ઉનાકાંડ(Una incident)માં નીચલી અદાલત દ્વારા મોટાભાગના આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા બાદ દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બસપા સુપ્રીમો માયાવતી(Mayawati)એ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે રાજ્ય સરકારને આગ્રહ કર્યો છે કે પીડિત દલિત પરિવારને સરકારી ખર્ચે મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે અને ગુજરાત હાઈકોર્ટમાં મજબૂત રજૂઆત કરીને તમામ દોષિતોને સખતમાં સખત સજા અપાવવામાં આવે.
પીડિતોની આર્થિક લાચારી પર ચિંતા
બીએસપી પ્રમુખ માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 2016 માં થયેલા દલિતો પરના જઘન્ય અત્યાચાર કેસના 40 માંથી 35 આરોપીઓને માર્ચ મહિનામાં સ્થાનિક કોર્ટે છોડી મૂક્યાં છે. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવા માટે પીડિત દલિત પરિવારોએ ભારે આર્થિક અને અન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કડવી વાસ્તવિકતા અત્યંત વિચલિત કરનારી છે અને આખી ઘટનાથી સમગ્ર ‘બહુજન સમાજ’ માં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’
આ સરકારી ઉદાસીનતાનું પરિણામ: માયાવતી
માયાવતીએ પોતાની પોસ્ટમાં 2016 ની એ ઘટનાને યાદ કરતાં લખ્યું કે, ઘટના બન્યા બાદ તેઓ પોતે જમીની હકીકત જાણવા અને પીડિતોને મળવા ઉના ગયા હતા. તે સમયે આખા દેશમાં આ ઘટના પ્રત્યે આક્રોશ હોવા છતાં રાજ્ય સરકાર દોષિતો સામે નક્કર પુરાવા રજૂ કરી શકી નથી. 35 આરોપીઓનું છૂટી થવું એ બીજું કંઈ નથી પરંતુ દલિતો પ્રત્યે સરકારી દ્વેષ, સુરક્ષા પ્રત્યેની બેદરકારી અને વહીવટી તંત્રની ઉદાસીનતાનું જ પરિણામ છે.
1. गुजरात राज्य के ज़िला गिर सोमनाथ के ऊना में सन् 2016 में हुये दलितों पर जघन्य अन्याय-अत्याचार काण्ड के लगभग सभी अभियुक्तों को मार्च में स्थानीय कोर्ट द्वारा बरी करने के फैसले को हाईकोर्ट में चुनौती देकर न्याय पाने के लिये पीड़ित दलित परिवारों को वित्तीय आदि का भारी चुनौतियों…
— Mayawati (@Mayawati) August 7, 2026
મફત કાનૂની સહાય અને હાઈકોર્ટમાં અપીલની માંગ
બસપા સુપ્રીમોએ ગુજરાત સરકારને પોતાની ભૂલ સુધારવાની તક આપતાં માંગ કરી છે કે, સરકારે આ મામલે હાઈકોર્ટમાં યોગ્ય પેરવી કરવી જોઈએ જેથી તમામ ગુનેગારોને સજા મળે અને ભવિષ્ય માટે દાખલો બેસે. તેમણે ઉમેર્યું કે, યુપીમાં બીએસપી શાસન દરમિયાન જેમ ગરીબો માટે મફત કાનૂની સહાયની કાનૂની જોગવાઈ કરવામાં આવી હતી, તેવી જ રીતે ગુજરાત સરકારે પણ પીડિત પરિવારની પસંદગી મુજબના વકીલનો તમામ ખર્ચ સરકારી તિજોરીમાંથી ભોગવવો જોઈએ જેથી પીડિતોને સાચો ન્યાય મળી શકે.
આ પણ વાંચોઃ BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું












