જૂનાગઢમાં એક માનવભક્ષી સિંહણને બેભાન કરવા માટે વપરાતું ઝેરી ઈન્જેક્શન વનકર્મીને વાગી જતા તેનું મોત થઈ ગયું છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે, જેમાં સિંહણનું ઈન્જેક્શન વનકર્મી લાગી જતા તેનું મોત થયું હોય.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે રવિવારે ચાર વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો હતો. ઘટનાના પગલે વનવિભાગની ટીમે સિંહણને પાંજરે પુરવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની ટ્રેન્ક્યુલાઈઝર ગન સાથેની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
તુવેરના એક ખેતરમાં વનવિભાગનો સ્ટાફ જ્યારે પાંજરું ગોઠવી રહ્યા હતા ત્યારે જ ત્યાં સિંહણ ચડી આવતા ટ્રેન્ક્યુલાઈઝર ટીમ દ્વારા ફાયર કરાયું હતું. જો કે, ઈન્જેકશન સિંહણને લાગવાના બદલે ઘટનાસ્થળ પર હાજર વનવિભાગના ટ્રેકર અશરફ અલારખાને લાગતા સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા. કદાવર પ્રાણીને બેભાન કરવા માટે વપરાતા ઝેરનું ઈન્જેકશન વનકર્મીને લાગતા સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં જ મોત નિપજ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં બનેલી આ ઘટના કદાચ ઈતિહાસની પ્રથમ ઘટના છે કે, જેમાં ટ્રેન્ક્યુલાઈઝર ગનના મિસ ફાયરથી કોઈ વનકર્મીનું મોત નિપજ્યું હોય.
આ પણ વાંચો: ‘સવર્ણો અમારા અધિકારો છીનવે છે, અલગ મતદાર યાદી આપો’
1 જાન્યુઆરીએ વહેલી સવારે નાની મોણપરી ગામની સીમમાં મજૂરી કામ કરતા પરિવારના 4 વર્ષના બાળક પર એક સિંહણે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ માનવભક્ષી બનેલી સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. સાંજના સમયે જ્યારે સિંહણ તુવેરના ખેતરમાં હોવાની જાણ થઈ, ત્યારે તેને બેભાન કરવા માટે વન વિભાગની ટીમ દ્વારા ટ્રાન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વન વિભાગના કર્મચારીએ જણાવ્યા મુજબ ગઈકાલે 4 વાગ્યાની આસપાસ જે તુવેર વાળેલું ખેતર હતું તેમાં સિંહણ છુપાઈ હોવાની જાણ થઈ હતી, ત્યાં વન વિભાગ નો 30 થી વધુ અધિકારી કર્મચારીનો સ્ટાફ પહોંચ્યો હતો જેમાં રેસ્ક્યુ ટીમ પણ હતી. જ્યાં ખેતરમાં સિંહણ દેખાય હતી અને ટ્રેકર અશરફ અને વન વિભાગના અન્ય કર્મચારીઓ પણ ત્યાં જ હતા.
આ પણ વાંચો: દલિત અધિકારી પર હુમલો કરનાર ભાજપ નેતાનું સ્વાગત કરાયું
જ્યાં રેસ્ક્યુ ટીમ પાસે ટ્રેન્ક્યુલાઇઝર ગન હતી જેનાથી ફાયર કરાયું હતું અને સિંહણના બદલે ટ્રેન્ક્યુલાઇઝરનો ગન સોટ મૃતક અશરફના ડાબા હાથના સોલ્ડર પર લાગ્યો હતો.
ઘટના બનતા ત્યાં બૂમાબૂમ થતા તમામ વન વિભાગનો સ્ટાફ ટ્રેકર પાસે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે વિસાવદરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: દલિત કિશોરને ચોર સમજી ગુંડાઓએ વીજળીના ઝટકા આપ્યા











