અમદાવાદ શહેરમાં ઘરના ઘરનું સપનું સેવતા દલિત-બહુજન સમાજના લોકોનું આ સપનું સાકાર થાય તેવી તક આવી છે. અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો ડ્રો યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે. AMC દ્વારા શહેરના પાંચ જુદા જુદા વિસ્તારોમાં ખાલી પડેલા 553 LIG (લોઅર ઇન્કમ ગ્રુપ) આવાસો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તેના માટે 30 જુલાઈ 2025થી ઓનલાઇન ફોર્મ ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે અને 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ આવાસ માટે કોમ્યુટરાઇઝડ ડ્રો પદ્ધતિથી મકાનની ફાળવણી કરવામાં આવશે.
ચાંદખેડા, રખિયાલ, વેજલપુરના મકાનોનો ડ્રો યોજાશે
મુખ્યમંત્રી આવાસ યોજનાના આ મકાનો નિકોલ, ચાંદખેડા, રખિયાલ, વસ્ત્રાલ અને વેજલપુર જેવા અમદાવાદના અગ્રણી વિસ્તારોમાં આવેલા છે. આ આવાસો વર્ષ 2016-17માં બાંધવામાં આવ્યા હતા અને હાલમાં કુલ 553 મકાનો ખાલી છે, જેની ફાળવણી માટે AMCએ પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?
કોણ અરજી કરી શકશે?
LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ હેઠળ આવતા પરિવારો આ આવાસો માટે અરજી કરી શકશે. જેમાં વાર્ષિક રૂ. 3 લાખ થી રૂ. 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો લાભ લઈ શકશે.

કેવા છે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો?
AMC દ્વારા ઓફર કરવામાં આવી રહેલા આ 1 BHK ફ્લેટ આકર્ષક સુવિધાઓથી સજ્જ છે. 1 BHK ફ્લેટનું ભૂકંપ પ્રુફ બાંધકામ, વીટ્રીફાઈટ ટાઈલ્સ ફ્લોરિંગ,પાર્કિંગ સહિત અન્ય જગ્યા પર પેવર બ્લોકનું પેવિંગ, આકર્ષક એલિવેશન, ફાયર સેફ્ટી, ગ્રેનાઈટનું કિચન પ્લેટફોર્મ અને પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડિંગ વિન્ડોઝ મળશે.
અરજી પ્રક્રિયા કેવી રીતે કરશો?
આ યોજનાના ડ્રોમાં ભાગ લેવા માટે અરજદારે AMCની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે. એ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ આવાસો માટે મેઈન્ટેનન્સની રકમ રૂ. 50,000 નક્કી કરવામાં આવી છે. જો તમે પણ અમદાવાદમાં ઘરનું ઘર ઈચ્છો છો તો આ યોજના માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો: દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી










