ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં ઓનર કિલિંગની એક ભયાનક ઘટના બની છે. એક સવર્ણ જાતિની સગીર વયની છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવાની કિંમત એક દલિત યુવકે પોતાના જીવથી ચૂકવવી પડી છે. યુવતીના પરિવારે સુનિયોજિત કાવતરું ઘડીને દલિત યુવકને દગાથી પોતાના ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ આખી રાત ઓરડામાં બંધ રાખી લોખંડના પટ્ટા તથા લાકડીઓ વડે માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે આવેલા અન્ય એક મિત્રની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર, પ્રતાપનગરના દેવલ ગામના રહેવાસી ધનપાલ લાલના 18 વર્ષના પુત્ર કેતન લાલને પડોશના જ ખોલગઢ ગામની સવર્ણ જ્ઞાતિની એક સગીરા સાથે છેલ્લા છ મહિનાથી પ્રેમ સંબંધ હતો. બંને ફોન પર અવારનવાર વાતચીત કરતા હતા. થોડા દિવસો પહેલાં જ યુવતીના પરિવારજનોને આ પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી, જેને પગલે તેઓ ભારે રોષે ભરાયા હતા.

આ પણ વાંચો: દલિત પરિવાર ઘર વેચી દે તે માટે સરપંચે ઘર આસપાસ ગંદું પાણી ભરાવ્યું
પરિવારજનોએ સગીરાને કેતન સાથે વાત ન કરવા માટે અનેક વખત કડક ચેતવણી આપી હતી, પરંતુ તે માની ન હતી. રવિવારે રાત્રે યુવતીના પરિવારે એક ભયાનક કાવતરું રચ્યું અને સગીરા પર દબાણ લાવીને કેતનને તેના જ મોબાઈલ પરથી ફોન કરાવી ખોલગઢ ગામ બોલાવ્યો હતો.
યુવતીના ફોનથી અજાણ કેતન લાલ રવિવારે રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે પોતાના મિત્ર દિવાકર ડિમરી (ઉં.વ. 22) સાથે બાઇક પર ખોલગઢ ગામ પહોંચ્યો હતો. દિવાકર તાજેતરમાં જ મુંબઈની એક હોટેલમાં કામ કરીને પરત ફર્યો હતો અને મિત્રતાના નાતે કેતનને મુકવા ગયો હતો. તેઓ જેવા ગામમાં પહોંચ્યા કે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઘાત લગાવીને બેઠેલા યુવતીના પરિવારજનો તેમના પર લાકડીઓ અને પટ્ટા વડે તૂટી પડ્યા હતા.
હુમલાખોરોએ બંનેને દબોચીને એક ઓરડામાં બંધ કરી દીધા હતા અને યુવતીની નજર સામે જ આખી રાત ઢોર માર માર્યો હતો. કેતનને પટ્ટા અને ભારે લાકડીઓથી અત્યંત ક્રૂરતાપૂર્વક પીટવામાં આવ્યો હતો, જ્યારે દિવાકરના માથા પર ઘા કરી તેનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દલિત એક્ટિવિસ્ટ રાકેશ મહેરિયાને તડીપારની નોટિસ, દલિતોમાં ભારે રોષ
સોમવારે સવારે આરોપીઓએ પોતે જ કેતનના પિતા ધનપાલ લાલને કેતનના જ મોબાઈલ નંબર પરથી ફોન કર્યો હતો અને ધમકાવતા કહ્યું હતું કે, “તમારા દીકરાને લઈ જાવ”. પિતા જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કેતન અને દિવાકર લોહીલુહાણ અને અધમૂઈ હાલતમાં પડ્યા હતા. તેમને તુરંત જ સવારે 8.20 વાગ્યે ચૌંડ સીએચસી (CHC) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કેતને દમ તોડી દીધો હતો. દિવાકરની હાલત ગંભીર હોવાથી તેને બૌરાડી જિલ્લા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે તણાવ અને સનસનાટી મચી ગઈ છે તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ લઈ જતી વખતે કારમાં પિતાએ કેતનનો એક વીડિયો શૂટ કર્યો હતો, જેમાં મરવાની છેલ્લી ઘડીએ કેતને સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે તેને સગાબાપે કાવતરું રચીને ખોલગઢ બોલાવ્યો હતો અને યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે જ તેના પર આ જીવલેણ હુમલો કર્યો હતો.
લંબગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી શિવરામે જણાવ્યું હતું કે, આ ઘટના સંદર્ભે મુખ્ય આરોપી યશવીર સિંહ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ (SC/ST Act) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે કાનૂની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જસદણના વડોદમાં ડૉ.આંબેડકરના બોર્ડનો વિવાદ: દલિત આગેવાને ફિનાઈલ પીધું











