સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે કરવામાં આવેલી PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી દઈ અરજદારને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.
PIL alleging Buddhist relics under Somnath temple

અમદાવાદ: દેશના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક ધાર્મિક સ્થળોમાં અગ્રણી એવા સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો હોવાના દાવા અંગેની એક જાહેર હિતની અરજી (PIL) ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ અરજીને બિનઆધારભૂત ગણાવીને અરજદાર પર રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે.

વર્ષો પહેલા અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કરે પોતાના ફ્રન્ટ પેજ પર આ સંશોધન અને અહેવાલ અંગે વિસ્તૃત ન્યૂઝ સ્ટોરી પ્રસિદ્ધ કરી હોવા છતાં, અદાલત દ્વારા આ અરજી ફગાવી દેવાતા અને રિપોર્ટ જાહેર ન કરાતા હવે સમગ્ર મામલો શંકાસ્પદ અને ચર્ચાસ્પદ બની ગયો છે.

મહારાષ્ટ્રના એક રહેવાસી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ જાહેર હિતની અરજીમાં વર્ષ ૨૦૧૭માં IIT ગાંધીનગર અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા સોમનાથ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં કરાયેલા પુરાતત્ત્વીય અભ્યાસ અને જીઓ-રેડાર સર્વેના ગુપ્ત રખાયેલા અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરવામાં આવી હતી. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે આ સર્વેક્ષણના તારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, જેથી સંશોધકો, ઇતિહાસકારો અને સામાન્ય નાગરિકો સત્ય હકીકતથી વંચિત રહ્યા છે.

આ પણ વાંચો: બીમારીને લીધે ગાય સતત ખેતરમાં આંટા મારતી હતી, લોકો પૂજા કરવા માંડ્યા

અરજદાર વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ રત્ના વોરાએ ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતનું અત્યંત મહત્વનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ છે. જો સરકારી એજન્સીઓ અથવા દેશની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા ત્યાં કોઈ વૈજ્ઞાનિક કે પુરાતત્ત્વીય અભ્યાસ કરાયો હોય, તો તેની વિગતો જાહેર જનતા સમક્ષ ઉપલબ્ધ થવી જોઈએ. માહિતી સાર્વજનિક થવાથી સોમનાથના પ્રાચીન ઇતિહાસ અંગેની વિવિધ માન્યતાઓ અને દાવાઓનું તથ્યાત્મક મૂલ્યાંકન થઈ શકશે અને ઇતિહાસના ક્ષેત્રમાં નવા સંશોધનોને વેગ મળશે.

બીજી તરફ, રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી. એચ. વિર્કે આ અરજીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. સરકારે ન્યાયપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે આ અરજી પાછળ કોઈ વાસ્તવિક જાહેર હિત છુપાયેલું નથી. અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ માત્ર શંકા, અનુમાન અને કલ્પનાઓ પર આધારિત છે. સરકાર પક્ષે દલીલ કરાઈ હતી કે અદાલતી હસ્તક્ષેપ મેળવવા માટે અરજીમાં કોઈ નક્કર કે આધારભૂત પુરાવા રજૂ કરાયા નથી, અને માત્ર ચર્ચા ઊભી કરવા કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જાહેર હિતની અરજીના માધ્યમનો ઉપયોગ કરી શકાય નહીં.

આ પણ વાંચો: ‘ભૈયા જરા રાસ્તા દેના…’કહેતા ટોળાએ દલિત યુવકની હત્યા કરી!

ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની કાનૂની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, જાહેર હિતની અરજી (PIL) એ સમાજ કલ્યાણ અને ન્યાય મેળવવાનું એક શક્તિશાળી ન્યાયિક સાધન છે, પરંતુ તેનો ઉપયોગ બિનજરૂરી વિવાદો છેડવા અથવા વ્યક્તિગત હિત સાધવા માટે થઈ શકે નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર દ્વારા રજૂ કરાયેલી સામગ્રી કોઈ મજબૂત તથ્યાત્મક કે કાનૂની આધાર દર્શાવતી નથી.

માત્ર આશંકા કે અટકળોના આધારે કોઈ ગુપ્ત કે સંવેદનશીલ સરકારી રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપવા ન્યાયિક હસ્તક્ષેપ ઉચિત નથી.
અદાલતે વધુમાં જણાવ્યું કે, આવી અરજીઓના કારણે ન્યાયિક સમય અને સંસાધનોનો ભારે બિનજરૂરી દુરુપયોગ થાય છે, જેની સીધી અસર અન્ય મહત્વના કેસોની સુનાવણી પર પડે છે. આથી, ભવિષ્યમાં આવા ન્યાયિક દુરુપયોગને રોકવા માટે અદાલતે અરજી ફગાવવાની સાથે અરજદારને રૂપિયા 2 લાખનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.

જો કે, ભૂતકાળમાં લોકપ્રિય અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા આ જ વિષય પર ફ્રન્ટ પેજ સ્ટોરી કરીને સનસનાટી મચાવવામાં આવી હતી, જેમાં સોમનાથ મંદિર નીચે રહેલા ઐતિહાસિક સ્થાપત્યો અને બૌદ્ધ સંસ્કૃતિના જોડાણ અંગેના પુરાવાઓ હોવાનો દાવો કરાયો હતો. અખબારી અહેવાલોના મજબૂત પૃષ્ઠભૂમિ હોવા છતાં, હાઈકોર્ટ દ્વારા કાનૂની સ્તરે આ દાવાઓને નકારી કાઢવામાં આવતા અને તપાસ અહેવાલ પર પડદો જ જાળવી રાખવાનો નિર્ણય લેવાતા બૌદ્ધિકો અને ઇતિહાસકારોમાં આ મામલો વધુ રહસ્યમય અને શંકાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો: સોમનાથના આ વડીલ સમૂહલગ્નોમાં વર-કન્યાને ‘અનોખી’ ભેટ આપે છે

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Soma parmar
Soma parmar
13 days ago

Baudh,, virasat uper kbja kari lidha che

1
0
Would love your thoughts, please comment.x
()
x