોલીસની થોડી ઘણી બચેલી આબરૂને પણ ખતમ કરી નાખી હોય તેમ લાગે છે. અહીંના મુફ્ફસિલ પોલીસ સ્ટેશનમાં એક ગરીબ દલિત મહિલાને પોલીસે તેના બે વર્ષના બાળક સાથે 38 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં પુરી રાખીને ભયાનક શારીરિક-માનસિક યાતનાઓ આપી હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મામલો શું હતો?
પીડિતાનો આરોપ છે કે મુફ્ફસિલ પોલીસ સ્ટેશનના પુરુષ પોલીસકર્મીઓ કોઈપણ મહિલા પોલીસ વગર અને યુનિફોર્મ પહેર્યા વિના તેના ઘરે પહોંચ્યા હતા. નોટિસ આપવાની પ્રક્રિયાના બહાને આ પોલીસકર્મીઓએ તેની સાથે ગાળાગાળી શરૂ કરી હતી અને ત્યારબાદ તેની સાથે મારપીટ કરી તેને બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આટલું જ નહીં, પીડિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેને તેના માત્ર બે વર્ષના માસૂમ બાળક સાથે સતત 38 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી હતી અને આ સમય દરમિયાન તેને માનસિક તથા શારીરિક રીતે અત્યંત પ્રતાડિત કરવામાં આવી હતી. આ ઘટનાએ પોલીસની છબી અને કાર્યશૈલી પર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’
સાંસદ મનીષ જાયસવાલ મહિલાની વ્હારે આવ્યા
પોલીસ સ્ટેશનમાં થયેલા આ અત્યાચાર અને અન્યાયની ફરિયાદ લઈને પીડિત મહિલા ગ્રામજનોની સાથે હઝારીબાગના સાંસદ મનીષ જાયસવાલના સેવા કાર્યાલયે પહોંચી હતી. ત્યાં તેણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે પોલીસકર્મીઓએ તેની સાથે અત્યંત નિર્દયતાપૂર્વક વર્તન કર્યું છે. મહિલાએ જણાવ્યું કે પોલીસકર્મીઓ દ્વારા તેની દલિત જાતિને નિશાન બનાવીને જાતિસૂચક અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેના પર દબાણ બનાવીને ગેરકાયદેસર રીતે વસૂલાત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સાંભળીને સાંસદ મનીષ જાયસવાલે આ સમગ્ર ઘટના પર ઊંડો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આ કૃત્યને લોકશાહી માટે એક કલંક સમાન ગણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે પુરુષ પોલીસકર્મીઓ દ્વારા એક અસહાય મહિલા અને તેના નાના બાળક સાથે કરવામાં આવેલી આવી બર્બરતા કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં.
આ પણ વાંચો: ઉનાના નેસડામાં જમીન માટે ભાઈઓએ બહેનનું ગળું દબાવી હત્યા કરી

DIG સમક્ષ રજૂઆત કરવામાં આવી
મામલાની ગંભીરતાને સમજીને સાંસદ મનીષ જાયસવાલ પોતે પીડિતાને ન્યાય અપાવવા માટે ડીઆઈજી અંજની ઝાના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે ડીઆઈજીને પોલીસકર્મીઓના આ અમાનવીય કૃત્યથી માહિતગાર કર્યા અને માંગ કરી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિત પોલીસકર્મીઓ સામે તાત્કાલિક અસરથી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. તેમણે રજૂઆત કરી કે જો પોલીસ જ આ પ્રકારે કાયદાની મર્યાદા ઓળંગીને ખાખીનો દુરુપયોગ કરશે, તો સામાન્ય જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે. પીડિત મહિલાએ પણ પોતાની ફરિયાદ અને આપવીતી અંગે ડીઆઈજીને લેખિતમાં આવેદનપત્ર સોંપ્યું છે.
સાંસદે આંદોલનની ચીમકી ઉચ્ચારી
ડીઆઈજી અંજની ઝાએ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા પીડિતાને આશ્વાસન આપ્યું છે કે આ ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે તપાસમાં જે પણ પોલીસકર્મીઓ દોષિત જણાશે, તેમની સામે કડક વિભાગીય અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે. બીજી બાજુ, સાંસદ મનીષ જાયસવાલે વહીવટીતંત્રને કડક ચેતવણી આપી છે કે જો આ મામલામાં તપાસમાં કોઈ કચાશ રાખવામાં આવશે અથવા પીડિતાને ન્યાય આપવામાં વિલંબ થશે, તો તેઓ આ અન્યાય સામે મજબૂત જન આંદોલન છેડવા માટે તૈયાર છે. હાલમાં આ કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસની કાર્યપ્રણાલી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો: “તમારી ઔકાત છે મારી હોટલની ખુરશી પર બેસીને સમોસા ખાવાની?”











