બગદાણા ગુરુ આશ્રમના વહીવટ સામે કોળી સમાજમાં નારાજગી

બગદાણા ગુરુ આશ્રમના વહીવટ સામે કોળી સમાજમાં નારાજગી; ઉપેક્ષા અને અન્યાયના આક્ષેપ સાથે 14 માંગણીઓનું આવેદનપત્ર પાઠવ્યું.
બગદાણા ગુરુ આશ્રમના વહીવટ સામે કોળી સમાજમાં નારાજગી

ભાવનગરના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમમાં ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. આશ્રમના વહીવટમાં કોળી સમાજને સાઈડલાઈન કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સમાજના આગેવાનો અને સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. તાજેતરમાં બગદાણા ધામ ખાતે કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આશ્રમના વહીવટદારોની કામગીરી અને સમાજ સાથે થઈ રહેલા કથિત અન્યાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ 14 વિવિધ માંગણીઓ સાથે વહીવટદારને આવેદનપત્ર આપ્યું છે અને માંગણીઓનો ઉકેલ લાવવા માટે 8 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.

બાપાની તિથિની ઉજવણીમાં પણ ઉપેક્ષા કરાઈ હોવાનો આક્ષેપ

કોળી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, બાપાની તિથિની ભવ્ય ઉજવણી દરમિયાન પણ કોળી સમાજની જાણીજોઈને ઉપેક્ષા કરવામાં આવી હતી. આશ્રમ સાથે વર્ષોથી જોડાયેલા સમાજના લોકો અને સ્થાનિક આગેવાનોને યોગ્ય સ્થાન અને મહત્વ આપવામાં આવતું ન હોવાની લાગણીને કારણે સમાજમાં નારાજગી વધી છે.

સમાજના સભ્યોનું કહેવું છે કે આશ્રમના વહીવટમાં કોળી સમાજની ભૂમિકા અને ભાગીદારીને ધીમે ધીમે ઓછી કરવામાં આવી રહી છે. આ મુદ્દે હવે સમાજના લોકો સંગઠિત થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. વિવાદને પગલે મામલો માત્ર સામાજિક ચર્ચા પૂરતો સીમિત ન રહેતાં રાજકીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

8 ગામોમાં ખાટલા બેઠકો યોજી લોકોનો અવાજ એકત્ર કરાયો

આશ્રમના વહીવટ સામે વિરોધને સંગઠિત સ્વરૂપ આપવા માટે કોળી સમાજના સભ્યો અને આગેવાનો આશરે 8 ગામોના સ્થાનિક લોકોનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે. ગામેગામ જઈને આશ્રમમાં થઈ રહેલા કથિત અન્યાય અંગે લોકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સમાજના લોકોનો અભિપ્રાય જાણવા અને તેમની સમસ્યાઓને એક મંચ પર લાવવા માટે ખાટલા બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોનો મુખ્ય હેતુ આશ્રમના વહીવટમાં સમાજની ભાગીદારી, સ્થાનિક લોકોની અવગણના અને વહીવટદારોના નિર્ણયો સામે લોકોનો અવાજ એકત્ર કરવાનો છે.

મેનેજરની પોસ્ટ પરથી કોળી સમાજના વ્યક્તિને હટાવતાં નારાજગી

સમગ્ર વિવાદમાં આશ્રમના વહીવટી માળખામાં થયેલો તાજેતરનો ફેરફાર પણ મહત્વનો મુદ્દો બન્યો છે. મળતી વિગતો મુજબ, આશ્રમમાં વહીવટદારની નીચે મેનેજર તરીકે કોળી સમાજના 2 વ્યક્તિઓ કામગીરી સંભાળતા હતા. જોકે, તાજેતરમાં તેમાંથી એક વ્યક્તિને મેનેજરની પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હજુ પણ આ પદ પર કાર્યરત છે.

સમાજના આગેવાનો આ નિર્ણય સામે પણ વાંધો ઉઠાવી રહ્યા છે. તેમના મતે, આશ્રમના વહીવટમાં કોળી સમાજના લોકોને મળતું સ્થાન ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યું છે. મેનેજરની પોસ્ટ પરથી સમાજના એક વ્યક્તિને દૂર કરવાના નિર્ણયે અગાઉથી ચાલી રહેલી નારાજગીને વધુ વેગ આપ્યો છે.

ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું

આ વિવાદ અંગે આશ્રમના વહીવટદારો પૈકીના એક અને મુંબઈના કાંદિવલીના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે સમગ્ર વિવાદ અંગે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નહોતી. તેમણે માત્ર એટલું જણાવ્યું હતું કે તેઓ હાલ આશ્રમની આગામી 50મી પુણ્યતિથિની તૈયારીઓમાં વ્યસ્ત છે. વહીવટદાર તરફથી વિવાદ અંગે સ્પષ્ટ જવાબ ન મળતાં કોળી સમાજના આગેવાનોમાં નારાજગી યથાવત્ છે.

14 માંગણીઓ સાથે 8 દિવસનું અલ્ટીમેટમ

સમાજના આગેવાનોએ આશ્રમના વહીવટદારને 14 વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું છે. આ માંગણીઓના ઉકેલ માટે 8 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. હવે વહીવટદાર તરફથી આ માંગણીઓ અંગે કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર સૌની નજર છે.

બગદાણા ગુરુ આશ્રમ સાથે કોળી સમાજની વર્ષોથી જોડાયેલી લાગણીઓ અને સામાજિક સંબંધોને ધ્યાનમાં લેતાં આ વિવાદ મહત્વનો બન્યો છે. આશ્રમના વહીવટમાં સમાજને યોગ્ય સ્થાન અને ભાગીદારી મળે તેવી માંગ સાથે શરૂ થયેલો વિરોધ આગામી દિવસોમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ  સરકારી ભરતીઓમાં OBCને અન્યાય સહન નહીં કરીએ ; કોળી સમાજ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x