ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં મંગળવારે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતીની ઉજવણી લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. મૈલાની પોલીસ સ્ટેશન હેઠળના મોતીપુર ગામમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાના વિવાદમાં પ્રતિમા ખંડિત થતા હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનોને આગ ચાંપી દીધી હતી.
ડૉ.આંબેડકરની પ્રતિમા છાનામાના તોડી પાડી
લખીમપુરના બાંકેગંજ બ્લોકમાં આવેલા મોતીપુર ગામમાં દલિતો અને બ્રાહ્મણોની વસ્તી વસે છે. 14મી એપ્રિલના અવસરે ભીમ આર્મી સમર્થિત ગૌતમ સમાજ દ્વારા ગામમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે, ગ્રામજનોએ વર્ષોથી ખાલી પડેલી બૌદ્ધ વિહારની જમીન પર ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરી હતી. પ્રતિમા સ્થાપિત કરાયા બાદ ગામના મોટાભાગના પુરુષો રેલીમાં જોડાઈ ગયા હતા અને સ્થળ પર માત્ર મહિલાઓ હાજર હતી.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષક લાકડા વીણવા મોકલે છે
આ દરમિયાન, બાંકેગંજની રહેવાસી ચંદા દેવી નામની મહિલાએ ડૉ.આંબેડકરની પ્રતિમાના સ્થાપનનો વિરોધ કર્યો અને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ મામલો ગરમાયો હતો.
ઝપાઝપીમાં પ્રતિમા ખંડિત થતા હિંસા ફાટી નીકળી
જ્યારે પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ પ્રતિમાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે ત્યાં હાજર દલિત મહિલાઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલી ખેંચતાણ અને ધક્કામુક્કીમાં ડૉ. આંબેડકરની પ્રતિમા જમીન પર પડી ગઈ હતી અને ખંડિત થઈ હતી. પ્રતિમા તૂટવાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો લાકડીઓ અને પથ્થરો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સવર્ણ મહિલાએ 200 દલિતો સામે ફરિયાદ નોંધાવી
ઉશ્કેરાયેલા ટોળાએ પ્રતિમા હટાવવાની ફરિયાદ કરનાર મહિલા ચંદા દેવીને નિશાન બનાવી હતી. ટોળાએ તેને ઘેરી લઈને ફટકારી હતી. પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, અંદાજે 200 લોકોના ટોળાએ તેના કપડાં ફાડી નાખ્યા હતા અને તેના પર પેટ્રોલ છાંટી તેને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જીવના જોખમે માનવ સાંકળ બનાવી તેને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી.

આ પણ વાંચો: 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ
ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસવાન સળગાવી દીધાં
પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો, જેની સામે ગ્રામજનોએ ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસામાં ગોલા સીઓ રમેશ તિવારી, નાયબ મામલતદાર ભાનુ પ્રતાપ સિંહ અને સંસારપુર ચોકી ઈન્ચાર્જની સરકારી ગાડીઓને નિશાન બનાવવામાં આવી હતી. ટોળાએ આ ગાડીઓમાં તોડફોડ કરી અને રસ્તાની વચ્ચે જ તેમને સળગાવી દીધી હતી. આ સિવાય અન્ય એક ખાનગી બોલેરો ગાડીને પણ પલટાવી દેવામાં આવી હતી. અંદાજે 5 કલાક સુધી ગામમાં અરાજકતાનો માહોલ રહ્યો હતો.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમા આસપાસ દબાણ કરાતા યુવકે અનોખી રીતે વિરોધ કર્યો
પોલીસે 8 લોકોની ધરપકડ કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલ અને એસપી ડૉ. ખ્યાતિ ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક વધારાની પોલીસ ફોર્સ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા ગ્રામ પ્રધાન વીરેન્દ્ર કાશીરામ સહિત 8 લોકોની નામજોગ ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે, જ્યારે 200 અજ્ઞાત લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
लखीमपुर खीरी जिले में अंबेडकर जयंती पर भयंकर बवाल हो गया.
भीमराव अंबेडकर की मूर्ति टूटने के बाद लोगों ने जमकर उत्पात मचाया.
📍यूपी pic.twitter.com/O5kImkywmc
— Ranvijay Singh (@ranvijaylive) April 14, 2026
એએસપી અમિત કુમાર રાયે જણાવ્યું હતું કે, “પ્રતિમા સ્થાપિત કરવા માટે કોઈ કાયદેસરની પરવાનગી નહોતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે.” હાલમાં ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણ હેઠળ છે.
આ પણ વાંચો: કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં













મંદિરો ઠેર ઠેર બની રહયાં છે ત્યાં કોઇ પરમિશન લેતું નથી અને દલિતોની જમીન ઉપર મંદિર બનાવી દેવાય છે ગેરકાયદેસર તો પણ સરકાર કે પોલીસ કોઈ પગલાં લેતી નથી ફકત બાબાસાહેબ ની પ્રતિમા લગાવવી હોય તો જ પરમિશન ની વાત કરવાની