મહેસાણામાંથી નવરાત્રી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના સોમનાથ ચોક ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબા નિહાળવા ગયેલા અનુસૂચિત જાતિના એક નિર્દોષ યુવક પર સ્થાનિક શખ્સોએ જાતિવિષયક અપશબ્દો બોલીને છરી વડે હુમલો કરી દીધો હતો. ગરબાના જાહેર પંડાલમાં જ યુવક પર છરીના ઘા ઝીંકી દેવાતાં ચકચાર મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક અસરથી લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગરબા જોવા બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ બબાલ કરી
પોલીસ સૂત્રો અને ફરિયાદની વિગતો અનુસાર, મહેસાણાના સોમનાથ રોડ પર આવેલા રિન્યુઅલ ફ્લેટમાં રહેતા કરણ અનિલભાઈ મકવાણા અને તેમના મિત્ર સચીન ચૌહાણ 14 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે પોતાના ઘરેથી ઉત્સાહપૂર્વક નવરાત્રીના ગરબા જોવા માટે નીકળ્યા હતા. બંને મિત્રો સૌપ્રથમ મહેસાણા શહેરના સમર્પણ ચોક ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ગરબા નિહાળ્યા હતા. ત્યારબાદ બંને જણા સોમનાથ ચોકમાં આવેલા ઉત્સવ નવરાત્રી મહોત્સવના ગરબા મંડપમાં ગરબા રમનારાઓ અને ખેલૈયાઓને જોવા માટે ગયા હતા.

બંને મિત્રો ગરબા જોઈ રહ્યા હતા ત્યારે જ ત્યાં અગાઉથી હાજર સુજય ઠાકોર, રાહુલ ઠાકોર અને તેમની સાથેના અન્ય 2 અજાણ્યા શખ્સોએ તેમને અટકાવ્યા હતા. આ શખ્સોએ કરણ મકવાણાને જોઈને તુરંત જ ઉદ્ધત વર્તન શરૂ કર્યું હતું અને ‘તું અહીં ગરબા જોવા માટે કેમ આવ્યો છે?’ તેમ કહીને તકરાર શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચોઃ દલિત યુવતી ચૈત્રી નવરાત્રિએ મંદિરમાં દર્શન કરવા ગઈ, જાણો પછી શું થયું
જાતિવિષયક અપશબ્દો બોલી છરી વડે હુમલો કર્યો
ગરબાના પંડાલમાં જ મામલો બિચકતાં ચારેય શખ્સોએ કરણ મકવાણાને ઘેરી લીધો હતો. તેમણે જાહેર સ્થળે જાતિવિષયક અપમાનજનક શબ્દો અને ગાળો ભાંડીને ઉશ્કેરણી કરી હતી. વાત આટલેથી જ ન અટકતાં ઉશ્કેરાયેલા શખ્સોએ કરણ પર હુમલો કરી દીધો હતો અને તેને જોરજોરથી લાફા ઝીંકી દીધા હતા.
ત્યારબાદ ઉશ્કેરાયેલા સુજય ઠાકોર અને રાહુલ ઠાકોર સહિતના શખ્સોમાંથી એક જણે પોતાની પાસે રહેલી છરી કાઢીને કરણના માથાના પાછળના ભાગે મારી દીધી હતી. માથાના ભાગે છરી વાગતાં જ લોહીની ધાર વહેવા લાગી હતી અને કરણ જમીન પર ઢળી પડ્યો હતો. જેથી ગરબા રસિકોમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચોઃ મહીસાગરના ભરોડીમાં દલિત દીકરીને સવર્ણ મહિલાઓએ ગરબામાંથી કાઢી મૂકી!
દલિત યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હુમલો કર્યા બાદ ચારેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કરણના મિત્ર સચીન ચૌહાણ અને આસપાસના લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત કરણને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેના માથાના ઘા પર ટાંકા લઈને સારવાર હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં જ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે સુજય ઠાકોર, રાહુલ ઠાકોર અને 2 અજાણ્યા શખ્સો મળીને એકંદરે 4 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તેમના રહેઠાણો પર દરોડા પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ગરબામાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવાતા બજરંગ દળે બબાલ કરી!











