મણિપુરમાં સશસ્ત્ર હુમલામાં ત્રણ કુકી આદિવાસીઓના મોત, ઘરો સળગાવાયા

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
Kuki tribals killed in armed attack in Manipur

મણિપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાની મોટી ઘટના સામે આવી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં આવેલા એક આદિવાસી ગામ પર અજાણ્યા હથિયારધારી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત કુલ ત્રણ સ્થાનિક નાગરિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. હુમલાખોરોએ આ દરમિયાન ગામના અનેક રહેણાંક મકાનોને આગને હવાલે કરી દીધા હતા, જેને કારણે સમગ્ર પંથકમાં ભારે તણાવ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

સ્થાનિક પોલીસના સત્તાવાર અહેવાલો અનુસાર, ભારે હથિયારોથી સજ્જ બદમાશોના એક જૂથે કાંગપોકપી જિલ્લાના લોઇબોલ ખુલ્લેન ગામને નિશાન બનાવીને અચાનક હુમલો કર્યો હતો. આ હુમલાના પ્રતિકારમાં ગામમાં હાજર બીજા સશસ્ત્ર જૂથ તરફથી પણ વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને સશસ્ત્ર જૂથો વચ્ચે આશરે અડધા કલાક સુધી સામસામે ભારે ફાયરિંગ ચાલ્યું હતું.

આ પણ વાંચો: માન્યવર કાંશીરામની એ 5 પ્રતિજ્ઞાઓ, જે હવે કોઈ પાળી શકે તેમ નથી

આ હિંસક અથડામણ અને ગોળીબારની ઝપેટમાં આવી જવાથી ત્રણ ગ્રામીણ આદિવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પોલીસ દ્વારા મૃતકોની સત્તાવાર ઓળખ લેતખોંગામ હાઓકિપ, તેમની પત્ની ટિનમેરી હાઓકિપ અને જાંગમિનલાલ હાઓકિપ તરીકે કરવામાં આવી છે. હુમલા અને ગોળીબારની તીવ્રતાને પગલે ગામમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરો છોડીને નજીકના ગીચ જંગલો તરફ ભાગી ગયા હતા.

પોલીસ અધિકારીઓએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, હુમલાખોરોએ માત્ર ગોળીબાર જ નહોતો કર્યો પરંતુ ગામના મકાનોને પણ નિશાન બનાવ્યા હતા. આ હિંસામાં ઓછામાં ઓછા સાત મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને ગ્રામજનોની અન્ય ઘરવખરી તેમજ સંપત્તિને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઓડિશામાં બોક્સાઈટ પ્રોજેક્ટના વિરોધમાં હિંસા, 40 પોલીસકર્મી સહિત 60 ઘાયલ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વધારાના સુરક્ષા દળોની ટુકડીઓને પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી હુમલાખોરોની ઓળખ કરી તેમની ધરપકડ કરી શકાય.

બીજી તરફ, કુકી સમાજની અગ્રણી સંસ્થા ‘કુકી ઇનપી મણિપુર’ (KIM) દ્વારા આ હિંસક ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. સંગઠનના સચિવ જાંઘાઓલુન હાઓકિપે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આ પ્રકારે નિર્દોષ નાગરિકોની ટાર્ગેટ કરીને હત્યા કરવી અને તેમના આશ્રયસ્થાનોનો નાશ કરવો એ માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.

સંગઠને કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સમક્ષ આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તેમજ ત્વરિત તપાસ કરાવીને દોષિતો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ, ભવિષ્યમાં આવી હિંસક ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે મણિપુરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને અસરકારક પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: RSSએ દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા મોહન ભાગવતને ફરિયાદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x