RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?

દુનિયાની સૌથી મોટી NGO હોવાનો દાવો કરતું RSS સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવતા કેમ ડરે છે? જાણો ત્રણ વખત લાગેલા પ્રતિબંધો અને સંઘની આ મજબૂરી પાછળનો ખેલ.
rss registration

કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગે(Priyank Kharge)એ RSS પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat)ને એક સવાલ પૂછ્યો કે RSS એ આજ સુધી પોતાનું રજિસ્ટ્રેશન(RSS registration) કેમ નથી કરાવ્યું? આ સવાલનો જવાબ સરળ છે. ભાગવત કહી શક્યા હોત કે હા, ભૂલ થઈ ગઈ, રજિસ્ટ્રેશન કરાવી લઈએ છીએ અથવા ટૂંક સમયમાં કરાવી લઈશું. પરંતુ સંઘ તરફથી આવો કોઈ જવાબ આવ્યો નથી. જે જવાબ આવ્યો છે તે માત્ર હાસ્યાસ્પદ જ નથી, પણ આપત્તિજનક પણ છે. મોહન ભાગવત કહે છે કે હિન્દુ ધર્મનું ક્યાં રજિસ્ટ્રેશન થયું છે? આ જવાબ અહંકારથી ભરેલો છે. આ એક ધૃષ્ટતા પણ છે અને કરોડો હિન્દુઓનું અપમાન પણ છે. ક્યાંય કોઈ ધર્મનું રજિસ્ટ્રેશન થાય ખરું?

RSS પોતાના અહંકારમાં ભૂલી ગયું કે સંઘ એ હિન્દુ ધર્મ નથી. અને જો તેને આવો ભ્રમ હોય તો તે ખૂબ જ જલદી દૂર થઈ જશે, કારણ કે હિન્દુ ધર્મમાં કોઈનો અહંકાર ટકતો નથી.

RSS નું રજિસ્ટ્રેશન કેમ જરૂરી?

RSS જો ભારતના બંધારણને માનતું હોય અને કાયદાની મર્યાદામાં રહીને પોતાના કાર્યો કરતું હોય, તો તેણે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. અંગ્રેજોના સમયમાં ન કરાવ્યું તો કોઈ વાંધો નહીં, પરંતુ આઝાદી પછી તો કરાવવું જ જોઈતું હતું. આ દેશનું બંધારણ કહે છે કે આ દેશ કાયદાથી ચાલશે. બંધારણ એવું પણ કહે છે કે જો અમુક લોકો એક સંગઠન બનાવીને કોઈ કામ કરવા માંગતા હોય, તો તેનું રજિસ્ટ્રેશન થવું જોઈએ જેથી ખબર પડી શકે કે તેમના કાર્યનો ઉદ્દેશ્ય શું છે, તેમના સભ્યો અને પદાધિકારીઓ કોણ છે?

આ પણ વાંચો: ‘RSS કાર્યકરો નાનપણથી મારો રેપ કરતા હતા, તેમનો વિશ્વાસ ન કરો!’

તેઓ કાયદાની કઈ કલમ હેઠળ પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે? સંગઠનમાં નાણાકીય લેવડદેવડ છે કે નહીં, અને જો છે તો તેનો હિસાબ-કિતાબ રાખવામાં આવે છે કે નહીં? જો ટેક્સ આપવો જરૂરી હોય તો ટેક્સ ચૂકવાય છે કે નહીં? કાયદાની નજરમાં કોઈપણ સંગઠન માટે આ બધું જરૂરી છે. પરંતુ સંઘ, જે દુનિયાનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરે છે, જેના વિશે લાલ કિલ્લાની દીવાલો પરથી વડાપ્રધાન કહે છે કે RSS દુનિયાનું સૌથી મોટું એનજીઓ (NGO) છે, તે પોતે એવું કહે છે કે તે એક સંગઠન છે એ દુનિયાનું સૌથી મોટું જૂઠાણું છે, તે કોઈ એનજીઓ નથી.

વ્યક્તિઓના સમૂહ’ની દલીલ કેમ?

હવે કોણ જૂઠું બોલી રહ્યું છે, તે જણાવવાની જરૂર નથી. સંઘ, જે પોતાની સંગઠન ક્ષમતા પર ગર્વ કરે છે, જેનાથી લાખો-કરોડો લોકો જોડાયેલા છે, જે પચાસથી વધુ અન્ય સંસ્થાઓ ચલાવે છે, જેનું એક સુવિચારિત અને સુવ્યવસ્થિત માળખું છે, જેમાં વડાથી લઈને સૌથી નીચલા સ્તરની વ્યક્તિનું કાર્ય નક્કી છે, તે એવું કહે છે કે તે સંગઠન નથી, તે માત્ર ‘વ્યક્તિઓનો સમૂહ’ છે. હવે એવું કોણ માનશે કે RSS માત્ર વ્યક્તિઓનો સમૂહ છે, જેઓ રોજ મળે છે અને ચાલ્યા જાય છે. એટલે કે, જે RSS વાસ્તવમાં સંગઠનનો પર્યાય છે, જેની પાસેથી આખી દુનિયાએ શીખવું જોઈએ કે સંગઠન કેવી રીતે બને છે, કેવી રીતે ચલાવવામાં આવે છે, સંગઠન કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે પોતાના પદાધિકારીઓ અને કાર્યકરોમાં શિસ્તના પ્રાણ પૂરે છે, તે પોતે જ કહે છે કે તે સંગઠન નથી. હવે આને જૂઠ ન કહેવાય તો શું કહેવાય? સવાલ એ ઊભો થાય છે કે RSS પોતાને સંગઠન કેમ નથી માનતું?

આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?

RSS ના આ જૂઠાણામાં તેની પીડા પણ છુપાયેલી છે અને તેની મજબૂરી પણ. આરએસએસનો મૂળ ઉદ્દેશ્ય હિન્દુઓને એક કરવાનો છે. તે માને છે કે હિન્દુ ક્યારેય એક ન રહ્યો હોવાથી તે સદીઓ સુધી ગુલામ રહ્યો છે. જ્ઞાતિઓમાં વહેંચાયેલા હિન્દુઓને એક કરવા માટે સંઘને એક શત્રુની જરૂર પડે છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓમાં તે શત્રુ શોધી લે છે અને તેમનો ડર બતાવીને હિન્દુઓને એકજૂથ કરવાનો પ્રયાસ કરે છે. સંઘના બીજા પ્રમુખ એમ. એસ. ગોલવલકરે ‘બંચ ઓફ થોટ્સ’ નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે હિન્દુસ્તાનના ત્રણ દુશ્મનો છે- મુસ્લિમ, ખ્રિસ્તી અને સામ્યવાદી (કોમ્યુનિસ્ટ). હવે મોહન ભાગવત કહે છે કે સંઘે ગોલવલકરના પુસ્તકમાંથી આ હિસ્સો હટાવી દીધો છે કારણ કે તે ગોલવલકર અને સંઘના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતો. ઠીક છે.

સંઘના ચરિત્રને સરદાર પટેલે ખુલ્લું પાડ્યું હતું

સંઘના આ ચરિત્રને ખુદ સરદાર પટેલે ખુલ્લું પાડ્યું હતું. 11 સપ્ટેમ્બર 1948ના રોજ પટેલે ગોલવલકરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે- “હિન્દુઓને એક કરવા અને તેમની મદદ કરવી એ એક વાત છે, પરંતુ તેમની તકલીફો માટે નિર્દોષ અને અસહાય પુરુષો, મહિલાઓ અને બાળકો પર બદલો લેવો એ બીજી વાત છે. તેમના તમામ ભાષણો સાંપ્રદાયિક ઝેરથી ભરેલા હોય છે. હિન્દુઓમાં ઉત્સાહ ભરવા અને સુરક્ષા માટે તેમને સંગઠિત કરવા માટે ઝેર ફેલાવવું જરૂરી નહોતું. આ ઝેરના પરિણામે દેશે ગાંધીજીના અમૂલ્ય જીવનના બલિદાનનું દર્દ સહન કરવું પડ્યું.’ ગાંધીજીની હત્યા પછી સંઘના લોકોએ મીઠાઈ વહેંચી હતી અને RSS પર પટેલે પ્રતિબંધ મૂક્યો હતો.

ગોલવલકર અને હજારો કાર્યકરોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જો કે એ પણ સત્ય છે કે ગાંધીજીની હત્યામાં આરએસએસનો હાથ હતો તેવા પુરાવા ક્યારેય મળ્યા નથી. પટેલ કોંગ્રેસમાં હોવા છતાં અને ગાંધીજીના કટ્ટર અનુયાયી હોવા છતાં RSS પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા. તેમ છતાં તેમણે સંઘ પર પ્રતિબંધ કેમ મૂક્યો? કારણ કે સંઘની પ્રવૃત્તિઓ દેશ અને સમાજ માટે જોખમી હતી.

આ પણ વાંચો: શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?

આ સિવાય સંઘ પર બીજી બે વાર પ્રતિબંધ લાગ્યો હતો. 1975 માં ઇન્દિરા ગાંધીએ કટોકટી (ઇમરજન્સી) લાદવાની સાથે સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇન્દિરા ગાંધીની પ્રશંસા અટલ બિહારી વાજપેયી અને સંઘના પ્રમુખ બાળાસાહેબ દેવરસ પણ કરતા હતા. જેલમાંથી દેવરસે ઇન્દિરાની પ્રશંસામાં પત્ર લખ્યો હતો.

નરસિંહ રાવે કેમ પ્રતિબંધ મૂક્યો હતો?

આ જ રીતે પી. વી. નરસિંહ રાવે પણ 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. બાબરી વિધ્વંસના દિવસને લાલકૃષ્ણ અડવાણી પોતાના જીવનની સૌથી દુઃખદ ઘટના ગણાવે છે અને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું કે આ એક ગુનાહિત કૃત્ય હતું. બાબરી મસ્જિદને તોડવાનું કામ સંઘના લોકોએ કર્યું હતું, તે પ્રત્યેક વ્યક્તિ જાણે છે. આખી યોજના સંઘના લોકોએ તૈયાર કરી હતી અને એટલા માટે સંઘ પર ત્રીજી વખત પ્રતિબંધ મૂકાયો હતો.

રસપ્રદ વાત એ છે કે નરસિંહ રાવ પણ RSS ના દુશ્મન નહોતા. તેઓ સંઘ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા. તેથી સંઘના લોકો પણ નરસિંહ રાવ પ્રત્યે નરમ વલણ રાખે છે. તેઓ સોનિયા-રાહુલની તીખી ટીકા કરે છે પરંતુ નરસિંહ રાવને બક્ષી દે છે. એટલે કે પટેલ, ઇન્દિરા અને રાવ, ત્રણેય ક્યાંક ને ક્યાંક સંઘ પ્રત્યે નરમ વલણ ધરાવતા નેતાઓ હતા, છતાં તેમણે સંઘ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. કેમ?

આ પણ વાંચો: RSSએ દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા મોહન ભાગવતને ફરિયાદ

અને જે સંગઠન પર ત્રણ વાર પ્રતિબંધ લાગી ચૂક્યો હોય, તે હંમેશા એવો પ્રયાસ કરે છે કે તેની કોઈ પણ પ્રવૃત્તિ કાગળ પર ન હોય, જેથી કોઈ પુરાવા ન મળે. જો તે રજિસ્ટ્રેશન કરાવશે, તો તેણે પોતાના કાર્યકરો અને પદાધિકારીઓનું રજીસ્ટર રાખવું પડશે અને જો આ કાર્યકરો ક્યારેય ખોટું કામ કરતા કે કાયદા વિરોધી પ્રવૃત્તિઓ કરતા પકડાઈ જાય, તો RSS એવું નહીં કહી શકે કે તે તેમનો કાર્યકર નથી. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આ સુવિધા નહીં રહે.

મને હજુ પણ આશા નથી કે સંઘ કર્ણાટક સરકારના દબાણમાં રજિસ્ટ્રેશન માટે તૈયાર થઈ જશે. તે વાતને ટાળવાનો પ્રયાસ કરશે. કેન્દ્રમાં તેમની સરકાર છે, તેથી કર્ણાટક સરકાર એક મર્યાદાથી વધુ સંઘને મજબૂર પણ કરી શકે નહીં. પરંતુ લોકોના મનમાં આ સવાલ તો રહી જ જશે કે જે દુનિયાનું સૌથી મોટું સંગઠન છે, તે પોતાને સંગઠન કેમ નથી માનતું? આ જૂઠ કેમ બોલવામાં આવે છે? સંઘ કેમ સત્ય બોલવાથી ભાગે છે? કંઈક તો ગરબડ છે.

(વરિષ્ઠ પત્રકાર આશુતોષે આ લેખ હિન્દીમાં લખ્યો છે, જેનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે)

આ પણ વાંચો: ‘તારા તો પગ ભાંગવાના છે!’ ખનન માફિયાઓની દલિત મહિલાને ધમકી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x