દેશના અનેક રાજ્યોમાં થતા તોફાનોમાં જાનમાલના નુકસાનને લઈને પોલીસની ભૂમિકા નક્કી કરવાને લઈને થયેલી સુઓમોટો પિટિશનમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સરકારે 25660 પૈકી બાકીની ખાલી જગ્યા 14,283 ઉપર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે તેવું જણાવ્યું છે. આ સાથે પહેલાં ફેઝની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરિક્ષા અને પ્રમાણપત્ર ખરાઈ બાદ પરિણામ જુલાઈમાં આપી દેવાશે, તેમ સ્પષ્ટ કર્યું હતું.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. જેમાં આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે. જે પૈકી પહેલા ફેઝમાં 11 હજાર કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં અત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે. આ જગાયો માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા છે. તે પૈકી 7.45 લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. શારીરિક કસોટી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ જશે અને મે, 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધરાશે. વર્તમાન ભરતી જુલાઈ મહિનામાં પૂર્ણ થશે. આ પરીક્ષામાં ઓબ્જેકટીવ અને સબ્જેક્ટિવ બંને પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ ભરતીમાં કોઈ મૌખિક કસોટી નથી.

આ પણ વાંચો: દવાખાનાના કામમાં કોઈ પાસે હાથ ન લંબાવવો હોય તો આ કાર્ડ કઢાવી લો
25660 પૈકી બાકીની ખાલી જગ્યાઓ 14,283 ઉપર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. બીજા ફેઝની બાકીની ભરતી સપ્ટેમ્બર, 2026માં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે રાજ્ય સરકારને કેલેન્ડરની ટાઇમ લાઈન મુજબ ભરતી કરવાનું કહીને વધુ સુનાવણી 11 એપ્રિલના રોજ રાખી છે. ગત સુનાવણીમાં કોર્ટમિત્રે પ્રશ્ન ઉપાડ્યો હતો કે, વર્તમાનમાં બહાર પડાયેલી 11 હજાર પોલીસ કર્મચારીઓની ભરતીમાં PSIની માત્ર 475 જગ્યા છે, તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહિ. જેથી હાઇકોર્ટે સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબ તારીખ કે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માંગ્યું હતું. જેમાં ભરતીના સમય અને સ્ટેજની ચોક્કસ ખબર પડે.

અગાઉ સરકાર વતી સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં છેલ્લા 1 મહિનામાં 1029 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી થઈ રહી છે. જેમાં 11 હજાર પોસ્ટ માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા છે. આ 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 15 માર્ચ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. હાઇકોર્ટે અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું. રાજ્યમાં આવેલા 5 ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત છઠ્ઠુ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સંપૂર્ણ રીતે જાન્યુઆરી 2026માં બનશે, જેમાં 2500 જવાનોને ટ્રેનિંગ આપી શકાશે.
આ પણ વાંચો: શાળામાં સરસ્વતી પૂજાને લઈને બબાલ, દલિતોના બાઈક સળગાવ્યા










