વિદેશ જવાની ઘેલછામાં ફરી એકવાર ઉત્તર ગુજરાતના ચાર લોકો ફસાયા છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ તેમનું ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને અપહત લોકોને વીડિયો મોકલી 2 કરોડની ખંડણી માગી આવતા પરિવારજનો ચિંતિત બન્યા છે. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થતા તેઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માગી છે.
ચારેય લોકોને નગ્ન કરી જમીન પર ઉંધા સુવડાવ્યા
ચારેય લોકોનું અપહરણ કરી ઈરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે. સામેથી બાબા નામના વ્યકિત દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. પરિવારજનોને એક વીડિયો મોકલવામાં આવ્યો છે જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા છે. કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં છે. લોકોના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…
19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાનો એક વ્યકિત 19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેનું અપહરણ થયાનું સામે આવ્યું છે. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા અમિત શાહને પત્ર લખી મદદ માગવામાં આવી છે. જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો છે. આ ચારેય લોકોને સૌ પ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથઈ એમીરેટ્સ એરલાઈન્સ દ્વારા તેઓને બેંગકોક, દુબઈ અને તહેરાન લઈ જવાયા હતા.
અપહત લોકોનો વીડિયો બનાવી પરિવારને મોકલ્યો
અપહરણકર્તાઓ દ્વારા અપહત લોકોને એક વીડિયો બનાવી બાપુપુરામાં રહેતા તેઓના પરિવારજનોને મોકલવામાં આવ્યો છે અને બે કરોડની ખંડણી માગવામાં આવી છે. ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ થયું હોય સત્વરે તપાસ કરી મદદની માગવામાં આવી છે.
આ પણ વાંચો: દલિતો-સવર્ણો વચ્ચે રસ્તાને લઈને હિંસક અથડામણ, અનેક દલિતો ઘાયલ
અપહરણ પાછળ પાકિસ્તાની એજન્ટનો હાથ હોવાની આશંકા
બાપુપુરા ગામના સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગામના જ એક એજન્ટે ભૂતકાળમાં એક પાકિસ્તાની એજન્ટ મારફતે બે ત્રણ પેસેન્જરને અમેરિકા મોકલ્યા હતા. જે પેસેન્જર ઉતરી ગયા પછી આ એજન્ટે દોઢ કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા. આ દરમિયાન પાકિસ્તાની એજન્ટ ઓસ્ટ્રેલિયાનું પણ કામ કરતો હોવાનું જાણીને ગામના એજન્ટે પેસેન્જર શોધવાનું કામ શરૂ કર્યું હતું. જેના પગલે ગામના દંપત્તી સહિત ચાર પેસેન્જરોએ ઓસ્ટ્રેલિયા જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને નક્કી થયા મુજબ 19 મી ઓક્ટોબરે ચારેય ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થયા હતા.
તેમને બેંગકોક ,દુબઈ થઈ તેહરાન એરપોર્ટ ઉતારવામાં આવ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતા જ ચારેય જણાનું અપહરણ થઈ ગયું હતું. આ અપહરણની પાછળ પાકિસ્તાની એજન્ટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. તેમના પરિવારને ગઈકાલે ખંડણી માટેનો ફોન આવતા 40 લાખ જેટલી રકમ તો ચૂકવાઇ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધારકાર્ડ સાથે રાખવું પડશે?












Users Today : 817