SC-ST અનામતમાં ક્રીમીલેયર પર RSS-ભાજપનું નવું નાટક!

ચૂંટણીમાં દલિત-આદિવાસીઓના રોષથી બચવા અને રાજકીય નુકસાન ટાળવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર મામલે પલટી મારી છે.
SC-ST reservation

દેશભરમાં અનામત નાબૂદ કરવાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપના નેતાઓની અવારનવાર નીકળતી વાતોને કારણે સમગ્ર દેશના દલિત અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે. આગામી ચૂંટણીઓમાં આ વિરોધી માહોલ ભારે રાજકીય નુકસાન પહોંચાડી શકે તેમ હોવાની ભીતિથી ઘેરાયેલી ભાજપ સરકારે હવે પલટી મારીને નવું રાજકીય નાટક શરૂ કર્યું છે.

પછાત વર્ગો સામે સતત ષડયંત્રો રચવાની ભાજપ અને RSS ની એક જૂની અને જાણીતી પેટર્ન રહી છે. પહેલાં પોતે જ અનામત પ્રક્રિયા સામે પડદા પાછળથી વિવિધ વાંધાઓ ઉભા કરાવવાના, અદાલતોમાં કેસ અને અરજીઓ કરાવવાની અને ત્યારબાદ જ્યારે દલિત-આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવે ત્યારે સરકાર પોતે જ તેમની ‘તારણહાર’ અને ‘મસીહા’ હોય તેમ કોર્ટમાં સોગંદનામા કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરવાનો.

પરંતુ હવે દેશનો જાગૃત દલિત અને આદિવાસી સમાજ ભાજપ-સંઘની આ ચાલાકીઓ અને બેવડી નીતિને બરાબર ઓળખી ગયો છે. અને એટલે જ તે આ ચાલાકીમાં ફસાતો નથી.

આ પણ વાંચો: કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?

સવર્ણોને રિઝવવાનો દાવ ઊંધો પડતાં સરકાર બેકફૂટ પર

અગાઉ સવર્ણ મતદારોને ખુશ કરવા અને પોતાના પરંપરાગત વોટબેંકને સાચવવા માટે જ આ સરકારે SC-ST અનામતમાં ‘ક્રીમીલેયર’ દાખલ કરવાનું ગતકડું ઉભું કર્યું હતું. ઓગસ્ટ 2024 માં જ્યારે સુપ્રીમ કોર્ટે રાજ્યોને SC અને ST વર્ગોની અંદર ક્રીમીલેયર ઓળખીને તેમને અનામતમાંથી બહાર કરવાની દિશામાં વિચારવા કહ્યું, ત્યારે અંદરખાને સંઘીઓ ભારે રાજી થતા હતા.

પરંતુ આ નિર્ણય સામે દેશભરમાં દલિતો અને આદિવાસીઓનો જે જનઆક્રોશ ફાટી નીકળ્યો તે જોઈને ભાજપના શાસકોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ચૂંટણીમાં મોટો રાજકીય ફટકો પડવાની સંભાવના જોઈને સરકારે તાત્કાલિક યુ-ટર્ન લેવો પડ્યો છે. હવે સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને દાવો કર્યો છે કે SC અને ST વર્ગો માટે ક્રીમીલેયરનો સિદ્ધાંત લાગુ કરી શકાય નહીં.

આ પણ વાંચો: જંતર-મંતર હિંસાના વિરોધમાં ભીમ આર્મીનો 25મીએ દેશવ્યાપી વિરોધ

સામાજિક અને ઐતિહાસિક ભેદભાવ સામેનું રક્ષણ

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 15 જૂન 2026 ના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે SC અને ST અનામતનો મૂળ હેતુ માત્ર આર્થિક ગરીબી દૂર કરવાનો નથી, પરંતુ સદીઓ જૂના ઐતિહાસિક અને સામાજિક ભેદભાવ સામે આ સમાજોને સુરક્ષા તેમજ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો છે. આ વ્યવસ્થા બંધારણના અનુચ્છેદ 341 અને 342 હેઠળ વિશિષ્ટ સામાજિક ઓળખ પર આધારિત છે. સરકારનું કહેવું છે કે OBC ની જેમ SC-ST મામલે ક્રીમીલેયરનો સ્વીકાર ન થઈ શકે, કારણ કે OBC માં આ મર્યાદા ₹8 lakh ની વાર્ષિક આવક પર આધારિત છે, જેની શરૂઆત 1971 ના સત્તનાથન કમિશન અને 1993 ના રામ નંદન કમિટીના અહેવાલો બાદ થઈ હતી. પરંતુ, આ તમામ કાનૂની દલીલો માત્ર એક સરકારી બચાવ નથી, પણ ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિનો એક ભાગ છે.

સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે રાજકીય રમત

કેન્દ્ર સરકારે કોર્ટને વિનંતી કરી છે કે અનામત નીતિ જેવા અતિ સંવેદનશીલ વિષય પર કોઈ ન્યાયિક નિર્દેશ ન આપવો જોઈએ અને આ અંગે નિર્ણય લેવાનો આખરી અધિકાર માત્ર સંસદ પાસે જ રહેવા દેવો જોઈએ. સરકારનો તર્ક છે કે આવા ફેરફારો કરવા માટે empirical data અને નક્કર સામાજિક-આર્થિક આંકડાઓનો વ્યાપક અભ્યાસ જરૂરી છે. પરંતુ અહીં મોટો સવાલ એ થાય છે કે જો કેન્દ્ર સરકાર દલિતો પ્રત્યે આટલી જ ગંભીર હતી, તો અનામત પર આશંકાઓ કેમ ઉભી થવા દીધી હતી? શા માટે સંઘના નેતાઓ વારંવાર અનામતની સમીક્ષા કરવાની વાતો કરે છે?

આ પણ વાંચો: શું કરકસર કરવાથી દેશનું આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?

જાગૃત દલિત-આદિવાસી સમાજ હવે છેતરાશે નહીં

પહેલાં પોતાના જ વિવિધ સંગઠનો દ્વારા અનામત વિરોધી માહોલ તૈયાર કરવો, કોર્ટ કાર્યવાહીમાં નિમિત્ત બનવું અને પછી પોતે રક્ષક બનીને સામે આવવું – ભાજપ અને RSS નો આ પ્લાન હવે સંપૂર્ણપણે ખુલ્લો પડી ગયો છે. દલિત અને આદિવાસી શક્તિઓ હવે સારી રીતે સમજી ગઈ છે કે ભાજપનું આ વલણ સમાજ પ્રત્યેની કોઈ વાસ્તવિક સંવેદનશીલતા નથી, પરંતુ માત્ર આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પોતાની ડૂબતી નૌકા બચાવવાનો આખરી પ્રયાસ છે. શાસક પક્ષની આ અનામત વિરોધી નીતિ અને બેવડી ચાલ સામે હવે દેશનો પછાત વર્ગ એકજૂથ થઈ ચૂક્યો છે, અને આવનારી ચૂંટણીઓમાં ભાજપ-સંઘની આવી કોઈ પણ ચાલાકી ફાવશે નહીં.

આ પણ વાંચો: OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે ‘અનામત હટાવો’નું સૂરસૂરિયું!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x