થાઇલેન્ડમાં એક મોટું બ્લેકમેઈલ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક મહિલાએ અનેક બૌદ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી તેમની પાસેથી ત્રણ વર્ષમાં 100 કરોડથી વધુની રકમ પડાવી હતી. પોલીસ આ કેસમાં આરોપી મહિલા સુધી પહોંચી છે, જેણે આ બૌદ્ધ સાધુઓને હનીટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કર્યા હતા. મહિલા પર ઓછામાં ઓછા 9 સાધુઓને હનીટ્રેપમાં ફસાવવાનો આરોપ છે. મહિલાએ બૌદ્ધ સાધુઓ સાથેના અશ્લીલ ફોટા અને વીડિયો ટાંકીને તેમને બ્લેકમેલ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે મહિલાએ સાધુઓ પાસેથી લગભગ 12 મિલિયન ડોલર (રૂ. 103 કરોડ) પડાવી લીધા હતા.
પ્રખ્યાત સાધુ ગુમ થયા પછી કેસ ખુલ્યો હતો
મીડિયા રિપોર્ટ મુજબ, મધ્ય બેંગકોકના એક બૌદ્ધ મંદિરમાંથી એક પ્રતિષ્ઠિત સાધુના ગુમ થયા પછી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. વરિષ્ઠ સાધુ ફ્રા થેપ વાચિરાપામોકના ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. એ પછી, પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન, પોલીસ અધિકારીઓને એક મહિલા વિશે ખબર પડી જેણે ઘણા વરિષ્ઠ સાધુઓને હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને સંબંધોને ખાનગી રાખવા માટે તેમને બ્લેકમેલ કર્યા હતા.

આ પણ વાંચો: ‘શંભુનાથ ટુંડિયા અને તેમના માણસો સરકારી બાંધકામમાં હપ્તા લે છે’
ફોનમાંથી હજારો વીડિયો મળ્યાં
જેમ જેમ આ કેસની તપાસ આગળ વધતી ગઈ, પોલીસે આરોપી મહિલાના ઘરની તપાસ કરી. આ દરમિયાન, પોલીસે ઘણા મોબાઇલ ફોન જપ્ત કર્યા. આમાં કથિત રીતે ગુમ થયેલા સાધુ અને અન્ય ઘણા વરિષ્ઠ બૌદ્ધ લોકોના સેંકડો વાંધાજનક ફોટા અને વીડિયો હતા. જ્યારે પોલીસે મહિલાના નાણાકીય વ્યવહારોની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તે મંદિરો સાથે સંબંધિત હતા.
થાઈ પોલીસના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના જારુનકિયાત પંકાવાએ 15 જુલાઈના રોજ પ્રેસને જણાવ્યું હતું કે, “અમે મહિલાના બેંક ખાતાઓની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમાં ઘણા ટ્રાન્જેક્શન મંદિરો સાથે સંબંધિત હતા.”
તપાસ અધિકારીએ, એક મેસેજિંગ એપનો ઉલ્લેખ કરતા કહ્યું, “તેનો મોબાઇલ જપ્ત કર્યા પછી અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમાં ઘણા બૌદ્ધ સાધુઓ હનીટ્રેપમાં ફસાયા હતા અને આરોપી મહિલા તેમને વીડિયો ક્લિપ્સ અને ચેટ્સ દ્વારા બ્લેકમેઈલ કરતી હતી.”

મંદિરમાંથી ગાયબ થયા પછી ફ્રા થેપ વચિરાપામોક જોવા મળ્યા નથી. તેમના ગુમ થવાના સંદર્ભમાં કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી. પરંતુ પોલીસે 15 જુલાઈના રોજ વિલાવન અમ્સાવત નામની મહિલાની ધરપકડ કરી હતી. તેના પર ખંડણી, પૈસાની લેવડદેવડ અને ચોરાયેલી વસ્તુઓ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મહિલાએ ગિફ્ટમાં મર્સિડીઝ-બેન્ઝ મેળવી લીધી
16 જુલાઈના રોજ થાઈ મીડિયા ટેલિકાસ્ટ સાથેની એક મુલાકાતમાં, મહિલાએ બે સાધુઓ અને એક ધાર્મિક પ્રોફેસર સાથે સંબંધો હોવાની કબૂલાત કરી હતી. વિલાવનએ એમ પણ કહ્યું કે તેણીને બેંક ટ્રાન્સફર અને પર્સનલ બેંક કાર્ડના રૂપમાં મર્સિડીઝ-બેન્ઝ SLK200 અને લાખો ભાત કરન્સી ઉપરાંત ઘણી મોંઘી ભેટો મળી છે.
પોલીસે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં વિલાવનના બેંક ખાતામાં લગભગ $11.9 મિલિયન (રૂ. 103 કરોડ) ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક મુલાકાતમાં, મહિલાએ કહ્યું કે તેણીએ એક બીજા સાધુને પણ પૈસા આપ્યા હતા જેને તે ડેટ કરી રહી હતી.
દર મહિને સાધુઓને ભથ્થું મળે છે
તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં બૌદ્ધ સાધુઓનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેમને બુદ્ધના આધ્યાત્મિક વારસદાર માનવામાં આવે છે. તેમને ઘણા કડક નિયમોનું પાલન કરવું પડે છે. આમાં મહિલાઓને સ્પર્શ કરવા કે હસ્તમૈથુન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. થાઈલેન્ડમાં, સાધુઓને દર મહિને ખોરાક ભથ્થું આપવામાં આવે છે. અહેવાલ મુજબ, તે તેમના પદ અનુસાર 6 હજાર રૂપિયાથી 90 હજાર રૂપિયા સુધીનું હોય છે. આ ઉપરાંત, મંદિરો અને ભિક્ષુઓને દાન પણ મળે છે.
દેશના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈએ ગયા અઠવાડિયે અધિકારીઓને સાધુઓ અને મંદિરો સંબંધિત હાલના કાયદાઓને કડક બનાવવાનનું વિચારવા આદેશ આપ્યો હતો. ઉપરાંત, મંદિરો માટે દેશમાં તેમની આવક જાહેર કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
બીજી તરફ, થાઈલેન્ડમાં બૌદ્ધ ધર્મના રાષ્ટ્રીય કાર્યાલયે કહ્યું છે કે સાધુઓની તપાસ કરવામાં આવશે, ભલે તેઓ ગમે તેટલા વરિષ્ઠ હોય. કાર્યાલયે એક ડ્રાફ્ટ કાયદા પર વિચાર કરવાનું પણ સૂચન કર્યું છે, જેમાં બૌદ્ધ ધર્મની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારાઓ માટે ફોજદારી સજાની જોગવાઈ છે.
આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો











