ઉત્તર પ્રદેશના જૌનપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં 10 જેટલા લોકોએ એક દલિત વિદ્યાર્થીનું અપહરણ કરીને તેને નિર્દયતાથી માર માર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓએ વિદ્યાર્થીને પહેલા જમીન પર થૂંકવા કહ્યું અને પછી એ જ થૂંક તેને ચાટવા માટે મજબૂર કર્યો હતો. આરોપીઓએ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે.
મામલો શું છે?
બે દિવસ પહેલા જૌનપુરના જફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્યુશનમાં જઈ રહેલા એક સગીર દલિત વિદ્યાર્થી અને તેના મિત્રનું આઠથી દસ બાઇક સવાર યુવાનોએ બળજબરીથી અપહરણ કર્યું હતું. આરોપીઓ બંનેને એક નિર્જન જગ્યાએ લઈ ગયા અને એક રૂમમાં બંધ કરી દીધા. એ પછી તેમને બેરહેમીથી માર માર્યો. આરોપીઓએ સગીર દલિત વિદ્યાર્થીને પહેલા જમીન પર થૂંકવા કહ્યું અને પછી એજ થૂંક ચાટવા મજબૂર કર્યો હતો.
દલિત વિદ્યાર્થીને તેનું જ થૂંક ચાટવા મજબૂર કર્યો
એ દરમિયાન આરોપીએ વિદ્યાર્થીનો ફોન છીનવી લઈને તેનાથી જ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને તેના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો.
આ પણ વાંચો: દલિતવાસમાં આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળીને ખાખ
આરોપીઓએ દલિત વિદ્યાર્થીને જાતિસૂચક ગાળો ભાંડી આ મામલે કોઈને જાણ કરી અથવા પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. દલિત વિદ્યાર્થીના પિતાને દીકરાના અપહરણની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
દલિત વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે, પોલીસે બીએનએસ અને એસસી/એસટી એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે અપહરણ કરાયેલા બંને બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા. ત્યારબાદ અપહરણના આરોપી અવનીશ ચૌહાણ અને જયપ્રકાશ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ અલગ અલગ ટીમ બનાવી તેમને પકડવા માટે દરોડા પાડી રહી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ જફરાબાદના સમોપુર ખુર્દ ગામના રહેવાસી છે.
પોલીસે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૌનપુરના DSP સિટી દેવેશ સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોચિંગમાં જતી વખતે બે દલિત વિદ્યાર્થીનું અપહરણ થયાની માહિતી મળી હતી. પોલીસની ટીમે અપહરણ કરાયેલા બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે અને બે શંકાસ્પદોની ધરપકડ કરી છે. બંને બાળકોને સારવાર આપ્યા બાદ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 નામજોગ આરોપીઓ સામે કેસ નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ફરાર આરોપીઓને પણ જલ્દી પકડવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી માર્યો, પેન્ટમાં કીડીઓ નાખી