ઓડિશાના રાયગડા જિલ્લામાં વેદાંત લિમિટેડની બોક્સાઈટ માઈનિંગ પરિયોજનાનો વિરોધ કરી રહેલા સ્થાનિક આદિવાસી અને દલિતોને કોર્ટ દ્વારા પોલીસ સ્ટેશન સાફ કરવાની શરતે જામીન આપવામાં આવી રહ્યાંની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ધ વાયરના એક રિપોર્ટ મુજબ, મે 2025 થી જાન્યુઆરી 2026 ના ગાળામાં ઓડિશા હાઈકોર્ટ અને રાયગડા જિલ્લા અદાલતે ઓછામાં ઓછા આઠ પ્રદર્શનકારીઓને જામીન આપવા માટે એક વિચિત્ર અને વિવાદાસ્પદ શરત મૂકી છે. એ મુજબ, તેમણે પોલીસ સ્ટેશન પરિસરની સફાઈ કરવી પડશે.
અદાલતોની જાતિગત પૂર્વગ્રહયુક્ત માનસિકતા
કોર્ટે જે આરોપીઓને આ આદેશ કર્યો છે તેવા 8 પ્રદર્શનકારીઓમાંથી 6 દલિત અને 2 આદિવાસી સમાજના છે. આ કિસ્સામાં સૌથી વધુ ચર્ચિત નામ 26 વર્ષીય કુમેશ્વર નાયકનું છે. રાયગડા જિલ્લાના કાશીપુર બ્લોકના કાંતામાલ ગામના રહેવાસી કુમેશ્વરને ઓડિશા હાઈકોર્ટે 28 મે 2025ના રોજ જામીન આપતી વખતે શરત મૂકી હતી કે તેમણે દરરોજ સવારે 6:00 થી 9:00 વાગ્યાની વચ્ચે કાશીપુર પોલીસ સ્ટેશનની સફાઈ કરવાની રહેશે. કુમેશ્વરે જૂન થી ઓગસ્ટ 2025 સુધી આ અપમાનજનક શરતનું પાલન કર્યું. તેમણે જણાવ્યું કે, જે પોલીસ સ્ટેશનમાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં જ ઝાડુ-પોતું કરવા પાછળનો હેતુ તેમને નૈતિક રીતે તોડી નાખવાનો અને જાહેરમાં જલીલ કરવાનો હતો.

આ પણ વાંચો: ઓડિશામાં બોક્સાઈટ પ્રોજેક્ટના વિરોધમાં હિંસા, 40 પોલીસકર્મી સહિત 60 ઘાયલ
સામાજિક કાર્યકરોએ આદેશને ‘જાતિવાદી’ ગણાવ્યો!
નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને વકીલોએ આ ન્યાયિક આદેશોની આકરી ટીકા કરતા તેને ‘જાતિવાદી’ ગણાવ્યા છે. કાર્યકર્તા શરણ્યા નાયકના જણાવ્યા મુજબ, સફાઈનું કામ ઐતિહાસિક રીતે અમુક વંચિત જાતિઓ પર જ લાદવામાં આવ્યું છે. જ્યારે ન્યાયતંત્ર આવી શરતો મૂકે છે, ત્યારે તે વર્ષો જૂની જાતિપ્રથાના પૂર્વાગ્રહોને પ્રોત્સાહન આપે છે. અહેવાલમાં ઉલ્લેખ છે કે આ આદેશો આપનારા ન્યાયાધીશો સવર્ણ અથવા ઓબીસી જ્ઞાતિના છે, જે આ આખા મામલામાં સામાજિક અસમાનતાના પાસાને વધુ ગંભીર બનાવે છે.
ખનન પરિયોજના અને સંઘર્ષની પૃષ્ઠભૂમિ શું છે?
આ સમગ્ર વિવાદના મૂળમાં વેદાંત લિમિટેડનો બોક્સાઈટ માઈનિંગ પ્રોજેક્ટ છે. વર્ષ 2023માં તત્કાલીન નવીન પટનાયકની બીજુ જનતા દળ સરકારે કાલાહાંડી જિલ્લામાં આવેલી લાંજીગઢ એલ્યુમિનિયમ રિફાઈનરી માટે તિજીમાલી બોક્સાઈટ બ્લોક ફાળવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ 1560 હેક્ટરથી વધુ જમીનનો ઉપયોગ થવાનો છે, જેમાંથી અડધોઅડધ જમીન જંગલ વિસ્તાર છે. આ પરિયોજનાને કારણે રાયગડા અને કાલાહાંડી જિલ્લાના અનેક દલિત-આદિવાસી પરિવારો વિસ્થાપિત થવાના આરે છે. પોતાની જમીન, જંગલ અને અસ્તિત્વ બચાવવા માટે સ્થાનિકોએ ‘માં માટી માલી સુરક્ષા મંચ’ની રચના કરી છે.
આ પણ વાંચો: લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો

અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ
સપ્ટેમ્બર 2024માં પોલીસ સ્ટેશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે અનેક દેખાવકારો સામે દંગા, સરકારી મિલકતને નુકસાન અને ફરજમાં અવરોધના ગુના નોંધ્યા હતા. અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હીરામલ નાયક, નારંગીદેઈ માઝી અને રમાકાંત નાયક જેવા અન્ય પ્રદર્શનકારીઓને પણ એક વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા બાદ આવી જ સખત અને અપમાનજનક શરતો સાથે મુક્ત કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી
જુલાઈ 2025માં દેશના 86 થી વધુ પ્રતિષ્ઠિત નાગરિકો, વકીલો અને કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી છે કે આવી જામીન શરતો બંધારણીય ગરિમાની વિરુદ્ધ છે અને ન્યાયતંત્રએ પછાત વર્ગો પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ. આંદોલનકારીઓનું કહેવું છે કે ભલે તેમને અપમાનિત કરવામાં આવે, પરંતુ તેઓ તેમની પવિત્ર પહાડીઓ અને જમીન બચાવવાની લડત ચાલુ રાખશે.
આ પણ વાંચો: જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો











