ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. જે અંતર્ગત ભાજપના (BJP) પંજાબ એકમ દ્વારા રવિવાર, 14 જૂનના રોજ ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. દેશના તમામ રાજ્યોની સરખામણીએ પંજાબમાં અનુસૂચિત જાતિ (SC) સમાજની વસ્તી સૌથી વધુ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ પંજાબની કુલ વસ્તીમાં દલિત મતદારોનો હિસ્સો અંદાજે 31.9 (32 ટકા) જેટલો છે. આ નિર્ણાયક વોટબેંકને પક્ષ તરફ વાળવાના હેતુથી ભાજપે આ 8 દિવસીય વિશેષ પ્રવાસનું આયોજન કર્યું છે, જેમાં દલિત સમાજના લોકોને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને વારસા સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. પંજાબની આ ચૂંટણીમાં દલિત મતો મેળવવા માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપે આ યાત્રા દ્વારા સીધો દલિત કાર્ડ રમીને વિપક્ષો સામે મોટો પડકાર ફેંક્યો છે.
યાત્રાનું પ્રસ્થાન અને સંચાલન કેવી રીતે થશે
પંજાબ ભાજપના ચંદીગઢ સ્થિત મુખ્ય મથકેથી પંજાબના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આશરે 150 યાત્રીકોને લઈને ત્રણ બસોને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. આ પ્રવાસનો તમામ આર્થિક ખર્ચ પંજાબ ભાજપ દ્વારા વહન કરવામાં આવશે અને યાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ પક્ષ દ્વારા જ કરવામાં આવી છે. પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોને આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ડૉ. આંબેડકરના જીવન, સંઘર્ષ અને ભારતીય બંધારણમાં તેમના પ્રદાનથી પરિચિત કરાવવાનો છે. આ કોઈ એક વખતનો કાર્યક્રમ નથી પરંતુ તે સતત ચાલનારો લોકસંપર્ક કાર્યક્રમ છે. પંજાબ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને નિવૃત્ત આઈએએસ (IAS) અધિકારી એસ.આર. લાધડે સ્પષ્ટ કર્યું હતું કે, પક્ષ દ્વારા દર બે મહિને દલિત સમાજના લોકો માટે આવી ત્રણ બસો મોકલવામાં આવશે જેથી કરીને મહત્તમ લોકોને આ પવિત્ર સ્મૃતિસ્થળોના દર્શનનો લાભ મળી શકે.

આ પણ વાંચોઃ ભાજપ ધારાસભ્યે દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો!
ਭਾਰਤ ਦੇ ਸੰਵਿਧਾਨ ਨਿਰਮਾਤਾ, ਬਾਬਾ ਸਾਹਿਬ ਡਾ. ਭੀਮ ਰਾਓ ਅੰਬੇਡਕਰ ਜੀ ਦੇ ਜੀਵਨ ਅਤੇ ਸੰਘਰਸ਼ ਨਾਲ ਜੁੜੇ 5 ਪਵਿੱਤਰ ਅਤੇ ਇਤਿਹਾਸਕ ਸਥਾਨਾਂ ਦੀ ਯਾਤਰਾ ਲਈ ਬੱਸਾਂ ਨੂੰ ਭਾਜਪਾ ਪੰਜਾਬ ਦੇ ਸੂਬਾ ਪ੍ਰਧਾਨ ਸ. ਕੇਵਲ ਸਿੰਘ ਢਿੱਲੋਂ ਜੀ ਵੱਲੋਂ ਹਰੀ ਝੰਡੀ ਦਿਖਾ ਕੇ ਰਵਾਨਾ ਕੀਤਾ ਗਿਆ। ਇਹ ਯਾਤਰਾ ਬਾਬਾ ਸਾਹਿਬ ਦੇ ਜੀਵਨ, ਵਿਚਾਰਾਂ ਅਤੇ ਸਮਾਜ ਨੂੰ… pic.twitter.com/xMOsBFMUi7
— Sucha Ram Ladhar (@SRLadhar) June 14, 2026
પંચ તીર્થની વિભાવના અને ઐતિહાસિક સ્થળો
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘પંચ તીર્થ’ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા પાંચ સૌથી મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ થાય છે. ભાજપ આ સ્થળોના માધ્યમથી દલિત સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે જેમ કે,
મહૂ (મધ્ય પ્રદેશ): ડૉ. આંબેડકરનું જન્મસ્થળ (ઇન્દોર જિલ્લો), જ્યાં તેમનું ભવ્ય સ્મારક બનાવાયું છે.
દીક્ષાભૂમિ (નાગપુર, મહારાષ્ટ્ર): જ્યાં બાબાસાહેબે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

મહાપરિનિર્વાણ સ્થળ (દિલ્હી): અલીપુર રોડ સ્થિત આ તે સ્થાન છે જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ચૈત્યભૂમિ (મુંબઈ, મહારાષ્ટ્ર): દાદર ચોપાટી સ્થિત તે પવિત્ર સ્થળ જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
લંડન (યુકે): તે ઐતિહાસિક નિવાસસ્થાન જ્યાં તેઓ ઉચ્ચ અભ્યાસ દરમિયાન એક વિદ્યાર્થી તરીકે રહ્યા હતા.
ભાજપના નેતૃત્વ અનુસાર, કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ પાંચેય સ્થળોના સંરક્ષણ અને આધુનિક વિકાસ માટે રૂ. 2000 કરોડથી વધુનો ખર્ચ કરીને ભવ્ય સ્મારકો અને સંગ્રહાલયો વિકસાવવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન શ્રદ્ધાળુઓ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેશે, જ્યારે લંડન સ્થિત આંબેડકર નિવાસસ્થાનનો ‘વર્ડ વર્ચ્યુઅલ ટૂર’ (ડિજિટલ માધ્યમથી) ખાસ લાઈવ સ્ક્રીન પર કરાવવામાં આવશે.
આ પણ વાંચોઃ ભાજપની રાજપૂત મહિલા નેતા નકલી SC સર્ટિફિકેટ પર મંત્રી બની ગઈ?
તીર્થ યાત્રા પાછળ ભાજપનું ગણિત શું છે?
રાજકીય વિશ્લેષકોના મતે, પંજાબની ચૂંટણીમાં 32 ટકા દલિત મતો નિર્ણાયક સાબિત થાય છે અને અગાઉ પણ દલિત મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે આ વોટબેંક સાચવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપની આ પંચ તીર્થ યાત્રા એવા સમયે શરૂ થઈ છે જ્યારે પંજાબની વર્તમાન આમ આદમી પાર્ટીની સરકાર પહેલાથી જ રાજ્યમાં ‘મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના’ ચલાવી રહી છે. નવેમ્બર 2023માં 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે શરૂ થયેલી અને પાછળથી જાન્યુઆરી 2025માં 50 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે વિસ્તૃત કરાયેલી આ સરકારી યોજનામાં મુખ્યત્વે હિન્દુ અને શીખ સમાજના ધાર્મિક સ્થળોની મફત યાત્રા કરાવવામાં આવે છે.
શું પંજાબના દલિતો તીર્થ યાત્રાના નામે ભાજપને મત આપી દેશે?
તેની સામે ભાજપની આ વ્યુહાત્મક પહેલ સરકારી યોજના કરતા સંપૂર્ણપણે અલગ છે, જે માત્ર અને માત્ર દલિત સમાજને કેન્દ્રમાં રાખીને ડૉ. આંબેડકરના સ્મૃતિસ્થળો પર આધારિત રાષ્ટ્રીય ઓળખ પૂરી પાડે છે. ભાજપ પંજાબમાં અગાઉ અકાલી દળ સાથે ગઠબંધનમાં નાનો ભાઈ બનીને ચૂંટણી લડતી હતી, પરંતુ હવે સ્વતંત્ર રીતે પગભર થવા માટે આ મોટી વોટબેંક પર સીધો કબ્જો કરવા માંગે છે. આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે કે ભાજપની આ સાંસ્કૃતિક અને રાજકીય વ્યુહરચના પંજાબના 32 ટકા દલિત મતો મેળવવામાં કેટલી સફળ સાબિત થઈ છે.
આ પણ વાંચોઃ નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!











