ફિલ્મ અને ટીવીની નાગિન સહિતની અનેક જાણીતી સિરીયલો કરી ચૂકેલી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે દુર્ગા પૂજા દરમિયાન અચાનક ધૂણવા લાગી હોય તેમ વિચિત્ર હરકતો કરતી દેખાય છે. આ ઘટનાને લઈને લોકોએ તેના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂક્યો છે.
સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે મા દુર્ગાની પૂજા દરમિયાન વિચિત્ર વર્તન કરતી જોવા મળે છે, જેને જોઈને સૌ ચોંકી ગયા છે. જોકે, તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુધાને માતાજીમાં અપાર શ્રદ્ધા હોવાનું કહેવાય છે. આ વર્ષના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં સુધા સફેદ પ્રિન્ટેડ સાડી પહેરેલી અને કપાળ પર દેવીની ચુનરી ઓઢેલી જોવા મળે છે. તે પોતાની (અંધ)શ્રદ્ધામાં સંપૂર્ણપણે ડૂબેલી દેખાય છે. ત્યાં ઘણા ભક્તો મા દુર્ગાની પૂજામાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
જોકે, વીડિયોમાં વિચિત્ર વાત એ છે કે સુધાની હરકતો અસામાન્ય લાગે છે. નાગિન ફેમ અભિનેત્રી તેને રોકવાનો પ્રયાસ કરી રહેલા કોઈપણ પર હુમલો કરી રહી હોય તેવું લાગે છે. તે તેની બાજુમાં ઉભેલા પૂજારીનો હાથ પણ કરડવાનો પ્રયાસ કરી રહી છે. તે જ્યાં ઉભી છે ત્યાં ઉછળતી અને માથું હલાવતી પણ જોવા મળે છે. આ વીડિયો જોઈને કોઈ એવું માની શકે છે કે સુધા કોઈ ફિલ્મ કે સિરિયલનું શૂટિંગ કરી રહી છે. પરંતુ એવું નહોતું, તે ખરેખર આવું વર્તન કરતી હતી.
અનેક લોકોએ આ વીડિયો જોઈને સુધાની ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે, સુધા જેવી અભિનેત્રી આ રીતે માતાજી ધૂણવાના નામે અંધશ્રદ્ધા ફેલાવે તે યોગ્ય નથી. મહિલાઓએ આ પ્રકારના કુરિવાજોથી દૂર રહેવું જોઈએ. લોકોને સાયન્ટિફિટ દ્રષ્ટિકોણ વિકસાવવા તરફ આગળ વધવું જોઈએ. તેના બદલે આપણી અભિનેત્રીઓ શિક્ષિત હોવા છતાં લોકોને ધૂણવા જેવી અંધશ્રદ્ધા તરફ દોરી જાય તે યોગ્ય નથી.
આ પણ વાંચો: નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!
કોણ છે સુધા ચંદ્રન?
સુધા ચંદ્રનનો જન્મ 21 સપ્ટેમ્બર, 1965 ના રોજ મુંબઈમાં થયો હતો, જોકે તેનો પરિવાર તમિલનાડુનો છે. તે હવે 60 વર્ષની છે અને હજુ પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. અભિનેત્રી હોવા ઉપરાંત, તે એક તાલીમ પામેલી ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે અને તેની કારકિર્દીમાં નોંધપાત્ર સંઘર્ષ પછી ખ્યાતિ મેળવી છે. સુધા ચંદ્રનના પિતા કે.ડી. ચંદ્રન પણ એક અભિનેતા હતા અને અનિલ કપૂરની ફિલ્મ પુકારમાં દેખાયા હતા.
સુધા ચંદ્રન માલામાલ વીકલી, શોલા ઔર શબનમ, ઈમ્તેહાન પ્યાર કી, હમ આપકે દિલ મેં રહેતે હૈ, ઈન્સાફ કી દેવી, અનુભવ, યે ફાસલે, સેલ્યુટ, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હાલમાં, તે લાંબા સમયથી એકતા કપૂરની હાસ્યાસ્પદ સિરિયલ નાગીન સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો: જોરાવરનગરમાં શહીદ ઉધમસિંહની જન્મ જયંતીની ઉજવણી કરાઈ










