દલિત યુવક મહાકાળી મંદિરમાં પૂજા કરવા ગયો ત્યાં શું બન્યું?

દલિત યુવક મહાકાળીના મંદિરમાં પૂજા કરવા માટે ગયો હતો. જેની જાણ ગામના જાતિવાદી તત્વોને થઈ ગઈ. એ પછી જે થયું તે ચોંકાવનારું હતું.
ballia dalit man assaulted

દલિત સમાજના લોકો પર જાતિવાદી તત્વો દ્વારા હિંદુ ધર્મના નામે સતત અત્યાચારો થતા રહે છે. પરંતુ તેમ છતાં કેટલાક યુવકો સુધરવાનું નામ નથી લેતા. આવા યુવાનોનો સામનો જ્યારે અસલ જાતિવાદી તત્વો સાથે થાય છે ત્યારે તેમને તેઓ હિંદુ નથી તેનું ભાન થાય છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકને પોતે હિંદુ ન હોવાનું ભાન થયું હતું.

ઘટના યુપીના બલિયાની છે. અહીંના એક ગામમાં પોતે હિંદુ હોવાના વહેમમાં મહાકાળી મંદિરમાં પૂજા કરવા ગયેલા એક દલિત યુવકને જાતિવાદી સવર્ણ હિંદુઓએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. દલિત યુવકને જાતિવિષયક અપશબ્દો કહીને બેફામ માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને મંદિર પરિસરમાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ મામલે તેની ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

મંદિરમાં પૂજા કરવા બાબતે બે શખ્સોએ માર માર્યો

મળતી વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના બલિયા જિલ્લાના રસડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સરદાસપુર ગામની છે. આ ગામમાં આવેલા કાલી માતાના મંદિરમાં નગીના રામ નામના દલિત વ્યક્તિ રહે છે અને ત્યાં નિયમિતપણે પૂજા-અર્ચના કરે છે.
રવિવારે સાંજના સમયે નગીના રામ જ્યારે મંદિરમાં પૂજા કરવા ગયો હતો ત્યારે ગામના જ વિશાલ સિંહ અને અંકિત સિંહ નામના બે શખ્સો ત્યાં પહોંચ્યા હતા. મંદિરમાં દલિત યુવકની ઉપસ્થિતિ અને પૂજા કરવા બાબતે આ બંને શખ્સોએ તેમની સાથે તકરાર શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો: મુસ્લિમોને ભાજપ MLAએ કહ્યું, “પૈસા જોઈએ છે? તો ‘જયશ્રી રામ’ બોલો!”

જાતિવિષયક ગાળો ભાંડી ઢોર માર માર્યો

આરોપી વિશાલ સિંહ અને અંકિત સિંહે નગીના રામ પ્રત્યે ભારે જાતિવાદી માનસિકતા દર્શાવતા તેને અપમાનજનક જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. મામલો વધુ બિચકતાં બંને શખ્સોએ નગીના રામ પર હુમલો કરી દીધો હતો અને તેમને બેફામ માર માર્યો હતો.

ઘટના સમયે બોલાચાલી અને બૂમાબૂમ સાંભળીને નજીકના ખેતરમાં કામ કરી રહેલા ગામલોકો સ્થળ પર દોડી આવ્યા હતા. લોકો નજીક આવતા જ આરોપીઓએ પોતાની કરતૂતો છુપાવવા અને પીડિતને બંધક બનાવવાના ઈરાદાથી નગીના રામને મંદિર પરિસરની અંદર જ પૂરી દીધા હતા અને દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો: ‘લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી

આટલેથી જ મામલો અટક્યો નહોતો. મંદિર પરિસરમાંથી જેમ તેમ કરીને મુક્ત થયા બાદ નગીના રામ પોતાના ઘરે પહોંચ્યો એ પછી બંને આરોપીઓ તેના ઘરે પણ પહોંચી ગયા હતા. ત્યાં પણ તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો અને જો આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરશે અથવા મંદિરમાં ફરીથી પૂજા કરવા જશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. એ પછી નગીના રામે હિંમત ભેગી કરીને સીધા રસડા પોલીસ સ્ટેશન પહોંચીને અત્યાચારની લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે BNS અને SC-ST એક્ટ હેઠળ નોંધ્યો ગુનો

પીડિત નગીના રામની ફરિયાદના આધારે રસડા થાણા પોલીસે રવિવારે મોડી રાત્રે આરોપી વિશાલ સિંહ અને અંકિત સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તેમજ SC-ST Act હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

રસડા પોલીસ સ્ટેશનના પ્રભારી સુશીલ કુમારે ઘટનાની ખાતરી કરતા જણાવ્યું હતું કે, પીડિતની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળની તપાસ અને સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસમાં સામે આવનારા તથ્યોના આધારે આરોપીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘લવ જેહાદ કેમ ફેલાવે છે?’ કહી મુસ્લિમ શિક્ષકની ગોળી મારી હત્યા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x