ભાજપ ધારાસભ્યે દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો!

ભાજપના જાતિવાદી ધારાસભ્યે દલિત આસિસ્ટન્ટ એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢીંકાપાટુ અને પાઈપ વડે ઢોર માર માર્યો. એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી.
Ai Image

જયપુર: ભાજપના નેતાઓ ચૂંટણી વખતે દલિતોના મતો લેવા માટે ડો.આંબેડકરને હારતોરા કરી જય ભીમ બોલી દલિતોને રિઝવવા મથતા હોય છે, તેમના ઘેર જઈને ભોજન કરતા હોય છે, પરંતુ ચૂંટણી પુરી થતા જ તેમના અસલ મનુવાદી-જાતિવાદી રંગમાં આવી જતા હોય છે. આવી જ એક ઘટનામાં ભાજપના એક ધારાસભ્યે એક દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે.

મામલો રાજસ્થાનનો છે. અહીંના શ્રીગંગાનગરમાં રાજસ્થાન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (RUIDP) ના આસિસ્ટન્ટ એન્જિનિયર જગનલાલ બૈરવાએ ભાજપના ધારાસભ્ય જયદીપ બિહાણી પર ઓફિસે બોલાવીને ઢોર માર મારવાનો અને જાતિસૂચક અપશબ્દો કહી અપમાનિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટનાને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે અને વહીવટી સ્તરે પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

સેવા કેન્દ્રમાં બોલાવી ઢોર માર માર્યો

દલિત સમાજમાંથી આવતા એન્જિનિયર જગનલાલ બૈરવાએ મીડિયા સમક્ષ રજૂ થઈને પોતાની ઈજાઓ બતાવી સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે શુક્રવારે સવારે ધારાસભ્ય જયદીપ બિહાણીના મોબાઈલ પરથી તેમને ફોન આવ્યો હતો અને તાત્કાલિક ધારાસભ્યના સેવા કેન્દ્ર પર પહોંચવા આદેશ અપાયો હતો.

આ પણ વાંચો: બુંદેલખંડમાં સેંકડો આદિવાસી મહિલાઓ હક માટે ચિતા પર બેઠી

બૈરવા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ધારાસભ્યએ કોઈ પણ જાતની વાતચીત કર્યા વિના તેમના પર હુમલો કરી દીધો હતો. ધારાસભ્યએ તેમને પાઇપ વડે બેરહેમીથી ફટકાર્યા હતા અને લાતો મારી હતી. આ હુમલામાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. એન્જિનિયરે વધુમાં આક્ષેપ કર્યો છે કે પોલીસ સમક્ષ રજૂ થતા પહેલા તેમની ઈજાના નિશાનો છુપાવવા માટે તેમને બળજબરીથી નવો શર્ટ પહેરાવવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રીએ તપાસની માંગ કરી

આ મામલો સામે આવતા જ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયા અને નિવેદન દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગેહલોતે આ ઘટનાને અત્યંત ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે વિશેષ ભાર મૂકતા કહ્યું કે, પીડિત અધિકારી દલિત સમાજના હોવાથી આ હુમલો વધુ સંવેદનશીલ બની જાય છે. રાજ્યમાં સરકારી અધિકારીઓએ પોતાની સુરક્ષા માટે મીડિયા સમક્ષ આવીને રડવું પડે તે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સૂચવે છે. તેમણે રાજ્ય સરકાર પાસે આ મામલે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાવી દોષિતોને સજા અપાવવા માંગ કરી છે.

આ પણ વાંચો: ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી

એન્જિનિયર પરિષદની આંદોલનની ચીમકી

બીજી તરફ, રાજસ્થાન ડિપ્લોમા એન્જિનિયર્સ કાઉન્સિલે આ ઘટનાની ઉગ્ર નિંદા કરી છે. કાઉન્સિલના પદાધિકારીઓએ જણાવ્યું કે મીટિંગના બહાને બોલાવીને એન્જિનિયર સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવ્યું છે તે અસહ્ય છે. જો ધારાસભ્ય અને તેમના સમર્થકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યના એન્જિનિયરો કામકાજ ઠપ કરી આંદોલન કરવા મજબૂર બનશે. આ દરમિયાન એલએન્ડટીના મેનેજર શહનવાઝ હસન અને એન્જિનિયર સોહમ પરમારે પણ મીડિયા સમક્ષ ધારાસભ્યના પક્ષપાતી વલણ અને દબંગાઈની ટીકા કરી છે.

ધારાસભ્યે એન્જિનિયર સામે ફરિયાદ નોંધાવી

ધારાસભ્ય જયદીપ બિહાણીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે પણ અધિકારીઓ પર મારપીટ અને ગેરવર્તણૂકનો આરોપ લગાવીને વળતી ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યના મતે લોકસુનાવણી દરમિયાન અધિકારીઓએ બેજવાબદારીભર્યું વર્તન કર્યું હતું. હાલમાં શ્રીગંગાનગરમાં તપાસ એજન્સીઓ બંને પક્ષના પુરાવાઓ ચકાસી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર રાજકારણીઓ અને સરકારી બાબુઓ વચ્ચેના સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે.

આ પણ વાંચો: જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x