‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’

અમદાવાદના બાપુનગરમાં ડૉ.આંબેડકર જયંતી પર પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે જાતિવાદી તત્વોને ખુલ્લી ચેલેન્જ ફેંકી દલિત સમાજના વરઘોડામાં રક્ષણની ખાતરી આપી.
Police Constable Ketan Parmar viral video

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં દલિત સમાજના વરરાજાઓને ઘોડી પર બેસતા અટકાવવા, વરઘોડા પર પથ્થરમારો કરવા જેવી અમાનવીય વર્તન કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. કાયદો અને વ્યવસ્થા હોવા છતાં જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો બંધારણીય સમાનતાના અધિકારને પડકારી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે કાયદાના રક્ષક ગણાતા એક પોલીસકર્મીએ જ મેદાનમાં ઉતરીને આવી માનસિકતા ધરાવતા મનુવાદી તત્વોને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિના અવસરે સમાજના વંચિત વર્ગો માટે સુરક્ષાની મોટી ખાતરી આપી છે.

ડૉ.આંબેડકર જયંતીએ પોલીસકર્મીનો જુસ્સો

ગઈકાલે 14મી એપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ‘ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ’ (BVCT) દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય અને સંગીત સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મંચ પરથી કેતન પરમારે અત્યંત આક્રમક અને હિંમતભર્યું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “રાજ્યમાં ગમે તે ખૂણે દલિત સમાજના કોઈ પણ વરરાજાને ઘોડી પર બેસવામાં અડચણ ઊભી કરવામાં આવતી હોય તો ગભરાવાની જરૂર નથી. તમારે માત્ર ટીમ BVCT ને લગ્નની કંકોત્રી મોકલી દેવાની રહેશે. અમારી ટીમ તમારા ગામમાં પહોંચી જશે અને લગ્ન ધામધૂમથી ઘોડા પર બેસાડીને જ કરાવીશું.”

આ પણ વાંચો: સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું

અગાઉ 11 હાથીઓ સાથે વરઘોડો કાઢવાની ચેલેન્જ આપી હતી

કેતન પરમાર અગાઉ પણ તેમના આવા નિવેદનો માટે જાણીતા રહ્યા છે. તાજેતરમાં બાપુનગર વિસ્તારમાં યોજાયેલા સમૂહલગ્ન પ્રસંગે, જેમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત હતા, ત્યારે પણ તેમણે મનુવાદી તત્વોને પડકારતી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે આવતા સમૂહલગ્નમાં અમારા 11 વરઘોડિયાને હાથી પર બેસાડીશું.” તેમની આ વાતથી ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો

‘ઘોડો અમારો, ખર્ચ અમારો, તો તમને શું તકલીફ છે?’

પોતાના સંબોધનમાં કેતન પરમારે ગામડાઓમાં તલવાર લઈને વરઘોડો રોકવા આવતા લોકો સામે આકરો રોષ ઠાલવ્યો હતો. તેમણે સવાલોની ઝડી વરસાવતા પૂછ્યું હતું કે, “અમે કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ બોલવા નથી માંગતા, પરંતુ અમે પણ આ દેશના સમાન નાગરિક અને માણસ છીએ. લગ્નમાં ઘોડો વરરાજાનો હોય છે, તે જે શૂટ પહેરે છે તે તેનો હોય છે અને બેન્ડવાજાના પૈસા પણ તે પોતે ચૂકવે છે, તો પછી અમુક લોકોને આમાં શું તકલીફ પડે છે? અમે ક્યારેય કોઈના પ્રસંગોમાં રોકટોક કરવા જતા નથી, તો તમે અમને શા માટે રોકો છો? તમે ભલે 10 ઘોડા લાવો, અમને કોઈ વાંધો નથી.”

પોલીસકર્મીની પહેલથી સમાજમાં જાગૃતિ

એક પોલીસકર્મી દ્વારા જાહેરમાં આ પ્રકારની હિંમત બતાવવી એ દલિત સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. કેતન પરમારે સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ કોઈ જ્ઞાતિ સામે નથી, પરંતુ સદીઓ પુરાણી અને સમાનતાના હક છીનવતી જાતિવાદી માનસિકતા સામે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની આ ખાતરીથી ગ્રામ્ય વિસ્તારોમાં થતા અત્યાચારની ઘટનાઓમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. આવનારા લગ્નગાળામાં આ પહેલ અને BVCT ટીમનું સમર્થન વરઘોડા સમયે થતા ઘર્ષણ રોકવામાં કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું મહત્વનું રહેશે. દલિત પોલીસકર્મીની આ ખૂલ્લી ચેલેન્જ હાલ સોશિયલ મીડિયા અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો: ગુજરાત બન્યું ભીમમય: ગામડાથી મેટ્રો સિટી સુધી ‘જય ભીમ’ની ગૂંજ

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x