અમદાવાદ: ભારત એક બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ છે, જ્યાં બંધારણ મુજબ સરકારી સંસ્થાઓએ તમામ ધર્મોથી સમાન અંતર જાળવવાનું હોય છે. જોકે, 16 એપ્રિલના રોજ આકાશવાણી અમદાવાદના 77મા સ્થાપના દિવસ નિમિત્તે આ બંધારણીય મર્યાદાઓનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સંસ્થાના 77 વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત, સરકારી પરિસરમાં કોઈ એક ચોક્કસ ધર્મની ધાર્મિક વિધિ એટલે કે ‘ગાયત્રી હવન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ પ્રસાર ભારતીના તટસ્થ વહીવટ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને સેક્યુલર માળખા સામે પડકાર ફેંક્યો છે.
આકાશવાણી અમદાવાદમાં મનુવાદીઓનો કબ્જો!
આકાશવાણી અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી એક જ પ્રકારની વિચારધારા અને ચોક્કસ જાતિના લોકોનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષોથી અહીં અડિંગો જમાવીને બેઠેલા કર્મચારીઓ અને અધિકારીઓની બહુમતીને કારણે સંસ્થાની કાર્યશૈલીમાં ‘મનુવાદી માનસિકતા’ હાવી થઈ રહી છે. સ્થાપના દિવસ જેવા પ્રસંગો જે લોકસેવા, પ્રસારણના આદર્શો અને શ્રોતાઓના મનોરંજનને સમર્પિત હોવા જોઈએ, તેને ચોક્કસ ધર્મના ધાર્મિક પ્રચારના મંચમાં ફેરવી દેવામાં આવ્યા છે. સરકારી કચેરી એ કોઈ ખાનગી રહેણાંક કે ધર્મશાળા નથી જ્યાં શાસકીય પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને આવા સાંપ્રદાયિક કાર્યક્રમો યોજી શકાય. આ ઘટના દર્શાવે છે કે સંસ્થામાં હવે નિયમો કરતા વ્યક્તિગત આસ્થા અને જ્ઞાતિવાદનું જોર વધી ગયું છે.

આ પણ વાંચો: ધોળકાની દલિત સગીરા પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ
વહીવટી તંત્રની નિષ્ફળતા અને ઉચ્ચ અધિકારીઓનું મૌન
આ વિવાદમાં સૌથી વધુ આઘાતજનક બાબત નેતૃત્વની ભૂમિકા છે. આકાશવાણી અમદાવાદના વડા ચૌહાણ સાહેબ, કાર્યક્રમ વિભાગના વડા હિતેશ મવાણી અને RNUના વડા ચિરાગ ભોરાણીયાની સીધી દેખરેખ અને હાજરીમાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. સવાલ એ ઉઠે છે કે, શું આ જવાબદાર અધિકારીઓ ભારત સરકારના ‘સેક્યુલર’ પ્રોટોકોલ અને પ્રસાર ભારતીના દિશાનિર્દેશોથી અજાણ છે? જ્યારે કોઈ સરકારી સંસ્થામાં કોઈ એક ચોક્કસ ધર્મના કર્મકાંડને સત્તાવાર દરજ્જો આપવામાં આવે છે, ત્યારે તે સંસ્થામાં કાર્યરત અન્ય ધર્મો, સંપ્રદાયો અને વિચારધારા ધરાવતા કર્મચારીઓમાં અસલામતી અને ભેદભાવનો અનુભવ કરે છે. આ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા છે કે તેઓએ એક સરકારી ભવનને ધાર્મિક અખાડો બનતા રોક્યું નહીં.
એક દલિત અધિકારીએ જ મંજૂરી આપતા આશ્ચર્ય
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે સંસ્થાના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન એક મહત્વના અધિકારી પોતે દલિત સમાજમાંથી આવે છે. જે બંધારણે દલિતો, પછાતો અને વંચિતોને મનુવાદી અન્યાય સામે રક્ષણ આપ્યું અને દેશને ધર્મનિરપેક્ષતાનો માર્ગ બતાવ્યો, તે જ બંધારણીય પદ પર રહીને આ અધિકારીએ આવા પૂર્વગ્રહયુક્ત અને ધાર્મિક કાર્યક્રમને મંજૂરી કઈ રીતે આપી? શું આ ઉચ્ચ જ્ઞાતિના અધિકારીઓનું વહીવટી દબાણ છે કે પછી સ્થાપિત હિતોની સામે લળી જવાની લાચારી? આ પ્રશ્ન અત્યારે બૌદ્ધિકો અને કર્મચારી આલમમાં તીવ્ર ચર્ચાનો વિષય બન્યો છે. શું તેઓ ભૂલી ગયા કે સરકારી મંચ પરથી કોઈ એક ધર્મનો પ્રચાર કરવો એ બંધારણના આત્મા સાથે દ્રોહ છે?
આ પણ વાંચો: વીરમગામના વનથળ ગામે 14મી એપ્રિલે ભવ્ય લાયબ્રેરી ખુલ્લી મુકાઈ

આકાશવાણી અમદાવાદમાં લોકશાહી મૂલ્યોનું પતન!!
આકાશવાણી જેવી સંસ્થા જેનો ઉદ્દેશ્ય ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ છે, ત્યાં માત્ર એક વર્ગની આસ્થાને પ્રોત્સાહન આપવું એ લોકશાહીના પતન સમાન છે. 77 વર્ષ સુધી જે તટસ્થતાની પરંપરા જળવાઈ રહી હતી તેને તોડીને નવી ‘ધાર્મિક મનમાની’ શરૂ કરવી એ ભવિષ્યમાં અત્યંત ખતરનાક ચીલો ચાતરી શકે છે. જો આજે ગાયત્રી હવનને મંજૂરી અપાઈ છે, તો આવતીકાલે અન્ય ધર્મોના કર્મચારીઓ પણ પોતાની ધાર્મિક વિધિઓ માટે કચેરીના પરિસરનો ઉપયોગ કરવાની માંગ કરશે, ત્યારે વહીવટી તંત્ર પાસે કયો નૈતિક જવાબ હશે?
આકાશવાણીમાં પૂર્વગ્રહયુક્ત માનસિકતા હાવી
આ ઘટના સાબિત કરે છે કે આકાશવાણી અમદાવાદમાં વહીવટી શિસ્ત અને દેશના કાયદા કરતાં પૂર્વગ્રહયુક્ત માનસિકતા વધુ બળવાન બની છે. આ માત્ર એક હવન નથી, પરંતુ સરકારી તંત્ર પર એક ચોક્કસ વિચારધારાના અતિક્રમણની શરૂઆત છે. પ્રસાર ભારતી અને કેન્દ્ર સરકારના માહિતી વિભાગે આ બાબતની ત્વરિત અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ કે કયા નિયમ હેઠળ સરકારી કચેરીમાં હવન કુંડ પ્રગટાવીને સેક્યુલર ભારતની છબીને કલંકિત કરવામાં આવી.
આ પણ વાંચો: ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ











