એકબાજુ દેશ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ લોકોની સ્વતંત્રતા પર તરાપ મારતો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થઈ જતા યુવતીના ભાઈઓએ બંનેને કાપી નાખ્યા હતા.
યુપીના મુરાદાબાદના ઉમરી ગામની ઘટના
મામલો ગુનાખોરી, જાતિવાદ અને ઓનર કિલીંગ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના મુરાદાબાદ જિલ્લાના ઉમરી ગામમાં એક મુસ્લિમ યુવક મોહમ્મદ અરમાન અને તેની હિન્દુ પ્રેમિકા કાજલ સૈનીની કથિત રીતે બાંધીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

બંનેની હત્યા કરી લાશ મંદિર પાછળ દાટી દીધી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંનેના મૃતદેહ ગામની બહાર એક મંદિર પાછળ દફનાવવામાં આવ્યા હતા અને આરોપીઓએ કબૂલાત કર્યા પછી તેમને મળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મુખ્ય આરોપીઓની ઓળખ કાજલના ભાઈઓ રિંકુ સૈની અને સતીશ સૈની તરીકે થઈ છે, જ્યારે ત્રીજા ભાઈનું પણ FIRમાં નામ છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
યુવક સાઉદી અરેબિયામાં કામ કરતો હતો
મીડિયા રિપોર્ટ મુજબ, 27 વર્ષીય અરમાન સાઉદી અરેબિયામાં કામ કરતો હતો અને થોડા મહિના પહેલા ભારત પાછો ફર્યો હતો. એ દરમિયાન તે મુરાદાબાદમાં રહેતો હતો અને 22 વર્ષીય કાજલ સૈનીના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, કાજલના ભાઈઓ આ આંતરધર્મીય સંબંધની સખત વિરોધમાં હતા અને કથિત રીતે તેઓ કાજલને આ પ્રેમસંબંધ ખતમ કરી દેવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો: ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ
ત્રણ દિવસ પહેલા બંને ગુમ થઈ ગયા હતા
મળતી માહિતી મુજબ, મૃતદેહો મળ્યાના લગભગ ત્રણ દિવસ પહેલા અરમાન અને કાજલ બંને ગુમ થઈ ગયા હતા. અરમાનના પિતા હનીફે બાદમાં પાકબારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે કાજલ પણ ગુમ છે, જેનાથી શંકા વધુ ઘેરી બની હતી.
કાજલના ભાઈઓની પૂછપરછ કર્યા પછી, પોલીસનું કહેવું છે કે તેમણે બંનેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. એ પછી આરોપીઓ પોલીસને બંનેની હત્યા કરીને જ્યાં દફન કર્યા હતા તે જગ્યા પર લઈ ગયા હતા. મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓએ સગી બહેન અને તેના મુસ્લિમ પ્રેમીના હાથ-પગ બાંધીને તેમની હત્યા કરી હતી.
આ પણ વાંચો: બકરાં ચરાવવા ગયેલી મંદબુદ્ધિની દલિત દીકરી પર બળાત્કાર
યુવતીના ભાઈઓએ જ બંનેની હત્યા કરી
આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા મુરાદાબાદના પોલીસ અધિક્ષક સતપાલ અંતિલે જણાવ્યું હતું કે: “તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતીના ભાઈઓએ બંનેની હત્યા કરી હતી. તેમની કબૂલાત બાદ મૃતદેહો તેમના સ્થાન પરથી મળી આવ્યા હતા. ગુનામાં વપરાયેલ પાવડો પણ જપ્ત કરવામાં આવ્યો છે.”
Honour killing in UP’s Moradabad, An interfaith couple Kajal Saini and Mohd. Arman were hacked to death, over their relationship by Kajal’s brothers Rinku Saini and Satish Saini. Their bodies were found behind a temple on the outskirts of the village. pic.twitter.com/YomRsMbHib
— Mohammed Zubair (@zoo_bear) January 22, 2026
ઓનર કિલીંગની ઘટનાઓને લઈ ચિંતા વધી
અરમાનના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પકવાડા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 18/26 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 103(1) અને 238 હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર યુપીમાં ઓનર કિલિંગ, ખાસ કરીને આંતરધર્મીય પ્રેમલગ્નોમાં યુગલોને નિશાન બનાવતી હિંસક ઘટનાઓને લઈને ચિંતા ઉભી કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસે જણાવ્યું છે કે ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે.
આ પણ વાંચો: મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી










